Western Times News

Gujarati News

ઝઘડીયા જીઆઈડીસીમાં બે સગીર બાળકોને અજ્ઞાત ગેસ લાગતાં સારવાર અર્થે ખસેડાયા

જીઆઈડીસીમાં પોલીસ સ્ટેશનની સામે આવેલ માટીના ઢગલા પાસે રમતી વખતે અજ્ઞાત ગેસ લાગ્યો હતો

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ઝઘડીયા જીઆઈડીસીમાં હવે એવી પરિસ્થિતિ ઉભી થઈ રહી છે કે કંપની પ્લાન્ટ સિવાય પણ જાહેર સ્થળોએ ગેસ લાગવાની ઘટનાઓ બની રહી છે. ઝઘડીયા જીઆઈડીસીમાં રોજગારી આપવાના બહાને ઉદ્યોગ સંચાલકો ઝગડિયા જીઆઈડીસીની આજુબાજુના વિસ્તારના ગ્રામજનોના જીવન સાથે ખેલ ખેલી રહ્યા છે અને પોતના ઉત્પાદન માટે હજારો સ્થાનિકોના જીવ જોખમ માં મુકી રહ્યા છે.

આડેધડ વાયુ, જળ અને ધન કચરાનુ પ્રદુષણ ફેલાવી રહયા છે.ઝઘડીયા જીઆઈડીસીમા આવેલ પોલીસ ચોકીની સામે એક પંચર ની દુકાન આવેલી છે.આ પંચરની દુકાન પાછળ કોઈ કંપની દ્વારા કેમિકલયુક્ત માટીના મોટા પાયે ઢગલો ખડકી દેવામાં આવ્યા છે.

હાલમાં આ માટી કોણે અને ક્યાં થી નંખાવી તે કોઈ જાણતું નથી! આ માટીના ઢગલા પાસે વાલીયા તાલુકાના કનેરાવ ગામના હરેન્દ્ર બાલુભાઈ વસાવા તથા સુરેશભાઇ વસાવા ના બે ૧૨ વર્ષીય પુત્રો નૈતિક નરેન્દ્ર ભાઈ વસાવા તથા સોહમ સુરેશભાઈ વસાવાનાઓ શંકાસ્પદ કેમિકલવાળી માટીના ઢગલા પાસે રમતા હતા.બંને બાળકો રમતા હતા તે દરમિયાન તેમને કોઈ અજ્ઞાત ગેસની અસર થતાં તેઓને ગભરામણ અનુભવાઈ હતી.

જેથી બંને બાળકોને અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બાળકોને ગેસ લાગવાની ઘટના બાબતે બંનેના વાલીઓએ જણાવ્યું હતું કે માટી માંથી કોઈ પ્રકારનો પદાર્થ ગંધાતા અને બાળકોના શ્વાસમાં પ્રસરતા તેમને આ અસર થઈ હતી.આ બાબતે હરેન્દ્ર બાલુભાઈ વસાવા તથા સુરેશભાઈ ઈશ્વરભાઈ વસાવાએ ઝઘડિયા પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.