Western Times News

Gujarati News

ભાજપે રાહુલ ઉપર મૂક્યો ખેડૂતોને ઉશ્કેરવાનો આરોપ

નવી દિલ્હી: પ્રજાસત્તાક દિવસે દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસા બદલ હવે રાજકારણ શરૂ થઈ ગયું છે. આ હિંસા બદલ ભાજપ અને કોંગ્રેસે એકબીજા પર આક્ષેપ કર્યા છે. કેટલાક ખેડૂતો લાલ કિલ્લામાં ઘૂસી ગયા હતા અને ધાર્મિક ધ્વજ ફરકાવ્યો હતો.

આ ઉપરાંત પ્રદર્શનકારીઓએ બેરિકેડ્‌સ તોડી નાંખ્યા હતા અને પોલીસ સાથે અથડામણ પણ કરી હતી. ભાજપે રાહુલ ગાંધી પર આક્ષેપ કર્યો છે કે તેમણે ખેડૂતોને ઉશ્કેર્યા હતા. જ્યારે કોંગ્રેસે ગૃહમંત્રી અમિત શાહને જવાબદાર ગણાવ્યા હતા અને તેમને દેશના સૌથી નબળા ગૃહ મંત્રી કહ્યા છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે ખેડૂતોને બદનામ કરવા માટે મોદી સરકારે આ સુનિયોજીત કાવતરૂ રચ્યું હતું.

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસે ખેડૂતોનું આંદોલન ભડકાવ્યું છે અને ભારત કોઈ પણ ભોગે ત્રિરંગાનું અપમાન સહન કરશે નહીં. ભાજપના હેડક્વાર્ટર પર પત્રકાર પરિષદને સંબોધતા જાવડેકરે જણાવ્યું હતું કે, જે લોકોને ચૂંટણીઓમાં પરાજય મળ્યો છે તેવા લોકો દેશમાં કોઈ પણ રીતે અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

રાહુલ ગાંધી ફક્ત વિરોધ પ્રદર્શનને સમર્થન જ નથી આપી રહ્યા પરંતુ ઉશ્કેરણી પણ કરી રહ્યા છે. આવું જ સીએએ વખતે થયું હતું. કોંગ્રેસે રેલીઓ યોજી હતી, તેમણે લોકોને રસ્તા પર આવી જવા માટે ઉશ્કેર્યા હતા અને બીજા દિવસે હિંસા થઈ હતી. ખેડૂતોના આંદોલન વખતે પણ આવું જ થયું છે. તેમણે ખેડૂતોને ઉશ્કેર્યા છે,

તેમ જાવડેકરે જણાવ્યું હતું. અગાઉ કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ૨૬ જાન્યુઆરીએ થયેલી હિંસા માટે મોદી સરકારને જવાબદાર ગણાવી હતી અને ખેડૂતોના આંદોલનને બદનામ કરવા માટે કાવતરૂ રચ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. સુરજેવાલાએ સવાલ કર્યો હતો કે ૫૦૦ લોકોનું ટોળુ પોલીસની સહાય વગર લાલ કિલ્લાની અંદર પ્રવેશ કેવી રીતે કરી શકે.

પોલીસે પ્રેક્ષકની જેમ આ બધુ જાેતી રહી હતી. તેમણે કહ્યું હતું કે, ખેડૂતોના આંદોલનને બદનામ કરવા માટે મોદી સરકાર દ્વારા આ કાવતરૂ રચવામાં આવ્યું હતું અને તેમને બહાર આવવા મજબૂર કર્યા.

જેથી કરીને તેઓ ત્રણ કૃષિ વિરોધી કાળા કાયદાને પાછા લેવાની માંગણી પડતી મૂકે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તરફથી આ સુરક્ષામાં ઘણી મોટી ખામી છે અને ઈન્ટેલિજન્સની નિષ્ફળતા છે.

કોઈ પણ જાતનો વિલંબ કર્યા વગર અમિત શાહને હકાલપટ્ટી કરી દેવી જાેઈએ. સુરજેવાલાએ કહ્યું હતું કે, શું આવા ગૃહ મંત્રીને એક દિવસ માટે પણ તેમના પદ પર રહેવા દેવા જાેઈએ? જે ભારતના ૭૩ વર્ષના ઈતિહાસના સૌથી નબળા ગૃહ મંત્રી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમિત શાહને હાંકી કાઢવા જાેઈએ અને જાે તેઓ તેમ ન કરે તો વડાપ્રધાન પણ દેખીતી રીતે ખેડૂત આંદોલનને બદનામ કરવાના કાવતરામાં ભાગીદાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.