Western Times News

Gujarati News

અધિકારીઓને દારૂની બોટલો અને દારૂનો હિસાબ મળ્યો

સુરત: સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલી એક ડાયમંડ કંપની પર બે દિવસથી ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં તપાસ દરમિયાન કંપનીમાંથી બેનામી આવકની સાથે સાથે દારૂની પણ પોલ ખૂલી હતી. આઈટી અધિકારીઓને કંપનીમાંથી વિદેશી દારૂની ૧૫ જેટલી બોટલો, ખાલી ખોખા અને બોક્ષ મળી આવ્યા હતા.

આટલું જ નહીં દારૂનો હિસાબ લખવા માટે વપરાતી બુક પર આઈટીના અધિકારીઓના હાથમાં લાગી ગઈ હતી. જે બાદ સમગ્ર મામલે કાપોદ્રા પોલીસને જાણકારી આપતા પોલીસે આ મામલે કાર્યવાહી શરૂ કરી હતી.

સુરતના કપોદ્રામાં બે દિવસ પહેલા ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ દ્વારા રફ ડાયમંડ જાેબવર્ક સાથે સંકળાયેલી દીયોરા એન્ડ ભંડેરી કોર્પોરેશન પેઢીમાં ઇન્કમટેક્સની રેડ કરવામાં આવી હતી. અધિકારીઓ કંપનીમાંથી બેનામી આવક શોધી કાઢવા માટે સર્ચની કામગીરી કરી રહ્યા હતા ત્યારે તપાસ માટે મોડી રાત્રે કંપનીમાં બિલ્ડીંગના છઠ્ઠા માળે ટેરેસ ઉપર મુકેલા સામાનનું ચેકિંગ કર્યું હતું.

આ દરમિયાન સર્વર રૂમને અડીને આવેલા ગાર્ડ રૂમની બહાર મુકેલી તિજાેરીમાં તપાસ કરતા તેમાંથી દારૂની બોટલો મળી હતી. જેથી ઇન્કમટેક્સ વિભાગે કાપોદ્રા પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરતા કંપનીમાંથી ૩૦,૦૦૦ની કિંમતની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ૧૫ બોટલ મળી આવી હતી. આ સાથે જ પોલીસને ત્યાંથી ૮ જેટલા દારૂની બોટલના ખાલી ખોખા અને બોક્ષ પણ મળ્યા હતા.

ઇન્કમટેક્સના અધિકારીઓને કંપનીમાં સર્ચ દરમિયાન એક બુક પણ મળી હતી. જેમાં બોટલના નામ, નંગ, તારીખ અને અલગ- અલગ વ્યક્તિના નામનો હિસાબ લખેલો હતો. આમ દારૂનો પણ હિસાબ મળી આવતા ઇન્કમટેક્સના અધિકારી ચોંકી ઉઠ્‌યા હતા. કાપોદ્રા પોલીસે ત્યાં પહોંચી તમામ વસ્તુઓ કબજે કરી હતી અને આ મામલે કંપનીના સંચાલકો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.