Western Times News

Gujarati News

સોમનાથના સમુદ્રમાં કાચની ટનલ બનાવવાનું આયોજન

પ્રતિકાત્મક

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન બન્યા બાદ અહીં વિકાસ કાર્યો શરૂ કરવાની કવાયત હાથ ધરી છે. જે અંતર્ગત ૩૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

સોમનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા આવનારા પ્રવાસીઓને આકર્ષી શકે તેવા અનેક વિકાસ કામો હાથ ધરવામાં આવશે. સાથે જ સોમનાથના ઈતિહાસને જાણવા ઉત્ખન્નની કામગિરી માટે પુરાતત્વ વિભાગની ટીમે પણ સોમનાથની મુલાકાત લીધી હતી.

ભારતના બાર જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ આગામી મહિનાઓમાં સોમનાથ મંદિર સહિત અનેકવિધ બહુમુખી ભવ્ય વિકાસના કાર્યો હાથ ધરશે. સોમનાથના યાત્રિકો-પર્યટકો સમુદ્ર જીવસૃષ્ટિને માણી શકે તે માટે રૂપિયા ૩૦૦ કરોડના ખર્ચે પ્રોજેક્ટને આગળ ધપાવવામાં આવશે. સમુદ્રમાં એક કાચની ટનલનું નિર્માણ કરવામાં આવશે.

જેમાં જઈને પર્યટકો દરિયાની અંદરની જીવસૃષ્ટિને નિહાળી શકશે. સોમનાથ મંદિરના પ્રાચીન ઈતિહાસના સંશોધન ખનન માટે આર્કોલોજી વિભાગના વડા પંકજ શર્માને પણ સોમનાથ બોલાવાયા હતા. સોમનાથના ટ્રસ્ટી અને સચિવ પ્રવીણ લહેરીએ જણાવ્યું, સોમનાથ મંદિરે આવતાં લોકોને આકર્ષવા માટે આગામી દિવસોમાં સરકાર, ખાનગી કંપની અને સોમનાથ મંદિર ટ્રસ્ટના સહયોગથી વિકાસ કામો હાથ ધરવામાં આવશે.

જેમાં સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ કાચની દરિયાઈ ટનલનો છે. પર્યટકો આ ટનલમાં જઈને એક્વેરિયમની જેમ જ દરિયાની જીવસૃષ્ટિ નિહાળી શકશે. તો પ્રોજેક્ટના બીજા તબક્કામાં પાર્કિંગ ડોરમેટરી વચ્ચે થીમ આધારિત કેવ મ્યૂઝિયમ બનશે. જેમાં પશુ-પક્ષ, વિવિધ સંપ્રદાય-ધર્મ અને બાર જ્યોતિર્લિંગના ઓડિયો-વિઝ્‌યુઅલ પ્રોજેક્ટની કામગીરી થશે.

સોમનાથના શહીદ હમિરસિંહજી ગોહિલ સર્કલથી જ સીધી લીટીમાં સોમનાથ મહાદેવ મંદિરનું સીધે સીધું દ્રશ્ય દેખાય તે અંગેનું કામ પણ કરાશે. દરમિયાન સોમનાથ મંદિર અને આસપાસના ૪ સ્થળોએ ભૂગર્ભ બાંધકામ અંગે ગાંધીનગર  એ રિપોર્ટમાં જે ચાર સ્થળો દર્શાવ્યા છે,

તેના સંશોધન માટે પુરાતત્વ વિભાગના ડાયરેક્ટર પંકજ શર્માએ બે દિવસ સોમનાથમાં રોકાણ કર્યું હતું. આ સ્થળોના સંશોધન અને ખનન માટે મોકલેલી દરખાસ્ત અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સોમનાથ એસટી બસ સ્ટેન્ડનું રેલવે સ્ટેશન સામે સ્થળાંતર કરી ત્યાં નવું બસ સ્ટેશન બનાવાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.