Western Times News

Gujarati News

હેસ્ટર બાયોસાયન્સિસનો ત્રીજા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો 72 ટકા વધી રૂ. 13.29 કરોડ થયો

દેશની ટોચની એનિમલ હેલ્થકેર કંપની હેસ્ટર બાયોસાયન્સિસ લિમિટેડે ડિસેમ્બર 2020માં સમાપ્ત થયેલ ત્રીજા ત્રિમાસિક ગાળા દરમિયાન 72 ટકાની વૃદ્ધિ સાથે રૂ. 13.29 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે ગયા વર્ષે સમાન સમયગાળા દરમિયાન રૂ. 7.73 કરોડ હતો. નાણાંકીય વર્ષ 2019-20ના સમાન સમયગાળાના રૂ. 43.39 કરોડના ચોખ્ખા વેચાણની તુલનાએ નાણાંકીય વર્ષ 2020-21ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખું વેચાણ 22 ટકાની વૃદ્ધિ સાથે રૂ. 52.82 કરોડ નોંધાયું હતું.

નાણાંકીય વર્ષ 2021ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં શેરદીઠ આવક (ઈપીએસ) રૂ. 15.62 રહેવા પામી હતી. કંપની તંદુરસ્ત માર્જિન જાળવી રાખવા સક્ષમ છે, Q3FY21 દરમિયાન ઈબીઆઈટીડીએ માર્જિન 38.79 ટકા જ્યારે નેટ પ્રોફિટ માર્જિન વધુ બહેતર થઈને 25.16 ટકા રહેવા પામ્યો હતો. કંપનીના બોર્ડ દ્વારા મેનેજમેન્ટને વિસ્તરણની પ્રક્રિયા હાથ ધરવા માટે રૂ. 200 કરોડ સુધીના યોગ્ય ધિરાણના વિકલ્પો શોધવા મંજૂરી અપાઈ છે.

Q3FY21માં પોલ્ટ્રી હેલ્થકેર વિભાગે વાર્ષિક ધોરણે 32 ટકાની,જ્યારે એનિમલ હેલ્થકેર ડિવિઝને 4 ટકાની વેચાણ વૃદ્ધિ નોંધાવી હતી. વેક્સિન ડિવિઝન (પોલ્ટ્રી અને એનિમલ ડિવિઝન)એ ગત વર્ષના સમાન સમયગાળાની તુલનાએ Q3FY21માં 20 ટકાની જ્યારે 9MFY21 દરમિયાન 12 ટકાની વૃદ્ધિ નોંધાવી હતી. Q3FY21માં સ્થાનિક વેચાણમાં 43 ટકાની, જ્યારે 9MFY21 દરમિયાન 20 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી.

જ્યારે Q3FY21માં નિકાસ વેચાણમાં 51 ટકાનો તથા 9MFY21 દરમિયાન 5 ટકાનો ઘટાડો જોવાયો હતો. નિકાસના ઓર્ડરમાં સતત વધારો જળવાઈ રહ્યો છે, પરંતુ ભારતમાં સ્થાનિક સ્તરે રહેલી ઊંચી માગને પહોંચી વળવા માટે અમે સ્થાનિક વેચાણ માટે ઉત્પાદન ડાયવર્ટ કરી રહ્યાં છીએ.

આગામી સમયમાં હેસ્ટર આ ત્રિમાસિક ગાળામાં હર્બલ હેલ્થ પ્રોડક્ટ્સની નવી રેન્જ લોન્ચ કરશે. હેસ્ટર વિશ્વભરમાં પશુ આરોગ્ય ઉત્પાદનો અને જૈવિક ઉત્પાદનોના ઉત્પાદન અને વિતરણમાં વિસ્તરણની તકોનું પણ મૂલ્યાંકન કરી રહી છે.

બ્રસેલા અને એલએસડી સહિત ભારતમાં રહેલી વેક્સિન અંગેની વિવિધ તકોને ધ્યાનમાં રાખીને જ્યાં સુધી અમારી  વિસ્તરણની કામગીરી કાર્યરત ના થાય ત્યાં સુધી, કામચલાઉ ધોરણે, હેસ્ટર ભારતીય બજાર પર ધ્યાન કેન્દ્રિત કરશે. મુખ્યત્વે આરોગ્ય ઉત્પાદનોની  નિકાસ પર જ ભાર મુકવામાં આવશે. હ્યુમન કોવિડ-19 વેક્સિન વિકસાવવા માટે આઈઆઈટી ગુવાહાટી સાથે અમારી કામગીરી ચાલી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.