Western Times News

Gujarati News

સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ખુશી અને શ્લોક વિજેતા

ગાંધીધામ, સ્ટિગા કોસ્કો ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ભાવનગરની ખુશી જાદવ અને શ્લોક બજાજે સબ જુનિયર ગર્લ્સ અને બોયઝ ટાઇટલ જીતી લીધા હતા. આ ટુર્નામેન્ટ ગાંધીધામના કેડીટીટીએ કોમ્પલેક્સ ખાતે યોજાઈ હતી.

ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે અને કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશનના સહકાર અને મેં. કિરણ ગ્રુપ સહપ્રાયોજિત આ ટુર્નામેન્ટના બીજા દિવસે કેટલાક આશ્ચર્યજનક પરિણામ આવ્યા હતા. સબ જુનિયર ગર્લ્સ વિભાગમાં પીજા રાઉન્ડમાં મોખરાના ક્રમની  રૂત્વા કોઠારીને હરાવીને અપસેટ સર્જનારી નવસારીની આસ્થા મિસ્ત્રી કારકિર્દીમાં પહેલી વાર સેમિફાઇનલમાં પ્રવેશી હતી. અંતે ખુશી જાદવ સામે તેનો પરાજય થયો હતો. જોકે તે ગુજરાતની ટીમમાં પ્રવેશ હાંસલ કરી શકી હતી. ખુશી સામે 7-11 9-11 3-11 8-11થી પરાજિત થતાં અગાઉ આસ્થાએ સારી લડત આપી હતી.

સબ જુનિયર ગર્લ્સની ફાઇનલમાં ખુશી જાદવે આક્રમક રમત દાખવી હતી અને ખાસ કરીને તેણે ડાઉન ધ લાઇન વિનર્સ ફટકાર્યા હતા. તેણે અમદાવાદની મૌબિની ચેટરજીને 11-6 9-11 11-9 11-7 11-6થી હરાવી હતી.
શ્લોક બજાજે સબ જુનિયર બોયઝ ટાઇટલ જીતવા માટે ચાર ગેમ રમવી પડી હતી. તેણે તેની ઉંચાઈનો સારો લાભ ઉઠાવ્યો હતો અને ટેબલની બંને તરફ આકર્ષક રમત દાખવી હતી. તેણે આકર્ષક ફોરહેન્ડ વિનર્સ સાથે 11-6 11-5 11-7 11-7થી મેચ જીતી હતી.

દરમિયાન વિમેન્સ વિભાગમાં રવિવારે કવીશા પારેખે ભાવનગરની જ દિવ્યા ગોહીલને હરાવી હતી. રસપ્રદ બાબત એ રહી કે દિવ્યાએ ક્વોલિફાઈંગ રાઉન્ડમાં કવીશાને હરાવી હતી.

ઓપન ડ્રોમાં કવીશાને બદલો લેવાની તક સાંપડી હતી. પ્રથમ રાઉન્ડમાં દિવ્યાએ આકરી લડત આપી હતી.  સમગ્ર મેચ દરમિયાન કવીશાએ તેની હરીફ ખેલાડીને લોંગ રેલીમાં વ્યસ્ત રાખી હતી અને અનુભવી દિવ્યાને ભૂલ કરવા માટે મજબૂર કરી હતી. દિવ્યા બે ગેમ જીતવામાં સફળ રહી હતી પરંતુ પાંચ ગેમની મેચમાં અંતે  કવીશાનો 11-9 11-8 5-11 9-11 11-6થી વિજય થયો હતો. મેન્સ અને વિમેન્સની મેચો ચાલી રહી છે. સાંજે ફાઇનલ્સ રમાશે.

વિજેતા ખેલાડીઓને શ્રી ડી.કે.અગ્રવાલ (ચેરમેન-સીપીએલ ગ્રૂપ અને સ્થાપક સભ્ય-કેડીટીટીએ), શ્રી રૂજુલ પટેલ (સહાયક ખાજાનજી, જીએસટીટીએ), શ્રી સુનીલ મેનન (સહમંત્રી કેડીટીટીએ), શ્રી હરી પિલ્લઇ (ટેકનીકલ કમિટી ચેરમન, જીએસટીટીએ)  શ્રી સંજય ઉપાધ્યાય (મંત્રીશ્રી પોરબંદર ડીસ્ટ્રીક ટીટી એસો.), શ્રી ભાવિન દેસાઈ(મંત્રીશ્રી વલસાડ ડીસ્ટ્રીક ટીટી એસો.) દ્વારા મેડલ, સર્ટિફિકેટ અને રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જીએસટીટીએના સહમંત્રી કુશલ સંગતાણી તેમજ આ કેડીટીટીએના સભ્યો શ્રી મનીષ હિંગોરાણી, શ્રી કમલ આસનાની, શ્રી પ્રશાંત બુચ, શ્રી રાજીવ સીંગ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

સબ જુનિયર ફાઇનલ્સ
ગર્લ્સ : ખુશી જાદવ જીત્યા વિરુદ્ધ મૌબિની ચેટરજી 11-6 9-11 11-9 11-7 11-6.
બોયઝ : શ્લોક બજાજ જીત્યા વિરુદ્ધ અરમાન શેખ 11-6 11-5 11-7 11-7

ફોટોમાં : ૧. શ્રી રાજીવશીંગ, શ્રી કમલ આસનાની, શ્રી ડી.કે.અગ્રવાલ, અરમાન શેખ, શ્લોક બજાજ, જન્મેજય પટેલ, માનસ કટારિયા, શ્રી સુનીલ મેનન, શ્રી સંજય ઉપાધ્યાય, શ્રી રૂજુલ પટેલ.   2. શ્રી પ્રશાંત બુચ, શ્રી હરી પિલ્લઇ, મોઉબીની ચેટરજી, ખુશી જાદવ, આસ્થા મિસ્ત્રી, આરની પરમાર, શ્રી ભાવિન દેસાઈ, શ્રી રૂજુલ પટેલ

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.