રાજ્યભરમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૩૪૫૦, વેન્ટિલેટર પર ૩૩ દર્દી
 
        પ્રતિકાત્મક
રાજ્યભરમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૩૪૫૦ જ્યારે ૩૪૧૭ દર્દીઓ સ્ટેબલ, ગુજરાતમાં કુલ મૃતાંક ૪૩૮૭
ગાંધીનગર, ગુજરાતમાં કોરોના હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો છે. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાના કેસનો આંકડો ૧૦૦૦ ની નીચે આવ્યો છે. તો કોરોના સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં ૧૦૦થી નીચે કેસ આવ્યા છે. આજે રાજ્યમાં નવા ૩૧૬ કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં ૩૩૫ નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ ૨,૫૩,૭૦૩ દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.
રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર ૯૭.૦૦ ટકા થઇ ચુક્યો છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. જાે કે આશ્ચર્યજનક રીતે કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા તે અગાઉ આંકડો દર્શાવાતો હતો. જે હવે બંધ કરી દેવાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર પર ટેસ્ટિંગ ઘટાડીને કેસ ઘટાડવામાં આવી રહ્યા હોવાનાં આરોપો લાગતા રહ્યા છે. તેવામાં ટેસ્ટિંગની સંખ્યા દેખાડવાનું બંધ કરી દેવાતા અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા છે. તો બીજી તરફ કેટલા લોકોને ક્વોરન્ટાઇન કર્યા તે અંગેની માહિતી પણ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે.
જાે એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૩,૪૫૦ એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર ૩૩ છે. જ્યારે ૩,૪૧૭ લોકો સ્ટેબલ છે. ૨,૫૩,૭૦૩ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૪૩૮૭ લોકોનાં મોત નિપજ્યા છે.બીજી તરફ કોરોનાનાં રસીકરણનો પણ પ્રારંભ થઇ શક્યો છે.
આજે બીજા તબક્કાનું રસીકરણ શરૂ થઇ ચુક્યું છે. કુલ ૭૫૨ કેન્દ્રો પર ૫૪,૮૨૫ વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં કુલ ૩,૦૦,૭૫૫ વ્યક્તિઓનું રસીકરણ પુર્ણ થયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે કોઇ આડઅસર થઇ નથી. હેલ્થ કેર વર્કર ઉપરાંત ફ્રન્ટલાઇન વર્કર્સને પણ રસીકરણમાં આવરી લેવાયા. જેમાં રાજ્યમાં ૩ મ્યુનીસીપલ કમિશ્નર, ૧૯ કલેક્ટર, ૧૧ જિલ્લા વિકાસ અધિકારી અને ૨૩ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ દ્વારા રસી લેવામાં આવી.

 
                 
                 
                