Western Times News

Gujarati News

મયંક અગ્રવાલ પ્લેઇંગ-૧૧માંથી બહાર થઈ શકે

મુંબઈ: ઓસ્ટ્રેલિયા સામે બ્રિસબેન (ગાબા)માં અનેક સ્ટાર ખેલાડીઓની ગેરહાજરી વચ્ચે ટીમ ઈન્ડિયાએ જીત હાંસલ કરી હતી. હવે ભારતીય ટીમ ૫ ફેબ્રુઆરીથી ઈગ્લેન્ડ સામે ચેન્નઈ ટેસ્ટમાં ઉતરશે. કેપ્ટન વિરાટ કોહલી સહિત લગભગ તમામ સ્ટારની ભારતીય ટીમમાં પરત ફર્યાં છે. માટે શક્ય છે કે ગાબામાં રમી ચુકેલા પાંચ ખેલાડી ચેન્નઈ ટેસ્ટ માટે ભારતની પ્લેઈંગ-૧૧માં સ્થાન ન બનાવી શકે.

આ પાંચ પ્લેયર્સમાં મયંક અગ્રવાલનું નામ પણ લેવામાં આવે છે. આશ્ચર્યની વાત એ છે કે ઘરેલુ મેદાન પર મયંક અગ્રવાલની સરેરાશ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્‌સમેન ડોન બ્રેડમેનથી પણ વધારે રહી છે. મયંક અગ્રવાલે તેની ટેસ્ટ કેરિયરમાં અત્યાર સુધીમાં પાંચ ટેસ્ટ મેચ ઘરેલુ મેદાન પર રમ્યો છે. તેમા તેણે ૯૯.૫૦ની સરેરાશથી ૫૯૭ રન બનાવ્યા છે.

આ પૈકી ત્રણ સદીનો પણ સમાવેશ થાય છે. વિશ્વમાં અત્યાર સુધી ઘરેલુ મેદાન પર પાંચ અથવા વધારે ટેસ્ટ મેચ રમનારા બેટ્‌સમેનમાં મયંકની સરેરાશ સૌથી સારી છે. આ બાબતમાં બ્રેડમેન બીજા સ્થાન પર છે. તેણે ઘરેલુ મેદાનો (ઓસ્ટ્રેલિયામાં) પર ૩૩ ટેસ્ટ મેચોમાં ૯૮.૨૨ સરેરાશથી ૪,૩૨૨ રન બનાવ્યા છે. તેમા ૧૮ સદીનો સમાવેશ થાય છે.

મયંક અગ્રવાલ ગાબામાં મિડલ ઓર્ડરમાં બેટિંગ કર્યું હતું. વિરાટ કોહલી પરત ફરતા મિડલ ઓર્ડરમાં હવે અગ્રવાલનું સ્થાન ખતમ થઈ જાય છે. અગ્રવાલ ઓપનર રહ્યો છે, પણ અત્યારે ટીમ ઈન્ડિયામાં ઓપનિંગ સ્લોટ પણ ખાલી નથી. રોહિત શર્મા ઓપનર તરીકે અગાઉથી નક્કી છે. શુભમન ગિલે ઓસ્ટ્રેલિયામાં શાનદાર પ્રદર્શન કરી ઓપનિંગનો બીજાે સ્લોટ પોતાના નામે કરી લીધો છે. રોહિત શર્મા ભલે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર કોઈ ખાસ દેખાવ નોંધાવી શક્યો નથી,

પણ ઘરેલુ મેદાનો પર તેનો રેકોર્ડ શાનદાર છે. રોહિતે ભારતમાં અત્યાર સુધીમાં ૧૪ ટેસ્ટ મેચ રમ્યો છે અને ૮૮.૩૩ની સરેરાશથી ૧,૩૨૫ રન કર્યાં છે. તેમાં ૬ સદી અને ૫ અડધી સદીનો સમાવેશ થાય છે. શુભમન ગિલે અત્યારે ભારતીય જમીન પર કોઈ ટેસ્ટ રમ્યો નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.