Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ગ્રેજ્યુએશન પુરૂં કર્યા પછી વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓને જાણવા જેવું

ભારતમાંથી દર વર્ષે ગ્રેજ્યુએશન પુરૂં કર્યા પછી વિદેશમાં ભણવા જવાં માંગતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ અમેરીકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો પસંદ કરે છે.  આ ઉપરાંત જર્મની, જાપાન અને યુ.કે. જેવા દેશોને પણ સ્ટુડન્ટ વિઝા લઈ ભણવા વિદ્યાર્થીઓ પસંદ કરવા લાગ્યા છે. What to know for students who want to go abroad after graduation

ગ્રેજ્યુએશન પુરૂં કર્યા બાદ કયા કોર્સ કરવા જોઈએ. 

બેચલર ડિગ્રી બી.એસ.સી., બી.કોમ., બી.એ. માં ત્રણ વર્ષ પુરાં કર્યા બાદ અથવા એન્જીનિયરીંગના ચાર વર્ષ પુરાં કર્યા બાદ અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં જવા માટે મુખ્યત્વે બે પ્રકારના કોર્સ કરવા જોઈએ. જેને માટે લગભગ 6 માસ જેટલો સમયગાળો લાગે છે.

GRE અને IELTS કોર્સ કરવા માટે આશરે છ માસનો સમયગાળો લાગે છે. જીઆરઈ (Graduate Record Examinations) ની પહેલાં તૈયારી કરવી જરૂરી છે. જીઆરઈમાં 340 માર્કની પરિક્ષામાં 300 થી વધુ માર્ક લાવવા જરૂરી છે.

જેમાં 130 માર્ક ગણિત અને 130 માર્ક એટલે કે 260 માર્ક સરળતાથી આવે છે. પરંતુ 40 માર્કના બીજા બે ભાગ વિદ્યાર્થીઓની ખરી કસોટી થાય છે. જો જીઆઈઈનો સ્કોર 300થી ઉપર આવે તો સારી યુનિવર્સીટીમાં એડમીશન મળવાના સ્કોપ વધે છે.

હાલમાં અમેરિકાની (USA) કેટલીક યુનિવર્સિટીએ કોરોનાને કારણે આ પરિક્ષા આપી ન હોય તો પણ એડમીશન આપે છે. પરંતુ આવતા વર્ષે એટલે કે 2022 જાન્યુઆરીમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓ માટે આ પરિક્ષા આપવી જરૂરી છે.  વધુ જાણકારી નીચે આપેલી લિંક પરથી મળી શકશે. https://www.ets.org/gre/subject/about આ પરિક્ષા એન્જીનિયરીંગમાં માસ્ટર્સ કરવા માટે જરૂરી છે. કેનેડા અને ઓસ્ટ્રેલિયાની કેટલીક યુનિવર્સિટી આ પરિક્ષા આપી ન હોય તો પણ IELTS ના સ્કોર પર એડમીશન આપે છે.

વિદેશમાં ભણવા જવા માંગતા વિદ્યાર્થીઓએ ધ્યાન રાખવા જેવી બાબતો

આ જ રીતે IELTS (International English Language Testing System) ની પરિક્ષા પણ આપવી જરૂરી છે. એન્જીનિયરીંગ કે અન્ય કોઈ પણ કોર્સમાં ગ્રેડ કોલેજમાં એડમિશન લેવા માટે જરૂરી છે.  (અમેરિકામાં માસ્ટર્સ ડિગ્રી માટેની કોલેજને ગ્રેડ કોલેજ કહેવાય છે)

જેમાં 7 કે તેથી વધુ સ્કોર લાવવો જરૂરી છે. જો 7 થી ઓછો સ્કોર હોય તો કેટલીક વાર એડમિશન મળે છે પરંતુ તે કોલેજોનું રેન્કીંગ ઘણું નીચું હોય છે. એટલે કે સારી કોલેજમાં ભણવા માટે 10માંથી 7 ઉપર સ્કોર લાવવો જરૂરી છે.

જે વિદ્યાર્થીઓ GRE અને IELTS બંને પરિક્ષા આપવા માંગતા હોય તેમણે પ્રથમ GRE અને ત્યારબાદ IELTSની પરિક્ષા આપવી જોઈએ. GRE આપ્યા બાદ IELTS પરિક્ષા આપવાથી IELTS સરળ લાગે છે.

સરકાર તરફથી જારી કરાયેલા આંકડાઓ મુજબ વર્ષ 2022માં કુલ 7.5 લાખ વિદ્યાર્થીઓ વિદેશમાં ભણવા ગયા હતા. જેમાંથી 1.90 લાખ અમેરિકા, 1.85 લાખ કેનેડા, 1.32 લાખ લંડન, 59 હજાર ઓસ્ટ્રેલિયા અને બીજા વિદ્યાર્થીઓ અન્ય દેશોમાં ભણવા ગયા હતા.

કોલેજોની પસંદગી કેવી રીતે કરવી જોઈએ.

અમેરિકામાં ભણવા માટે 4 થી 5 કોલેજો પર પસંદગી ઉતારવી જોઈએ. તમે જે કોર્સમાં માસ્ટર્સ કરવા માંગતા હોવ તેના રેંકીંગ જોઈ લેવા જરૂરી છે. નીચે આપેલી લિંકમાં કોમ્પુટર સાયન્સ કોર્સ માટેની છે. CSRankings: Computer Science Rankings

અમેરિકાની યુનિવર્સિટીમાં એપ્લાય કરતાં પહેલા જાણવા જેવી બાબતો

(1) ગ્રેજ્યુએશન પુરું કર્યા બાદ તમારી કોલેજમાંથી તમે ત્રણ વર્ષ કે ચાર વર્ષમાં જેટલાં વિષયો ભણ્યા હોવ તેની ટ્રાન્સસ્ક્રીપ્ટ બનાવી લેવી.

(2) તમારો પાસપોર્ટ તૈયાર રાખવો, શક્ય હોય તો રીન્યુ કરાવી લેવો. 2 કે 3 વર્ષના અભ્યાસ દરમ્યાન રીન્યુ કરાવવાની માથાકુટ ન થાય તે માટે જરૂરી છે.

(3) GRE અને IELTSના માર્ક એપ્લીકેશન કરતી વખતે જરૂરી છે. દરેક યુનિવર્સિટીની એપ્લીકેશન ફી 50 થી 100 ડોલર જેટલી હોય છે. એપ્લાય કર્યા પહેલાં યુનિવર્સીટીના જે તે વિભાગને તમારા કોર્સના વિષયોની માહિતી મેળવી લો.

(4) કોલેજોમાં સામાન્ય રીતે વર્ષમાં બે વખત એડમીશનની પ્રક્રિયા થાય છે. એક ફોલ સીઝન (સપ્ટેમ્બર) મહિનાથી શરૂ થતી યુનિવર્સીટી, જેમાં 15 ફેબ્રુઆરી સુધી તમારે ફોર્મ ભરી દેવું પડે છે. જ્યારે બીજી વખત એડમીશન સ્પ્રીંગ સીઝન (જાન્યુઆરી) માટે શરૂ થાય છે, જેનું ફોર્મ તમારે 15 ઓક્ટોબર પહેલાં ભરી દેવું પડે છે.

(5) આ ઉપરાંત SOP (Statement of Purpose) તમારો બાયોડેટા અને કોલેજમાંથી  LOR (Letter of recommendation) કઢાવીને રાખવો જોઈએ.

ફોર્મ ભર્યા બાદ, જો તમારું એડમિશન કોઈ  અમેરિકાની યુનિવર્સિટીમાં કન્ફર્મ થાય એટલે તમને આઈ-20 (I20) લેટર તમને મળશે. જે અમેરિકાના સ્ટુડન્ટ વિઝા માટે જરૂરી છે. તમે ત્રણ કે ચાર યુનિવર્સીટી માટે ફોર્મ ભરી શકો છો. જો તમને બધી યુનિવર્સીટી એડમીશન આપવા તૈયાર હોય તો તમામના આઈ-20 લેટર મેળવી લો. જે તમને સ્ટુડન્ટ વિઝા મેળવવા કોન્સ્યુલેટમાં જાવ ત્યારે સાથે રાખો.

તમે જે યુનિવર્સિટીમાં એડમિશન લેવા ઈચ્છતા હોવ તેની શક્ય હોય તેટલી માહિતી તમે એકઠી કરી લો, કારણ કે વિઝા ઓફિસર આ યુનિવર્સીટી વિષે તમને પૂછી શકે છે.

સ્ટુડન્ટ વિઝા મળી ગયા બાદ અમેરિકા જઈને તમે યુનિવર્સીટીમાં ફી ભરી શકો છો, કેનેડાની યુનિવર્સીટીઓ ફી ભર્યા બાદ જ આઈ-20 લેટર આપે છે. એટલે તમારે એડમિશન કન્ફર્મ થાય પછી ફી ભરવી પડે છે અને પછી કેનેડાનો વિઝા મળે છે.

ઓટોમોબાઈલ જેવા ક્ષેત્રોમાં કેરીયર બનાવવા માટે એન્જીયરીંગ પુરું કરી ચુકેલા વિદ્યાર્થીઓએ જર્મની જેવા દેશોમાં રોબોટીક્સ જેવા કોર્સની હાલ ડિમાન્ડ વધુ છે. એવી જ રીતે કોમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર્સ કરવા માટે આર્ટીફિસીયલ ઈન્ટેલીજન્સ (એ.આઈ.) ની ડિમાન્ડ વધારે છે.

આ ઉપરાંત કેટલીક યુનિવર્સીટી ડ્યુઓલીંગોની પરિક્ષાના સ્કોર પણ માન્ય રાખે છે. આ પરિક્ષા IELTS (International English Language Testing System) ની પરિક્ષા કરતાં પ્રમાણમાં સરળ હોય છે.  આ પરિક્ષાનું પરિણામ કેટલીક ટોપ ક્લાસ યુનિવર્સીટી માન્ય રાખતી નથી, એટલે જો તમારે સારી યુનિવર્સીટીમાં એડમીશન લેવું હોય તો આ પરિક્ષા કરતાં IELTS એક્ઝામ આપવી.  https://englishtest.duolingo.com

સ્ટુડન્ટ વિઝા માટે કોલેજ તરફથી i20 લેટર મળી ગયા પછી એજ્યુકેશન લોન (Education Loan) માટે એપ્લાય કરી શકાય છે. ભારતમાં બેંકો બે રીતથી લોન આપે છે. (1) કોઈ પણ ગેરેંટી વગર અને (2) કોલેટરલ લોન (જેમાં પ્રોપર્ટી, ગીરવે મૂકીને 90 ટકા સુધી લોન લઈ શકાય છે.)

(1) કોઈ પણ જાતની ગેરેંટી વગર લોન લેવા માટે સ્ટુડન્ટના આઈ20 (i20) લેટર આવી ગયા પછી. પિતા અથવા માતાની સેલરી જો 35 હજારથી વધુ હોય તો લગભગ 15 લાખ સુધીની લોન મળે છે. પિતા અથવા માતા ધંધો કરતા હોય તો ધંધાની આવકનું  આઈટી (Income Tax) રીટર્ન વાર્ષિક 7.5 લાખથી વધુ હોવું જરૂરી છે.

 

Copyright © All rights reserved. | Developed by Aneri Developers