Western Times News

Latest News from Gujarat

મ્યાનમારમાં સત્તા પલટો, સેનાએ સત્તા સંભાળી

કટોકટી બાદ પારદર્શી ચૂંટણી માટે સૈન્ય પ્રમુખની ખાતરી -ચૂંટણીમાં જીત મેળવનાર પક્ષને સત્તા હસ્તાંતરણની બાંયધરી

નાઈપેયતાવ,  મ્યાનમારની સેનાએ સોમવારે દેશના સર્વોચ્ચ નેતા આંગ સાન સૂ કી સહિત સત્તાધારી પાર્ટી નેશનલ લીગ ફૉર ડેમોક્રેસી (એનએલડી)ના તમામ નેતાઓની ધરપકડ કરીને સત્તા પોતાના હાથમાં લઈ લીધી છે. મ્યાનમારની સેનાએ એક વર્ષની ઇમરજન્સીની જાહેરાત કરતા સૈન્ય પ્રમુખ મિન આંગ લાઇંગને સત્તા સોંપી દીધી છે.

સેનાએ તખ્તાપલટ કર્યા બાદ જાહેરાત કરી છે કે ઇમરજન્સી ખત્મ થયા બાદ તે દેશમાં યોગ્ય અને પારદર્શી રીતે ચૂંટણી કરાવશે અને ચૂંટણીમાં જીત મેળવનારી પાર્ટીને સત્તા હસ્તાંતરણ કરવામાં આવશે.

મ્યાનમારની સેનાના નિયંત્રણવાળી ચેનલ મ્યાવડ્ડી ટીવી પર પ્રસારિત નિવેદનમાં કહેવામાં આવ્યું કે, ઇમરજન્સીની જાહેરાત કરવાનું પગલું દેશમાં સ્થિરતાની ખાતરી કરવા માટે ઘણું જરૂરી હતુ. નિવેદનમાં નવેમ્બર મહિનામાં થયેલી ચૂંટણીમાં ગોટાળાનો આરોપ લગાવતા ચૂંટણી પંચની પણ આલોચના કરવામાં આવી.

મ્યાનમારની સંસદમાં એક-ચતુર્થાંશ સીટો સેના માટે આરક્ષિત છે. નવેમ્બરમાં થયેલી ચૂંટણીમાં આંગ સા સૂ કીની પાર્ટી એનએલડીને મોટી જીત મળી હતી, જ્યારે સેનાના ખાતામાં ઘણી ઓછી સીટો આવી હતી.

મ્યાનમારના નવા કાર્યકારી રાષ્ટ્રપતિ અને પૂર્વ જનરલ મિંટ સ્વે તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણી પંચ ૮ નવેમ્બર ૨૦૨૦ના થયેલી બહુદળીય ચૂંટણીમાં મતદાતા યાદીમાં અનિયમિતતાની સમસ્યાને ઉકેલવામાં અસફળ રહ્યું.

નિવેદનમાં અન્ય વિરોધી પાર્ટીઓ પર પણ દેશની સ્થિરતાને નુકસાન પહોંચાડવાનો આરોપ લાગ્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કાયદા અંતર્ગત સમસ્યાનું સમાધાન કરવાના ઉદ્દેશથી ઇમરજન્સીની જાહેરાત કરવામાં આવી છે. વિધાનસભા, પ્રશાસન અને ન્યાયપાલિકાની જવાબદારી મિલિટ્રી કમાન્ડર ઇન ચીફ મિન આંગ લાઇંગને સોંપવામાં આવી છે.

છેલ્લા કેટલાક દિવસથી સેના અને સરકારની વચ્ચે ટકરાવ વધતો જાેવા મળી રહ્યો હતો. સેના સતત ચૂંટણીમાં ગોટાળા થયા હોવાનો આરોપ લગાવી રહી હતી. એ વાતની અટકળો લગાવવામાં આવી રહી હતી કે મ્યાંમારની સેના તખ્તાપલટ કરવાનો પ્રયત્ન કરી શકે છે. સોમવાર સવારે આ તમામ અટકળો સાચી સાબિત થઈ ગઈ, જ્યારે આંગ સાન કી સહિત એનએલડીના તમામ નેતાઓની સેનાએ ધરપકડ કરી લીધી.

તો ધરપકડ થયા બાદ આંગ સાન સૂ કીએ લોકોને અપીલ કરી છે કે તે સેનાના આ તખ્તાપલટને કોઈ પણ રીતે સ્વીકાર ના કરે અને આનો વિરોધ કરે. આંગ સાન સૂ કીની પાર્ટી એનએલડીએ તેમના તરફથી એક નિવેદન જાહેર કર્યું છે. આ નિવેદનમાં આંગ સાન સૂ કીએ કહ્યું કે, સેનાની કાર્યવાહી દેશને ફરીથી તાનાશાહીના સમયમાં ધકેલી શકે છે. હું લોકોને અપીલ કરું છું કે તેઓ આને સ્વીકારે નહીં અને સેનાના તખ્તાપલટ સામે સંપૂર્ણ દિલથી પ્રદર્શન કરે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers