Western Times News

Gujarati News

પતિની હત્યા કરી લાશ ગટરમાં ફેંકી દેનારી પત્નીની ધરપકડ

ફરીદાબાદ, ફરીદાબાદની ડબુઆ પોલીસે એક મહિલાની તેના પતિની હત્યા કરવા બદલ ધરપકડ કરી છે. મહિલાની ઓખળ અનુ તરીકે થઈ છે. તેના પર આરોપ છે કે તેણે ધર્મના કાકા હરજીત અને પોતાના પ્રેમી નીતિન અને તેના મિત્ર વિષ્ણુ, દીપક, વિનીત સાથે મળીને ૧૧મી જાન્યુઆરીની મોડી રાત્રે પતિ દિનેશની ગળું દબાવી હત્યા કરી હતી. તે પછી લાશને કોથળામાં મૂકી બાથરૂમમાં છુપાવી દેવામાં આવી હતી. પછી ઘણા દિવસો સુધી મૃતદેહને પલંગમાં છુપાવીને રાખ્યો હતો. બાદમાં ૧૮ જાન્યુઆરીના રોજ લાશને દુબુઆ વિસ્તારમાં વહેતા ગંદા નાળામાં ફેંકી દીધી હતી.

૨૮ જાન્યુઆરીએ ડબુઆ પોલીસને સૂચના મળી હતી કે, નાળામાં એક વ્યક્તિની લાશ જાેવા મળી છે. પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવીને ઓળખ માટે બી.કે.હોસ્પિટલમાં મુક્યો હતો. જ્યારે પોલીસે તેમના સુત્રો દ્વારા તપાસ કરી તો જાણવા મળ્યું કે, સૈનિક કોલોનીમાં રહેતો પ્રોપર્ટી ડીલર દિનેશ ઘણા દિવસોથી ગુમ હતો. કેસની તપાસ કરતા આઈઓ એડિશનલ એસએચઓ સબ ઇન્સપેક્ટર યાસીન ખાન મૃતક દિનેશના ઘરે ગયા હતા અને તેની પત્નીને પૂછ્યું હતું કે શું આ તમારો પતિ છે, હરજીત સિંહ જે પોતાને મહિલાના કાકા (દૂરના સંબંધી) કહેતો હતો તેઓ પણ બેઠા હતા, બંનેએ દિનેશની લાશને ઓળખવાની ના પાડી હતી.

પોલીસે જ્યારે દિનેશના મિત્રોને તેની ઓળખ માટે બોલાવ્યા તો મિત્રએ કહ્યું કે, તે ઘણા દિવસોથી ગુમ હતો. ત્યારબાદ પોલીસને મહિલા પર શંકા થઈ. જ્યારે પોલીસે મહિલાને પોલીસ સ્ટેશન બોલાવી અને કડક પૂછપરછ કરી ત્યારે મહિલાએ જણાવ્યું કે તેણીએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિની હત્યા કરી હતી અને મૃતદેહને ગટરમાં ફેંકી દીધો હતો.

મહિલાએ પતિ દિનેશને રસ્તાથી હટાવવા માટે કાકા હરજીત અને પ્રેમી નિતીન અને તેના મિત્રો સાથે મળીને યોજના બનાવી હતી. યોજના મુજબ ૧૧ જાન્યુઆરીની રાત્રે મહિલા નીતિન અને તેના દોસ્ત વિનિત અને વિષ્ણુ સાથે મળીને દિનેશના માથામાં લાકડી વડે હુમલો કર્યો હતો અને બાદમાં ગળું દબાવીને હત્યા કરી હતી. ત્યારબાદ તેના મૃતદેહને કોથળામાં પેક કરીને બાથરૂમમાં છૂપાવી દીધો હતો.

યોજના મુજબ હરજીત પણ હત્યા સમયે આવવાનો હતો પરંતુ તે સમયસર આવ્યો ન હતો. તે સવારે ૪ઃ૦૦ વાગ્યે આવ્યો હતો. અન્ય આરોપીઓએ હરજીતને કહ્યું હતું કે અમે કામને અંજામ આપી દીધો છે, હવે મૃતદેહને તમે સગેવગે કરી દેજાે. હરજીત, વિષ્ણુ અને અન્ય લોકોએ મૃતદેહને બાથરૂમમાંથી બહાર કાઢ્યો અને તેને પોલિથીન અને રજાઇના કવર અને ધાબળમાં લપેટીને બેડના બોક્સમાં મૂકી દીધો હતો અને આખું ઘર સાફ કરી દીધું.

જ્યારે મૃતદેહમાંથી દુર્ગંધ આવવા માંડી ત્યારે અનુએ હરજીત અને નીતિનને મૃતદેહને ઝડપથી છુપાવવા કહ્યું, જેના પર હરજીત ૧૮ જાન્યુઆરીએ ગાડી લાવ્યો અને નીતિનનો મિત્ર દીપક, નીતિન સાથે મળીને મૃતદેહ સહિતનો આખો પલંગ લઈ ગયા હતા અને લાશને ડબુઆ વિસ્તારમાં ગંદા ગટરમાં નાંખી દીધો હતો. જ્યારે લોકોએ પૂછ્યું કે બેડ ક્યાં લઇ જઈ રહ્યા છો, ત્યારે તેઓએ કહ્યું કે તેને રિપેર કરાવવાનું છે.

તપાસ અધિકારી યાસીન ખાને જણાવ્યું હતું કે નીતિને હત્યા કરવા માટે તેના મિત્ર વિષ્ણુને ૪૧૦૦૦ રૂપિયા આપ્યા હતા. આ માટે મહિલાએ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. મહિલાની પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે તેને કોઈ સંતાન નથી. અનુ અને દિનેશની સંમતિ પર તેઓએ ૫ વર્ષની બાળકીને દત્તક લીધી છે.

પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી ગુનામાં વપરાયેલું હથિયાર કબજે કર્યું છે, અને મંગળવારે તેને કોર્ટમાં રજૂ કરી જેલમાં મોકલી આપી છે. પોલીસે હરજીત, નીતિન અને નીતિનના મિત્ર વિનીતની પણ ફરીદાબાદના વિવિધ વિસ્તારોમાંથી ધરપકડ કરી હતી. અન્ય બે આરોપી વિષ્ણુ અને દીપકની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.

એડિશનલ એસએચઓ ડબુઆએ જણાવ્યું કે, દિનેશ અને અનુએ ૨૦૧૦માં લવ મેરેજ કર્યા હતા. બંને સૈનિક કોલોનીમાં અનુના ભાઇના મકાનમાં ભાડેથી રહેતા હતા. દિનેશ પ્રોપર્ટી ડીલરનું કામ કરતો હતો. આરોપી નીતિન દિનેશનો મિત્ર હતો અને તેના ઘરે જતો હતો. આ દરમિયાન તેની મહિલા સાથે મિત્રતા થઈ હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.