Western Times News

Gujarati News

ગુજરાત માટે કોરોનાના કહેર પછી રાહતના સમાચાર

રાજ્યમાં ત્રણ જિલ્લામાં એક પણ એક્ટિવ કેસ ન નોંધાયો -રાજ્યમાં ૨૮૩ કેસ નોંધાયાઃ છેલ્લા ૨૪ કલાકમાં માત્ર બેના મોતઃ ગુજરાત હવે કોરોના સામે જંગ જીતી રહ્યું છે

ગાંધીનગર,  રાજ્યના લોકો માટે ખુબ સારા સમાચાર છે. કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૨૮૩ કેસ સામે આવ્યા છે. તો આ દરમિયાન ૫૨૮ દર્દીઓ સાજા થયા છે. ગુજરાતમાં રિકવરી રેટ ૯૭.૨૦ ટકાએ પહોંચી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં બે વ્યક્તિના મૃત્યુ થયા છે.

સૌથી ખુશીની વાત છે કે રાજ્યના ત્રણ જિલ્લામાં એક્ટિવ કેસ શૂન્ય થઈ ગયા છે. રાજ્યમાં અત્યાર સુધી ૨ લાખ ૬૫ હજાર ૪૦૬ કેસ નોંધાયા છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં વડોદરા જિલ્લામાં ૭૦ કેસ સામે આવ્યા છે. તો અમદાવાદ જિલ્લામાં ૫૨ કેસ સામે આવ્યા છે. સુરત જિલ્લામાં ૩૮ અને રાજકોટ જિલ્લામાં ૪૧ કેસ નોંધાયા છે. જુનાગઢ જિલ્લામાં ૧૧, પંચમહાલમાં ૬, આણંદ, બનાસરાંઠામાં ૫-૫, કચ્છ, મોરબી અને નર્મદામાં ચાર-ચાર કેસ નોંધાયા છે.

રાજ્યમાં આજની તારીખે એક્ટિવ કેસની સંખ્યા ૨૯૫૬ છે. જેમાં ૨૮ દર્દીઓ વેન્ટિલેટર પર છે. કોરોનાની સારવાર બાદ રાજ્યમાં અત્યાર સુધી ૨,૫૫,૦૫૯ દર્દીઓ સાજા થયા છે. ગુજરાતમાં કોરોનાને લીધે અત્યાર સુધી ૪૩૯૧ લોકોના મૃત્યુ થયા છે.

ગુજરાતના ત્રણ જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા શૂન્ય થઈ ગઈ છે. તો રિકવરી રેટ ૯૭.૨૦ ટકા થઈ ગયો છે. કોરોનાની સારવાર સાથે વેક્સિનેશનનું કામ પણ ચાલી રહ્યું છે. રાજ્યમાં આજે ૨૯૦૬૫ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. આમ અત્યાર સુધી ગુજરાતમાં ૪ લાખ, ૧૯ હજાર ૫૧૯ લોકોને કોરોનાની રસી મળી ચુકી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.