ખેડૂતના મૃતદેહને તિરંગામાં લપેટીને કાઢી અંતિમયાત્રા, પરિવારજનો પર તિરંગાના અપમાનનો કેસ
નવી દિલ્હી, ખેડૂત આંદોલનમાં સામેલ થવા માટે જઈ રહેલા ઉત્તરપ્રદેશના પિલિભિતના એક ખેડૂતનુ માર્ગ અકસ્માતમાં મોત થયુ હતુ.એ બાદ તેના પરિવારજનોએ તેના મૃતદેહ પર તિરંગો લપેટીને તેની અંતિમ યાત્રા કાઢી હતી.જે બદલ હવે પોલીસે ખેડૂતના પરિવારજનો પર તિરંગાના અપમાનનો કેસ કર્યો છે.
બજિન્દરસિંહ નામના ખેડૂત પ્રદર્શનમાં ભાગ લેવા માટે ગાઝીયાબાદ જઈ રહ્યા હતા.એ પછી તેઓ પાછા નહીં ફરતા પરિવારજનોએ તેમના ગૂમ થવાની ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન ગયા હતા.જ્યાં ખબર પડી કે, 25 જાન્યુઆરીએ માર્ગ અકસ્માતમાં તેમનુ મોત થયુ હતુ અને તેમના શરીર પર કોઈ ઓળખ નહીં હોવાથી તેમના મૃતદેહને કોલ્ડ રુમમાં મુકાયો હતો.એ પછી પોલીસે મૃતદેહ તેમના પરિવારજનોને સોંપી દીધો હતો.
જોકે મરનાર ખેડૂતોના પરિવારજનોએ તેના પાર્થિવ શરીર પર તિરંગો લપેટીને અંતિમ યાત્રા કાઢી હતી.જેનો વિડિયોવાયરલ થયો હતો.એ પછી પોલીસે આ હરકતને તિરંગાનુ અપમાન ગણાવીને હવે ખેડૂતના માતા, ભાઈ અને બીજી એક વ્યક્તિ સામે ગુનો દાખલ કર્યો છે.
પોલીસનુ કહેવુ છે કે, તિરંગામાં અંતિમ યાત્રા માટેનો એક ચોક્કસ પ્રોટોકોલ હોય છે અને તેના નિયમો પણ હોય છે.આ તમામનો ખેડૂતના પરિવારજનોએ ભંગ કરીને તિરંગાનુ અપમાન કર્યુ છે.જેની સામે કાર્યવાહી કરવાની જોગવાઈ છે.