Western Times News

Latest News from Gujarat India

કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગી મામલે પરંપરાગત કમઠાણ

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન સહિત છ મહાનગરોની ચૂંટણી માટે આવતીકાલે શનિવારે ઉમેદવારી પત્રભરવાનો અંતિમ દિવસ છે. તેમ છતાં કોંગ્રેસ પક્ષમાં હજી પણ પરંપરાગતરીતે કમઠાણ ચાલી રહ્યું છે.

કોંગ્રેસ દ્વારા માત્ર ભાવનગરની યાદી જાહેર કરવામાં આવી છે. જ્યારે અન્ય પાંચ મહાનગરો માટે ‘મારા તે સારા’ની નીતિનાં કારણે ખેંચતાણ ચાલી રહી છે. કોંગ્રેસના આંતરીક સૂત્રોએ જણાવ્યા મુજબ અમદાવાદ મહાનગરપાલિકાના ઉમેદવારો માટે શુક્રવાર મોડી રાત સુધી ખેંચતાણ થઈ રહી છે. ખાસ કરીને ૨૦૧૫માં જે વોર્ડમાં કોંગ્રેસની પેનલ જીતી છે તે વોર્ડમાં દાવેદારો અને રાજકીય ગોડફાધરોના દબાણ વધી રહ્યાં છે. મ્યુનિ.કોર્પાેરેશનના પૂર્વ નેતા દિનેશ શર્માએ આંતરીક ખેંચતાણથી ત્રસ્ત થઈને વોર્ડ બદલવા નિર્ણય કર્યાે છે. ૨૦૧૫માં તેઓ ઈન્ડિયા કોલોનીથી જીત્યા હતા. જ્યારે ૨૦૨૧માં તેઓ સરસપુર અથવા ચાંદખેડામાંથી ચૂંટણી લડે તેવી શક્યતા છે.

જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ ખાડીયા વોર્ડમાંથી કોર્પાેરેશનની ચૂંટણી લડવા માટે પક્ષમાં રજૂઆત કરી છે. ખાડીયામાં જગત શુક્લાએ ફરીથી દાવેદારી કરતાં કાર્યકરોમાં અસંતોષ જાેવા મળી રહ્યો છે. લાંભામાં વોર્ડ હોદ્દેદારો દ્વારા રજૂ કરવામાં આવેલ પેનલને લીલીઝંડી આપી હોવાનું નિરીક્ષકો જણાવ્યું હતું. પરંતુ કોઈપણ ઉમેદવારને તેની જાણ કરવામાં આવી નથી. કોંગ્રેસ પક્ષ ખાસ કરીને લઘુમતી સમાજને સાંસદ સ્વ.અહેમદભાઈ પટેલ અને કોર્પાેરેટર સ્વ.બદરૂદ્દીનભાઈ શેખની ખોટ સાલી રહી છે. આ બંને મહાનુભાવો લઘુમતી સમાજના ડેમેજ કંટ્રોલ કરવામાં મહારથી હતાં. હાલ જે સંજાેગોનું નિર્માણ થયું છે. તેમાં લઘુમતી સમાજને એકજૂટ કરી શકે તેવા કોઈ નેતા કોંગ્રેસમાં જાેવા મળતા નથી. ઉમેદવારોની પસંદગી દરમ્યાન વિખવાદ એ હદે પહોંચી ચુક્યો છે કે પ્રથમ વખત પ્રદેશ પ્રમુખ તેમજ શહેર પ્રમુખ સામે પણ ઉગ્ર આક્ષેપ થઈ રહ્યાં છે. કોંગ્રેસની કમનસીબી એ છે કે ભાજપનાં થોડા ઘણાં અંશે નબળાં ઉમેદવાર સામે પણ પસંદગીમાં વિલંબ થઈ રહ્યો છે. તેમજ બળવાનાં ડરથી ઉમેદવારોને બારોબાર મેન્ડેટ આપવામાં આવશે.

ચાર વખત ચૂંટણી હારેલાને ટિકિટ
ભારતીય જનતા પાર્ટીએ ઉંમર, અનુભવ અને પરિવારવાદના નવા માપદંડ સાથે અનેક સીનીયર કોર્પાેરેટરોની બાદબાકી કરી છે. નવા ચહેરાઓને તક આપવા માટે ત્રણ કે તેથી વધુ ટર્મ કોર્પાેરેટરપદે રહેલા દાવેદારોની બાદબાકી કરવામાં ાવી છે. પરંતુ જાહેર કરવામાં આવેલી યાદીમાં આશ્ચર્યજનક રીતે એક-બેવખત નહીં પરંતુ ત્રણ-ત્રણ ચૂંટણી હારી ચૂકેલા ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે. નોંધનીય બાબત એ છે કે આ મહાશય તમામ વળી અલગ-અલગ પક્ષમાંથી ચૂંટણી લડ્યા હતા. તેથી તેઓ પક્ષપલટામાં પણ માહેર છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ગોમતીપુર વોર્ડ માટે પસંદ કરવામાં આવેલા અશોકભાઈ સામેત્રિયા ૨૦૦૦માં કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડ્યા હતા અને હારી ગયા હતા. ૨૦૦૫માં તેઓ અપક્ષ ચૂંટણી લડ્યા હતા તથા હારી ગયા હતા. જેમાં પણ તેમનો પરાજય થયો હતો જ્યારે ૨૦૧૦માં ભાજપમાંથી લડીને તેમની “ઘરવાપસી” થઈ હતી. આમ ત્રણ ટર્મ ચૂંટણી જીતેલાની ટિકિટ કાપી ત્રણ વખત હારી ચૂકેલા દાવેદારને ટિકિટ આપવામાં આવતા કાર્યકરોમાં ઉગ્ર રોષ જાેવા મળી રહ્યો છે. ગોમતીપુરના ભાજપ ઉમેદવાર અશોકભાઈ ત્રણે-ત્રણ વખત ઈકબાલ શેખ સામે કોર્પાેરેશન ચૂંટણી હાર્યા હતા. હવે ચોથી વખત ૨૦૨૧માં પણ કદાચ આ બંનેનો સામનો થાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. આ ઉપરાંત તેઓ ૨૦૦૭માં બહુજન સમાજ પાર્ટીમાંથી દાણીલીમડા વિધાનસભામાં પણ લડ્યા હતા અને તેમનો પરાજય થયો હતો. આમ ત્રણ ટર્મ ચૂંટણી જીતેલાની ટિકિટ કાપી ત્રણ વખત કોર્પાેરેશનની અને એક વખત વિધાનસભાની ચૂંટણી હારી ચૂકેલા દાવેદારને ટિકિટ આપવામાં આવતા કાર્યકરોમાં ઉગ્ર રોષ જાેવા મળી રહ્યો છે. તેવી જ રીતે સરસપુર વોર્ડમાંથી પસંદ કરવામાં આવેલ ભાસ્કર ભટ્ટ પણ ૨૦૧૫માં ભાજપમાંથી હાર્યા હતાં. જેમને ફરી ટીકીટ આપવામાં આવી છે જ્યારે સૈજપુર-બોઘા વોર્ડમાંથી રેશમાબેન કુકરાણી પણ ૨૦૧૫માં ૨૫૦ વોટથી હાર્યા હતાં. જેમને ફરીથી ટિકિટ આપવામાં આવી છે.

કોરોનાકાળમાં પ્રજા વચ્ચે રહેનારને પ્રજાથી વિમુખ કરવામાં આવ્યાં

અમદાવાદ મ્યુનિ.ચૂંટણી માટે ભાજપાએ ૯૯ સીટીંગ કોર્પાેરેટરોની બાદબાકી કરી છે. જેમાં મોટાભાગના કોર્પાેરેટરોની ટિકિટ નવા માપદંડના કારણે કાપવામં આવી છે. પરંતુ ગોતાના દિનેશ દેસાઈ અને નવા વાડજના જીગ્નેશ પટેલ નવા માપદંડના દાયરામાં આવતાં નથી. તેમજ કોરોનાકાળ દરમ્યાન પ્રજા વચ્ચે રહી સેવા કરી હતી તેમજ પાર્ટીનું માન-સન્માન જાળવ્યંુ હતું. તેમ છતાં તેમની બાદબાકી થતા નિરાશા વ્યાપી ગઈ છે. દેશમાં માર્ચ-૨૦૨૦થી કોરોના કહેર શરૂ થયો હતો જેના પગલે કેન્દ્ર સરકારે લોકડાઉનનો અમલ શરૂ કર્યા હતા. કોરોના અને લોકડાઉન દરમ્યાન સામાન્ય માણસની સ્થિતિ બગડી હતી ખાસ કરીને, પરપ્રાંતિય શ્રમિક વર્ગને ખાવાની પણ તકલીફ થઈ હતી આવા કપરાકાળ દરમ્યાન અમદાવાદ શહેર મેયર તથા મોટાભાગના કોર્પાેરેટરો “સેલ્ફ ક્વોરેન્ટાઈન” થયા હતા. તેમજ પ્રજાની સ્થિતિની જાણકારી મેળવવા માટે તસ્દી લીધી નહતી. આવા કપરા સંજાેગોમાં જરૂરિયાતો માટે સતત ૫૦ દિવસ સુધી અન્નક્ષેત્ર ચલાવનાર તેમજ કોરોના દર્દીઓ અને તેમના પરીવારજનોને અડધી રાત્રે મદદ કરનાર બે સેવાભાવી કોર્પાેરેટરોની બાદબાકી કરવામાં આવી છે. પાર્ટી દ્વારા પસંદ કરવામાં ન આવેલ આ બંને કોર્પાેરેટરો ટર્મ, ઉંમર કે પરિવારવાદના દાયરામાં આવતા ન હતા તેમ છતાં તેમને ટિકિટ ફાળવવામાં આવી નથી. ગોતા વોર્ડના કોર્પાેરેટર દિનેશ દેસાઈની બે ટર્મ પૂર્ણ થઈ છે. તેમની કામગીરી સામે મોવડી મંડળ સમક્ષ કોઈ જ ફરીયાદ થઈ નથી. તેમ છતાં તેમને ટિકિટ આપવામાં આવી નથી. તેવી જ રીતે નવા વાડજ વોર્ડના જીગ્નેશ પટેલે પણ કોરોનાકાળ દરમ્યાન અવિરત સેવા ચાલુ રાખી હતી. તેઓ માત્ર એક જ ટર્મ કોર્પાેરેટર તરીકે રહ્યા છે. તેમ છતાં તેમની ટીકીટ કાપવામાં આવી છે. આ બંને યુવા કોર્પાેરેટરોની બાદબાકીના કારણે કાર્યકરો અને મતદારોમાં નિરાશા વ્યાપી ગઈ છે.

ઈસનપુરમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારને ટિકિટ અપાતાં કાર્યકરોમાં રોષ

ભાજપ દ્વારા પાર્ટીને વફાદાર હોય તેવા પાયાના કાર્યકરોને ટિકિટ આપવામાં આવી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. પરંતુ ઈસનપુર વોર્ડમાં પસંદ કરવામાં આવેલ બે ઉમેદવારોનો ભૂતકાળ અલગ ચિત્ર જ રજૂ કરી રહ્યું છે.
ઈસનપુર ભાજપના સૂત્રોએ જણાવ્યા મુજબ ૨૦૧૫ની ચૂંટણીમાં ગાતમ પટેલ, પુલકિત વ્યાસ, રંજનબેન અને રમીલાબેનને ટિકિટ આપવામાં આવી હતી. તે સમયે દશરથભાઈ પટેલ, શંકરભાઈ ચૌધરી, રમાબેન જાેષી અને મોનાબેન રાવલે પણ દાવેદારી કરી હતી. પરંતુ તેમને ટિકિટ મળી ન હતી. તેથી શંકરભાઈ ચૌધરી અને મોનાબેન રાવલની જાેડીએ ખાસ “નોટા”ગ્રુપ બનાવ્યું હતું. તથા ભાજપના ઉમેદવારોને મત આપવાના બદલે “નોટા” ગ્રુપ બનાવ્યું હતું. તથા ભાજપના ઉમેદવારોને મત આપવાના બટન બદલે “નોટા”બટન દબાવવા માટે લાગતા-વળગતાઓને વિનંતી કરતા હતા. જેના કારણે ૨૦૧૫માં “નોટા”માં ૧૫૦૦ કરતાં વધુ મત પડ્યા હતા. તેમ છતાં ઈસનપુરમાં ભાજપની પેનલનો ભવ્ય વિજય થયો હતો. ૨૦૧૫માં પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનાર શંકર ચૌધરી અને મોનાબેન રાવલને ૨૦૨૧માં ટિકિટ આપવામાં આવી છે. જેના કારણે સંનિષ્ઠ કાર્યકરોમાં રોષ જાેવા મળી રહ્યો છે. જ્યારે ૨૦૧૫ અને ૨૦૨૧માં ચૂંટણી લડનાર ગૌતમ પટેલના મનમાં પણ થોડી ઘણી “ખટાશ”તો રહી જ હશે તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers