Western Times News

Gujarati News

આમોદના ખખડધજ બનેલા આંતરિક માર્ગો ઉપર રોડ સેફટીના નામે ૩૦ લાખનો વેડફાટ

રોડ સેફટીના કામ બાબતે પાલિકાના જવાબદાર પદાધિકારીઓ કઈ જ બોલવા તૈયાર નથી.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: આમોદ નગરપાલિકામાં વિકાસના અનેક કામો કરવામાં આવે છે ત્યારે આમોદ નગરપાલિકાએ હાલમાં રોડ સેફટીના કામે ૩૦ લાખના ખર્ચે આમોદના મુખ્ય રોડ ઉપર થર્મોપ્લાસ્ટીકના સફેદ પટ્ટા લગાડી કેટ આઈ લગાડી દેતા નગરજનોમાં અચરજ ફેલાયું હતું.

આમોદ નગરપાલિકામાં વર્ષ ૨૦૧૯-૨૦ની મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત ભારે વરસાદથી નુકશાન પામેલ રસ્તા રીપેરીંગ ગ્રાન્ટ હેઠળ આમોદ વિસ્તારમાં રોડ સેફટીના કામે આમોદ નગરમાં રોડની સાઈડમાં તેમજ રોડ ઉપર થર્મોપ્લાસ્ટીકના સફેદ પટ્ટા લગાડવાના, કેટ આઈ મુકવાના, રબરના સ્પીડ બ્રેકર મુકવાના તેમજ સાઈન બોર્ડ મુકવાના કામે આમોદ નગરમાં મુખ્ય માર્ગો ઉપર સફેદ પટ્ટા પાડવામાં આવ્યા હતા. તેમજ રોડ ઉપર કેટ આઈ લગાડવામાં આવ્યા હતા.જેથી આમોદ નગરજનોમાં અચરજ ફેલાયું હતું અને સરકારી ગ્રાન્ટનો વેડફાટ પણ લોકોએ ગણાવ્યો હતો.


અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરમાં અનેક રોડની આવરદા પણ પુરી થઈ ગઈ હતી તેમજ રોડ પણ ખખડધજ બની ગયા હતા. જેની ઉપર થર્મોપ્લાસ્ટિકના પટ્ટા લગાડી કેટ આઈ લગાડવાનો સરકારી ખર્ચને નગરજનો બિનજરૂરી જણાવી રહ્યા છે.આમોદ નગરમાં અનેક જગ્યાએ સ્ટ્રીટ લાઈટો પણ ચાલુ નથી તેમજ સ્થાનિકોની વારંવારની રજુઆત છતાં સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવામાં આવતી નથી ત્યારે રોડ ઉપર કેટ આઈ લગાડવાની સરકારની નીતિને લોકો હાસ્યાસ્પદ અને બિન જરૂરી ખર્ચ તરીકે જણાવી રહ્યા છે.

વધુમાં આમોદ નગર પાસેથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર પણ આટલી રોડ સેફટી માટે દરકાર કરવામાં આવી નથી તેમજ નહિવત સંખ્યામાં કેટ આઈ તેમજ સાઈન બોર્ડ લગાડવામાં આવ્યા હતા.ત્યારે આમોદ નગરમાં મુખ્ય આંતરિક માર્ગો ઉપર કેટ આઈ લગાડવામાં આવ્યા છે.

જ્યાં નગરના આંતરિક માર્ગ ઉપર કોઈ મોટો અકસ્માત હજુ સુધી થયો નથી કે કોઈ જાનહાની પણ થઈ નથી ત્યારે નગરના આંતરિક માર્ગો ઉપર રોડ સેફટીના નામે ત્રીસ લાખ જેવી માતબર રકમનો ધુમાડો કરતા પાલિકા સત્તાધીશો સામે લોકોમાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે.
આ બાબતે આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી પ્રજાપતિને પૂછતાં જણાવ્યું હતું કે આ રોડ સેફટીનું કામ નગરપાલિકના બોર્ડે જ ઠરાવ કરીને મૂક્યું છે.જેથી મને ખબર નથી.અને સરકારમાંથી જ ગ્રાન્ટ આવી છે.જેમાં સાઈન બોર્ડ, હેવી રબર બમ્પ,કેટ આઈ વિગેરેનું કામ કરવાનું છે.જે બાબતે મારે કઈ મીડિયા સમક્ષ કહેવું નથી.

આ બાબતે આમોદ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ કારોબારી અધ્યક્ષ સહિતના જવાબદાર પદાધિકારીઓએ મીડિયા સમક્ષ કઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.