Western Times News

Gujarati News

અભિનેતા રાજીવ કપૂરનું અવસાન

નવી દિલ્હી, બોલિવુડ અભિનેતા ઋષિ કપૂર અને રણધીર કપૂરના ભાઈ રાજીવ કપૂરનું મંગળવારે અવસાન થયું છે. રાજીવ કપૂરે રામ તેરી ગંગા મૈલી સહિતની અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું. ઋષિ કપૂરની પત્ની નીતૂ કપૂરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોસ્ટ કરીને આ સમાચારની પૃષ્ટિ કરી છે. નીતૂ કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રાજીવ કપૂરની તસવીર શેર કરી હતી અને ‘રેસ્ટ ઈન પીસ’ લખ્યું હતું. સાથે જ તેમણે હાથ જોડતી હોય તેવી ઈમોજી દ્વારા પોતાની ભાવના પણ વ્યક્ત કરી હતી.

58 વર્ષીય રાજીવ કપૂરનું હાર્ટ એટેકના કારણે અવસાન થયું છે. તેમના મોટા ભાઈ રણધીર કપૂર તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ ડૉક્ટર્સે તેમને મૃત ઘોષિત કર્યા હતા. રણધીર કપૂરે પોતાના નાના ભાઈના મૃત્યુની પૃષ્ટિ કરીને પોતે પોતાનો નાનો ભાઈ ગુમાવ્યો છે અને રાજીવનું અવસાન થયું છે તેમ કહ્યું હતું.

રાજીવ કપૂરે હિંદી સિનેમામાં અભિનેતા, પ્રોડ્યુસર અને ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. શમ્મી કપૂર અને શશિ કપૂર રાજીવના કાકા હતા. તેમણે 1983માં રીલિઝ થયેલી ફિલ્મ એક જાન હે હમ દ્વારા સિલ્વર સ્ક્રીન પર અભિનેતા તરીકે ડેબ્યુ કર્યું હતું. 1985માં રીલિઝ થયેલી ફિલ્મ રામ તેરી ગંગા મૈલીમાં તેમણે લીડ રોલ પ્લે કર્યો હતો. આસમાન, લવર બોય, જબરદસ્ત અને હમ તો ચલે પરદેશ તેમની સૌથી લોકપ્રિય ફિલ્મો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.