Western Times News

Gujarati News

શંકરસિંહની સાથે અલ્પેશને કોંગ્રેસમાં પાછા લાવવા પ્રયાસો

અમદાવાદ: ગુજરાત કોંગ્રેસમાં શંકરસિંહ વાઘેલાની ઘરવાપસી માટેની કવાયત તેજ થઈ ગઈ છે. થોડા દિવસ પહેલાની જ વાત છે જ્યારે વાઘેલાએ જાહેરમાં કહ્યું હતું કે ભાજપ સાથે બાથ ભીડવા માટે જાે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી તેમને બોલાવે તો તેઓ દિલ્હી જવા માટે તૈયાર છે અને ફરી કોંગ્રેસમાં જાેડાવા માટે પણ તૈયાર છે.

તો બીજી તરફ જ્યારે આ અંગે કોંગ્રેસના પ્રદેશ નેતાઓ કંઈ પણ કહેવાથી બચી રહ્યા છે. આ અંગેના કોઈ પણ સવાલના જવાબમાં એટલું જ કહે છે કે તમામ ર્નિણય હાઈકમાન્ડ કરશે.

જાેકે પાર્ટીના જ કેટલાક વિશ્વસનીય સૂત્ર વચ્ચે ચાલતી ચર્ચા મુજબ બે દિવસ પહેલા મોડી રાત્રે ભરતસિંહ સોલંકીએ પોતાના નિવાસસ્થાને વાઘેલા સાથે બંધ બારણે મીટિંગ યોજી હતી. વાઘેલાની આ કથિત મુલાકાત બાદ સોલંકીએ તે જ રાત્રે કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જાેડાયેલા અલ્પેશ ઠાકોરને પણ કોંગ્રેસમાં પરત લાવવા માટે પ્રયાસો કર્યા હોવાનું કહેવામાં આવે છે. આગામી ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને ભાજપ સામે બાથ ભીડવા અને જ્ઞાતિ જાતીના રાજકીય સમીકરણો બેસાડવા માટે વાઘેલા અને ઠાકોરની ઘરવાપસી માટે કોંગ્રેસ તૈયારી કરી રહી છે.

મહત્વનું છે કે હાલના સમયમાં કોંગ્રેસ પાસે ગુજરાતમાં કોઈપણ સવર્સ્વિકૃત નેતા નથી. તેમજ કોંગ્રેસ પાર્ટી માટે લોકો વચ્ચે પણ માસ અપીલ ધરાવતા કદાવર નેતાની મોટી ખોટ છે. ત્યારે પોતાની માસ અપીલ અને આક્રામક્તાના કારણે આ બંને નેતાઓ કોંગ્રેસમાં ઘણેખરે અંશે પ્રાણ પૂરી શકશે તેવું પાર્ટીનું માનવું હોય તો પણ નવાઈ નહીં. આ તરફ કોંગ્રેસના સૂત્રોમાં ચર્ચાતી વાત મુજબ આગામી ૧૫ ફેબ્રુઆરી પછી ગમે ત્યારે ઘરવાપસીની આ જાહેરાત થઈ શકે છે.

જાે કોંગ્રેસના સૂત્રોની વાત માનીએ તો પાર્ટી માટે હાલની પંચાયતો અને પાલિકાની ચૂંટણી મીની વિધાનસભા ચૂંટણી સમાન જ છે. ૨૦૧૫માં આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસે ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપને ધોબીપછાડ આપી હતી.

કુલ ૩૧માંતી ૨૩ જેટલી જિલ્લા પંચાયતો પર કોંગ્રેસનો વાવટો લહેરાવ્યો હતો. જાેકે તે વખતે પણ મહાનગરોમાં કોંગ્રેસની નબળાઈ સામે આવી હતી. આ તરફ ૨૦૧૫થી ૨૦૨૧ ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિમાં ખૂબ જ મોટો ફરક આવ્યો છે.

રાજ્યમાં કોંગ્રેસના અસ્તિત્વ પર પણ કેટલાક સવાલ છે. તો તેની સાથે ગુજરાતમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અહમદભાઈ પેટલના અવસાન પછી દિલ્હીમાં હાઈકમાન્ડ સુધી વ્યક્તિગત રીતે રાજ્યનો અવાજ પહોંચાડનાર કોઈ નેતા નથી તેવી સ્થિતિમાં વાઘેલા અને ઠાકોરની ઘરવાપસી કરાવવાથી કોંગ્રેસ પોતાનો ઉદ્ધાર જાેઈ રહી હોવાનું મનાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.