Western Times News

Gujarati News

રશિયાના સ્પેસ કાર્ગો શિપમાં વિસ્ફોટ, સ્પેસ સ્ટેશનમાંથી પરત આવતી વખતે અગ્નિના ગોળામાં ફેરવાઈ ગયું

નવી દિલ્હી, અંતરિક્ષમાંથી પરત આવતી વખતે રશિયાના સ્પેસ કાર્ગો શિપમાં વિસ્ફોટ થયો હતો અને તે અગ્નિના ગોળામાં ફેરવાઈ ગયું હતું. આ કાર્ગો શિપ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રહેલા એસ્ટ્રોનોટ્સ માટે ભોજન અને વૈજ્ઞાનિક ઉપકરણો લઈને ગયું હતું. ત્યાર બાદ 8 ફેબ્રુઆરીના રોજ તે પૃથ્વી પર પરત આવવા નીકળ્યું હતું પરંતુ 9 ફેબ્રુઆરીના રોજ પૃથ્વીના વાયુમંડળમાં પ્રવેશ બાદ તેમાં વિસ્ફોટ થયો હતો. રશિયન સ્પેસ એજન્સી રોસકોસમોસ દ્વારા આ ઘટનાની પૃષ્ટિ કરવામાં આવી છે.

રોસકોસમોસના અહેવાલ પ્રમાણે તેમનું કાર્ગો સ્પેસ શિપ પ્રોગ્રેસ 76P MS-15 ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાંથી સફળતાપૂર્વક બહાર આવ્યું હતું પરંતુ ત્યાર બાદ ધરતીના વાયુમંડળમાં પ્રવેશતા જ તે આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું અને તેના ટુકડા થઈ ગયા હતા. આ પ્રકારના સ્પેસ કાર્ગો શિપને સ્પેસ ટ્રક પણ કહેવામાં આવે છે. રશિયાએ પ્રોગ્રેસ સ્પેસ કાર્ગો શિપ 76P MS-15ને 23 જુલાઈ 2020ના રોજ કઝાકિસ્તાનના બૈકોનૂર કોસ્મોડ્રોમ ખાતેથી લોન્ચ કર્યું હતું. લોન્ચિંગના 3 કલાક 18 મિનિટ અને 31 સેકન્ડ બાદ તે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથે જોડાઈ ગયું હતું અને તે એક રૂટિન કાર્ગો ડિલિવરી હતી. તેમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે 2.5 ટન જેટલો સામાન હતો.

પ્રોગ્રેસ 76P MS-15 કાર્ગો શિપ સ્પેસ સ્ટેશન પર ઉપસ્થિત એસ્ટ્રોનોટ્સ માટે 1,430 કિગ્રા ડ્રાય કાર્ગો, 620 કિગ્રા ઈંધણ, 46 કિગ્રા ઓક્સિજન અને 420 કિગ્રા પાણી લઈને ગયું હતું.

પ્રોગ્રેસ 76P MS-15 કાર્ગો શિપે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં 7 મહિનાનો સમય વિતાવ્યો હતો. રૂસી મિશન કંટ્રોલ સેન્ટરના સ્પેશિયાલિસ્ટના કહેવા પ્રમાણે આ કાર્ગો શિપના ટુકડા દક્ષિણી પ્રશાંત મહાસાગરના જ્યાં કોઈ પણ પ્રકારનું પરિવહન નથી થતું તેવા વિસ્તારોમાં પડ્યા છે. પ્રશાંત મહાસાગરના 1,680 કિમી ક્ષેત્રમાં તેનો કાટમાળ પડ્યો હોવાનું અનુમાન છે. આ વિસ્તાર ન્યૂઝીલેન્ડના વેલિંગ્ટનથી પૂર્વમાં આવેલો છે અને રશિયન અંતરિક્ષ એજન્સીએ આ કાર્ગો શિપ પરત આવવાનું હતું તે સમયે ન્યૂઝીલેન્ડ સહિત અનેક દેશોને સૂચના આપી હતી જેથી તે વિસ્તારમાં કોઈ પણ પ્રકારના જહાજ કે વિમાનનું પરિવહન અટકાવી શકાય.

આ તરફ રશિયાએ પોતાના આગામી સ્પેસ ટ્રકને મોકલવાની તૈયારી કરી લીધી છે અને તેને પ્રોગ્રેસ MS-16 નામ આપવામાં આવ્યું છે. આગામી 17 ફેબ્રુઆરીના રોજ તેને સ્પેસ સ્ટેશન માટે લોન્ચ કરવામાં આવશે અને તેના સાથે અંતરિક્ષ સ્ટેશન માટે 2.5 ટન સામાન મોકલવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.