Western Times News

Gujarati News

USએ ભારતીય દવા કંપનીને ફટકાર્યો 364 કરોડનો દંડ, દર્દીઓ માટે જોખમ સર્જવાનો આરોપ

tablet medicines

નવી દિલ્હી, અમેરિકાએ ભારતની એક દવા કંપનીને 364 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. અમેરિકાના ન્યાય વિભાગના અહેવાલ પ્રમાણે FKOL કંપનીએ જાણકારી છુપાવવાનો અને રેકોર્ડ નષ્ટ કરવાનો આરોપ સ્વીકારી લીધો છે. કંપની પર એવો આરોપ હતો કે 2013માં જ્યારે અમેરિકી ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)ની ટીમ તપાસ માટે કંપનીના કાર્યાલય પહોંચી તેના પહેલા જ અનેક રેકોર્ડ નષ્ટ કરી દેવામાં આવેલા.

અમેરિકી ન્યાય વિભાગના અહેવાલ પ્રમાણે કંપનીએ પોતાનો ગુનો સ્વીકારી લીધો છે અને સાથે જ 364 કરોડ રૂપિયાનો દંડ ચુકવવાની વાત પણ માની લીધી છે. નવાડાની ફેડરલ કોર્ટમાં આ મામલે કેસ નોંધવામાં આવ્યો હતો. FKOL કંપની પર તેણે અમેરિકાના ફેડરલ ફુડ, ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટનું ઉલ્લંઘન કર્યું હોવાનો આરોપ લાગ્યો હતો.

અમેરિકી ન્યાય વિભાગના કહેવા પ્રમાણે અમેરિકી ઉપભોક્તાઓ માટે વપરાતી દવાઓની તપાસ દરમિયાન અમુક જાણકારીઓ FDAથી છુપાવવામાં આવી હતી અને રેકોર્ડ ડિલીટ કરી દેવામાં આવ્યા હતા. આ કારણે દર્દીઓ માટે જોખમ સર્જાયુ હતું.

કોર્ટમાં રજૂ કરવામાં આવેલા દસ્તાવેજો પ્રમાણે FKOL પશ્ચિમ બંગાળના કલ્યાણી ખાતે દવાઓનું ઉત્પાદન કરે છે. આ કંપની કેન્સરની દવાઓ માટેની સામગ્રી તૈયાર કરે છે. અમેરિકાએ કંપની પર લગાવેલા આરોપ પ્રમાણે મેનેજમેન્ટના અધિકારીઓએ FDAની ટીમ પહોંચી તેના પહેલા જ સ્ટાફને કેટલાક રેકોર્ડ દૂર કરી ડિલીટ કરવા કહ્યું હતું. તે રેકોર્ડ કંપની FDAના નિયમો વિરૂદ્ધ દવા સામગ્રીઓનું ઉત્પાદન કરે છે તેવું સાબિત કરતા હતા.

અમેરિકી ન્યાય વિભાગના કહેવા પ્રમાણે FKOL કંપનીના સ્ટાફે કોમ્પ્યુટરમાંથી ડેટા ડિલીટ કરવાની સાથે અનેક દસ્તાવેજોની હાર્ડકોપી પણ ગાયબ કરી દીધી હતી. અમેરિકી સરકારે FDAના નિયમોનું ઉલ્લંઘન કરનારી કંપનીઓ સામે ભવિષ્યમાં પણ કાર્યવાહી ચાલુ રહેશે તેવી સ્પષ્ટતા કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.