Western Times News

Gujarati News

મોદીએ ટ્રૂડોને કોરોના વેક્સિન આપવાની ખાતરી આપી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોને ખાતરી આપી હતી કે કેનેડાને કોરોના વેક્સિન આપવા માટે ભારત તેનાથી બનતા શ્રેષ્ઠ પ્રયાસો કરશે. ટ્રૂડોએ વડાપ્રધાનને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે ભારત પાસે જબરદસ્ત ફાર્માસ્યુટિકલ ક્ષમતા છે

અને તે કોવિડ-૧૯ને હરાવવા માટે કેનેડાને વેક્સિન પૂરી પાડે, તેમ વડાપ્રધાન કાર્યાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું. ફોન પર વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ મોદીને ભારત પાસેથી કેનેડાને કેટલી કોવિડ-૧૯ વેક્સિન જાેઈએ છે તેની માહિતી આપી હતી.

વડાપ્રધાન મોદીએ કેનેડાના પોતાના સમકક્ષને ખાતરી આપી હતી કે ભારતે જેમ અન્ય દેશો માટે કર્યા છે તેવા તેનાથી બનતા શ્રેષ્ઠ પ્રયાસો કેનેડાના રસીકરણ માટે પણ કરશે. વડાપ્રધાન મોદીએ ટિ્‌વટ કરીને જણાવ્યું હતું કે, મારા મિત્ર જસ્ટિન ટ્રૂડોનો ફોન આવ્યો જેનાથી હું ઘણો જ ખુશ થયો છું.

હું તેમને ખાતરી આપું છું કે ભારત કેનેડાની વેક્સિનની જરૂરિયાત પૂરી કરવા માટે તેનાથી બનતા શ્રેષ્ઠ પ્રયાસો કરશે. અમે ક્લાઈમેટ ચેન્જ અને વૈશ્વિક અર્થતંત્રમાં તેજી જેવા મહત્વના મુદ્દાઓ પર એક સાથે મળીને કામ કરવાનું જારી રાખીશું.

નોંધનીય છે કે ભારતે ઘણા દેશોને વેક્સિન આપી છે. વિશ્વની સૌથી અસરકારક માનવામાં આવતી ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા વેક્સિનનું ઉત્પાદન ભારતમાં જ થઈ રહ્યું છે. સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયામાં રસીનું ઉત્પાદન થઈ રહ્યું છે. ભારત વિશ્વના સૌથી મોટા ડ્રગમેકર્સમાં સામેલ છે. ઘણા દેશોએ વેક્સિન માટે ભારતનો સંપર્ક કર્યો છે.

ગત સપ્તાહે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ભારતે ગ્રાન્ટ આસિસ્ટન્સ અંતર્ગત ઘણા બધા દેશોને વેક્સિનના ૫૬ લાખ ડોઝ આપ્યા છે. જ્યારે કોમર્શિયલ સપ્લાય અંતર્ગત ૧૦૦ લાખ ડોઝ પૂરા પાડ્યા છે. નોંધનીય છે કે ભારતે ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકાની કોવિશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનને મંજૂરી આપી છે. કોવેક્સિન ભારત દ્વારા તૈયાર કરવામાં આવેલી વેક્સિન છે જેનું ઉત્પાદન ભારત બાયોટેક કરી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.