Western Times News

Gujarati News

ઝઘડીયાના ઈન્દોર ગામથી વાસણા સુધીના રસ્તા પર ચાલતી ઓવરલોડ ટ્રકોથી સ્થાનીકો ત્રાહીમામ

ગ્રામજનો રસ્તા પર ઉતરી આવી વિરોધ કર્યો : ઓવરલોડ રોયલ્ટી વગરની ટ્રકો પકડી.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ઝઘડીયા તાલુકાના વાસણા ગામે ચાલતી લીઝોમાંથી રેતી ભરી ઓવરલોડ ટ્રકો ઈન્દોર ગામમાંથી પસાર થાય છે માટે સ્થાનિકો રોષે ભરાયા હતા.લીઝો માટે બાયપાસ રસ્તો હોવા છતાં ગામમાંથી ઓવરલોડ ટ્રકો કાઢવામાં આવે છે જેથી ઈન્દોર ગામના સ્થાનિક લોકો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આજરોજ ઈન્દોર ગામના નાગરિકોએ ઓવરલોડ ભરેલ રોયલ્ટી વગરની ટ્રકો રોકી હતી.

ઝઘડિયા તાલુકાના ટોઠીદરા ગામે ગ્રામજનો અને લીઝ સંચાલકોનો ઝગડો હજી યથાવત છે ત્યારે ઝઘડિયા તાલુકાના ઈન્દોર ગામના ગ્રામજનો ઓવરલોડ રેતી વહનના કારણે રસ્તા પર ઉતર્યા છે.ઝઘડિયા તાલુકામાં કાંઠા વિસ્તારના કેટલાય ગામોમાં ઓવરલોડ અને પાણી નીતરતી રેતી વહનનો કાયમી પ્રશ્ર રહ્યો છે.

પરંતુ આજદિન સુધી તેનું નિરાકરણ લાવવામાં ઝઘડીયા મામલતદાર, પ્રાંત અધિકારી,ખાણ ખનીજ વિભાગ તેમજ કલેકટર કચેરી દ્વારા તેનુ નિરાકરણ લવાતું નથી.ઝઘડીયા તાલુકાના ઈન્દોર થી વાસણા સુધીનો રસ્તો અત્યન્ત બિસ્માર બન્યો છે

જેથી સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે.વાસણા તેમજ પાણેથા ગામે મોટાપાયે રેતી ખનન થઈ રહ્યુ છે. મોટાપાયે રોયલ્ટી પાસ વગર ઓવરલોડ ટ્રકોથી રેતીનુ વહન કરવામા આવે છે.

જેથી આ રસ્તાના ગામોની પંચાયતની પીવા ના પાણીની પાઇપ લાઇનમાં ડ્રેનેજ લાઈનનું પાણી ભળી જવાથી પીવાનું પાણી પ્રદુષિત થાય છે તેવા આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે.ગંદુ પાણી જાહેર રસ્તા પર વહેતુ હોવાના કારણે લોકોને બિમારીનો ભોગ બનવુ પડે છે.ઈન્દોરથી વાસણા સુધીના રસ્તાપર કેટલાક ધાર્મિક સ્થળો આવેલા છે

જેમકે મંદિર,દરગાહ અને આંગણવાડી પણ આજ રસ્તે આવેલ હોય ગ્રામજનોને અવિરત ચાલતી ઓવરલોડ રેતીની ટ્રકો થી અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.

આજ રસ્તા પર ખેડુતોના ખેતરો આવેલા છે.૨૪ કલાક રેતી વહનના કારણે મોટાપાયે ધુળ ઉડે છે જેથી ખેતીના પાકને વ્યાપક નુકસાન થવાની ફરિયાદ ગ્રામજનો કરી રહ્યા છે.વાસણામાં ચાલતી લીઝોના બાયપાસ રસ્તો હોવા છતાં ઓવરલોડ ટ્રકો ઈન્દોર ગામમાંથી કાઢવામાં આવે છે જેથી ઈન્દોરના ગ્રામજનો રોષે ભરાયાં હતાં અને ગ્રામજનો વારંવાર ખાણ ખનીજ વિભાગ ભરૂચ નાયબ કલેકટર ઝઘડિયાને રજુઆતો કરવા છતા પણ આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યુ નથી.

ઈન્દોરના ગ્રામજનોએ એકત્ર થઈ ઓવરલોડ ચાલતા  રેતીના વાહનો અટકાવી ચક્કાજામ કર્યો હતો.ઓવરલોડ રેતી ‌વહનથી‌ ત્રાસેલા ગ્રામ જનોએ જણાવ્યું હતું કે વહીવટીતંત્ર અને લીઝ‌ સંચાલકોના મેળાપીપણામાં સમસ્યાનુ નિરાકરણ આવતું નથી જેથી કંટાળી ગ્રામજનો રોડ પર આવ્યા છે.આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ નહિ આવે તો ગ્રામ જનો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.