Western Times News

Latest News in Gujarat

ડાંગમાં ઝાડાના કારણે થતા બાળમૃત્યુને અટકાવવા માટે કવાયત હાથ ધરાઇ

અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.મેધા મહેતાએ સાપુતારા ખાતેથી કરાવ્યો પ્રારંભ

ડાંગ આહવાઃ રાજ્ય સમસ્તની જેમ છેવાડાના ડાંગ જિલ્લામાં પણ ગત તા.ર૮મી મે, ૨૦૧૯થી તા.૧પમી જુન, ૨૦૧૯ દરમિયાન સધન ઝાડા નિયંત્રણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે.

ઝાડાના કારણે થતા બાળમૃત્યુનો દર શૂન્ય કરવાના ઉદૃેશ સાથે કરાઇ રહેલી ઉજવણીનો શુભારંભ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.મેધા મહેતાના હસ્તે, ગિરિમથક સાપુતારા સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી કરાયો હતો. અહીં ઓ.આર.એસ./ઝીંક નિદર્શન કોર્નરનો પણ ડૉ.મેધા મહેતાના હસ્તે પ્રારંભ કરાવાયો હતો. જરૂરિયાતમંદ બાળદર્દીઓને ૧૪ દિવસ સુધી ઓ.આર.એસ.નું દ્રાવણ તથા ઝીંકની ગોળી આપવા સાથે, ચોખ્ખુ પાણી અને તાજો ખોરાક આપવા બાબતે પ્રોત્સાહિત કરતા, ડૉ.મહેતાએ ઝાડાની સારવાર જિલ્લાના દરેક આરોગ્ય કેન્દ્રો ખાતે વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી છે, તેમ તેમના વાલીઓ, માતાપિતા તથા ઉપસ્થિત પ્રજાજનોને જણાવ્યું હતું.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ તબીબી અધિકારીશ્રી ડૉ.કોમલ ખેંગારે, બાળકો તથા તેમના વાલીઓને ઝાડા દરમિયાન આયુર્વેદિક સારવાર અંગેની જાણકારી આપી, સધન ઝાડા નિયંત્રણ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે ઓ.આર.એસ. અને ઝીંકની ગોળી, એટલે કે જોડી નંબર વનનો વિશેષ પ્રચાર-પ્રસાર થાય, અને લોકોમાં તેની જાણકારી તથા સ્વીકૃતિ વધે તેવા પ્રયાસોની હિમાયત કરી હતી.

આ વેળા સપ્તધારાના સાધકો દ્વારા પપેટના માધ્યમથી સધન ઝાડા નિયંત્રણ પખવાડિયાની ઉજવણી અંતર્ગત જનજાગૃતિ કેળવવાનો પણ પ્રયાસ કરાયો હતો. ઝાડાના સંક્રમણથી બાળકોના વૃદ્ધિ, અને શારીરિક વિકાસ તથા પોષણના સ્તર ઉપર વિપરીત અસર પડે છે. માટે આવા કાર્યક્રમને સફળ બનાવવા, તથા બાળકોના તંદુરસ્ત ભાવિના નિર્માણમાં સૌને સહયોગ આપવાની પણ અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.મેધા મહેતાએ આ વેળા અપીલ કરી હતી.