Western Times News

Latest News from Gujarat

ઓનલાઇન ફ્રોડમાં સુરતી શખ્સેે ૫૦ લાખ ગુમાવ્યા-પોલીસે ૪ ઠગોને પકડ્યા

આરોપીઓએ ગુરૂકુલ જ્યોતિષ નામથી સંસ્થા ઊભી કરી હતી, વિના વ્યાજે લોન આપવાનું કહી લોકોને છેતરતા હતા

સુરત, જાે તમને કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવે અને ફોન કરનાર એવું કહે કે અમે તમને ઝીરો ટકા ઈન્ટરેસ્ટથી લોન આપવા માંગે છે તો તમે શું કરશો. હાલના સમયમાં આ પ્રકારના ફોન સતત લોકોને આવી રહ્યા છે અને લાલચમાં આવીને લોકો પોતાની મહેનતની મૂડી ગુમાવી રહ્યા છે.

આવી જ એક ઘટના સુરતમાં બની હતી. જાેકે પોલીસે અસરકારક કાર્યવાહી કરી આરોપીઓની ધરપકડ કરવાની સાથે જ ફરિયાદીના ગુમાવેલા રૂપિયા પૈકીના કેટલાક રૂપિયા પરત મેળવવામાં સફળતા મેળવી છે.

સુરત શહેર પોલીસની સાયબર ક્રાઇમ શાખાના સકંજામાં કેટલાક આરોપી આવ્યા છે. જેમણે ભલભલા લોકોને પોતાની વાતોમાં ફસાવી લાખો રૂપિયા ઉલેચી લીધા છે.

મીન્ટુ ચંદેશ્વર રાય, અભિષેક દેવપૂજન રાય, અજીત હરેન્દ્ર પ્રસાદ, બિપુલ પુરેન્દ્ર પાંડે આ તમામ આરોપીઓની યુપીના ગાઝિયાબાદથી ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓ મૂળ બિહારના રહેવાસી છે. સાઈબર ક્રાઇમ પોલીસના એસીપી યુવરાજસિંહ ગોહિલે જણાવ્યું કે, આ આરોપીઓએ ગુરૂકુલ જ્યોતિષ નામથી સંસ્થા ઊભી કરી હતી, જેમાં વિના વ્યાજે લોન આપવાનું કહી લોકોને છેતરતા હતા.

આ કિસ્સો એમ છે કે, સુરતના પિપલોદના બ્રિજકિશોર દાસને દિપક શાસ્ત્રી નામના યુવકે ફોન કર્યો હતો. પોતાની ઓળખ તેણે ગુરુકુલ જ્યોતિષ અને વૈદિક નારાયણ જ્યોતિષ સંસ્થાનના મેનેજર તરીકે આપી હતી. તેણે બ્રજકિશોરને કહ્યું કે, સંસ્થા વિના વ્યાજે ૫૦ લાખની લોન તમને આપે છે. આથી તેઓ લોન લેવા માટે તૈયાર થયા હતા.

આ ટોળકીએ પહેલા ૧૫ લાખ રૂપિયા સંસ્થામાં ડિપોઝિટ પેટે જમા કરાવ્યા હતા. પછી ટુકડે ટુકડે કરી કુલ ૩૨.૪૦ લાખની રકમ સંસ્થાના ખાતામાં જમા કરાવી હતી. જાેકે બાદમાં બ્રજકિશોરને અહેસાસ થયો હતો કે, તેઓ ફ્રોડના શિકાર બન્યા છે. જેથી તેમણે પોલીસમાં ફરિયાદ કરી હતી.

સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદ પર કામગીરી કરી યુપીના ગાઝિયાબાદના કોલ સેન્ટરમાંથી ૪ ઠગોને પકડી પાડ્યા હતા. ટોળકી પાસેથી સાયબર ક્રાઇમે ૧૫.૧૯ લાખની રકમ ફ્રીઝ કરી છે. ચારેય આરોપી ટેલિકોલરનું કામ કરે છે. લોનની લાલચ આપી લોકોને ફસાવતા હતા. ચારેયનો પગાર ૧૨ હજાર છે.

સાથે જ કમિશન પેટે ૪ હજાર રૂપિયા પણ મળતા હતાં. જાેકે સમગ્ર કૌભાંડના મુખ્ય ૩ સાગરિતો ફરાર છે. તે પકડાય તો ગુરુકુલ જ્યોતિષના નામથી બેંક ખાતું કોણ ઓપરેટર કરે છે તેની હકીકતો બહાર આવી શકે છે.

આ ટોળકીએ દેશભરમાં લોકોને શિકાર બનાવ્યા છે. ટોળકીએ હરિયાણા અને વડોદરામાં પણ ચીટીંગ કર્યુ છે. લેભાગુઓએ કરેલી ચીટીંગનો આંક કરોડોમાં હોવાની આશંકા છે. ત્યારે પોલીસ લોકોને અપીલ કરી રહી છે કે, આ પ્રકારના જ્યારે પણ કોલ આવે ત્યારે તેમની સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરવી નહિ. સાથે જ તમારી બેંક ડિટેઈલ, એટીએમ કે ક્રેડિટ કાર્ડ ડિટેઈલ આપવી નહિ. આ ઉપરાંત સોશિયલ મીડિયામાં પણ શક્ય હોય ત્યાં સુધી ગુપ્તતા જાળવવી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers