Western Times News

Gujarati News

અમદાવાદમાં  ચાયના-ઇન્ડીયા-ગુજરાત ઇકોનોમીક એન્ડ ટ્રેડ કો-ઓપરેશન કોન્ફરન્સ–ર૦૧૯નો પ્રારંભ

ભારતમાં તીવ્ર ગતિએ વિકસીત રાજ્ય ગુજરાતનો અન્ય રાષ્ટ્રો સાથે  ભારતના સંબંધોમાં અગ્રણી રોલ:-શ્રી વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આજની વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ભારત અને ચીન બેય રાષ્ટ્રો મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યા હોવાનો સ્પષ્ટ મત વ્યકત કર્યો છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ભારતના રાજ્યોમાં સૌથી તેજ ગતિએ વિકાસ સાધી રહેલા ગુજરાતનો અન્ય રાષ્ટ્રો સાથેના ભારતના સંબંધોમાં અગ્રણી રોલ રહ્યો છે.  મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદમાં ચાયના ઇન્ડીયા-ગુજરાત ઇકોનોમીક એન્ડ ટ્રેડ કો-ઓપરેશન કોન્ફરન્સ-ર૦૧૯નો પ્રારંભ કરાવ્યો હતો.

ચાયનાના ગ્વાન્ગડોંગના પ્રોવિન્સની ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ અને ફીક્કીની ગુજરાત શાખા  તેમજ ઇન્ડેક્ષ્ટ-બી સહ આયોજિત આ કોન્ફરન્સમાં ચાયનાના અગ્રણી ઊદ્યોગ સંચાલકો, ગ્વાન્ગડોંગના પ્રોવિન્સના રાજદ્વારી અગ્રણીઓ ભાગ લઇ રહ્યા છે.   મુખ્યમંત્રીશ્રીએ ભારત-ચાયના સંબંધોની અને તેમાંય ગુજરાતની વિશેષ ભૂમિકાની છણાવટ કરતાં કહ્યું કે, વિશ્વની કુલ વસ્તીના એક તૃતીયાંશ લોકો આ બે દેશોમાં વસ્યા છે. બેય રાષ્ટ્રો પાસે યુવાશકિતની તાકાત અંતર નિહિત છે ત્યારે સાતત્યપૂર્ણ અને સર્વ સમાવેશ વિકાસ પથ પર આગળ વધવાની દિશા સુનિશ્ચિત કરવી જરૂરી છે.

તેમણે ઉમેર્યુ કે, ચીનના રાષ્ટ્રપતિશ્રી ર૦૧૪માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નિમંત્રણથી ગુજરાતના મહેમાન બન્યા અને પરસ્પર સહભાગીતાના એક નવા યુગની શરૂઆત થઇ.  ગુજરાત અને ગુઆન્ગડોંગ વચ્ચે સિસ્ટર સ્ટેટ તેમજ અમદાવાદ ગ્વાન્ગડોંગ વચ્ચે સિસ્ટર સિટીના સંબંધો વિકસાવવાના કરાર થયા હતા તેની ભૂમિકા પણ શ્રી વિજયભાઇ રૂપાણીએ આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં બિઝનેસ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ, ભાવિ ઉજ્જવળ યોજનાઓ, ૪૮ પોર્ટ અને ૧૭ એરપોર્ટના શ્રેષ્ઠ માળખા સાથે વિશ્વના મહત્વના શહેરો અને વાણિજ્ય કેન્દ્રો સાથે જોડાણની સહુલિયત વિશ્વ વેપારનું કેન્દ્ર બની છે.   વાયબ્રન્ટ ગ્લોબલ સમિટની ઉત્તરોત્તર સફળતા તેમજ ૧૯ જેટલા SEZ, 8 SIR અને ર૦૦ ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટને પરિણામે ગુજરાત હવે ઓટો હબ-મેન્યુફેકચરીંગ હબ બની ગયું છે તેની પણ વિશદ છણાવટ શ્રી વિજયભાઇ રૂપાણીએ કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ ર૦૧૬ અને ર૦૧૮માં વાયબ્રન્ટ સમિટ પૂર્વે ગુજરાતના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે ચીનની મૂલાકાત અને ચીનના પ્રતિનિધિમંડળે પણ ગુજરાતની મૂલાકાત લીધી તેનો ઉલ્લેખ કરી આ મૂલાકાતથી દ્વિપક્ષી સંબંધોનો સેતુ સુદ્રઢ બન્યો છે એમ ઉમેર્યુ હતું.  આ પ્રવાસોને પરિણામે બેય પ્રદેશો વચ્ચે ઔદ્યોગિક સહયોગ, બિઝનેસ-વાણિજ્યીક સંબંધો તેમજ શિક્ષણ અને સાંસ્કૃતિક સંબંધોમાં સહયોગ તથા પ્રવાસન ક્ષેત્રના સહયોગને પણ વેગ મળ્યો છે એમ તેમણે કહ્યું હતું.

શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં ચાયનાની અનેક અગ્રગણ્ય ઊદ્યોગ કંપનીઓએ પોતાના પ્લાન્ટસ અને કારોબાર શરૂ કરીને ગુજરાતને સેકન્ડ હોમ બનાવ્યું છે તેનો આનંદ વ્યકત કર્યો હતો. તેમણે કહ્યું કે, આ બધી જ બાબતો અને પરસ્પર સહભાગીતાની ઉત્સુકતા એ વાતની પરિચાયક છે કે ગુજરાત અને ચીન ખાસ કરીને ગુઆન્ગડોંગ પ્રાંત સાથે સામાજિક અને આર્થિક વિકાસની મજબૂત ભાગીદારી સ્થાપિત થઇ છે.

મુખ્યમંત્રીશ્રીએ એમ પણ કહ્યું કે, ભારતની કુલ વસ્તીના પાંચ ટકા વસ્તી ધરાવતા ગુજરાતનો GDPમાં ૮ ટકા, નિકાસમાં રર ટકા ફાળો છે. એટલું જ નહિ, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસમાં પણ ગુજરાત વિશ્વમાં ચોથા ક્રમે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.