Western Times News

Gujarati News

બુટલેગરે વિજીલન્સની રેડ પડાવી PIને સસ્પેન્ડ કરાવવાની ધમકીઓ આપી

સોલા પોલીસ સ્ટેશનમાં જ બુટલેગરે પોલીસ સાથે ઝપાઝપી કરી

(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરમાં હપ્તાખોરી તથા વહીવટદારીના પગલે ગુનેગારો બેફામ બન્યા છે જેને પગલે થોડા સમયથી દારૂ-જુગારના અડ્ડાના સંચાલકો કે બુટલેગરો પોલીસને ખુલ્લેઆમ ધમકી આપવાની કે ઝપાઝપી કરવાની ઘટનાઓ હવે અવારનવાર સામે આવી રહી છે . આવી ઘટનાઓમાં વધુ એકનો વધારો થયો છે.

જેમાં સોલા પોલીસ સ્ટેશનમાં જ પ્રોહીબિશનના આરોપી બુટલેગરને એએસઆઈએ કોર્ટમાં હાજર રહેવા નોટીસ આપતા તેણે નોટીસ ફાડી નાંખી હતી ઉપરાંત સ્ટેશનમાં બુમાબુમ કરીને પોલીસ સાથે ઝપાઝપી કર્યા બાદ વિજીલન્સની રેડ કરાવવાની ધમકીઓ પણ આપી હતી.

આ ઘટનાની વિગત એવી છે કે જાન્યુઆરી મહીનામાં ચિરાગ વિજયસિંહ દરબાર નામનો શખ્સ ચાણક્યપુરી સેકટર-૬માંથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે ઝડપાયો હતો. પૂછપરછમાં દારૂનો જથ્થો તેનો ભાઈ અજય ઉર્ફે મોન્ટુ તેને આપી ગયાનું ખુલતાં અજય ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની તપાસ એએસઆઈ ગોપાલસિંહ વાઘેલા કરી રહયા છે ફરાર અજયની શોધ ચાલુ હતી

એ દરમિયાન મંગળવારે સાંજે સાડા પાંચ વાગ્યે અજય અચાનક જ પોલીસ સ્ટેશનમાં આવી પહોચ્યો હતો અને પોતે ગુજરાત હાઈકોર્ટમાંથી મેળવેલા આગોતરા જામીન રજુ કર્યાં હતા. આ દરમિયાન પોલીસે દારૂનો જથ્થો કયાંથી લાવ્યો એ પુછપરછ કરતા અજય સરખા જવાબ આપતો ન હતો તે દારૂના અન્ય ગુનાઓમાં પણ સંડોવાયેલો હોઈ એએસઆઈ વાઘેલાએ તેને મીરજાપુર જયુડીશીયલ કોર્ટમાં હાજર થવા નોટીસ આપી હતી

જે નોટીસ અજયે ફાડી નાખી હતી અને મે ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન મેળવ્યા છે હવે શાના રીમાન્ડ એવી બુમો પાડીને એએસઆઈ વાઘેલા ઉપરાંત અન્ય બે કોન્સ્ટેબલો સાથે ઝપાઝપી કરી હતી. પોલીસે પ્રતિકાર કરતા સોલામાં દારૂનો જથ્થો મુકાવી વિજીલન્સની રેડ કરાવી તમને તમારા ડી સ્ટાફ પીએસઆઈ અને પીઆઈને સસ્પેન્ડ કરાવી દઈશ તેવી ધમકીઓ આપવા ભાગ્યો હતો આ અંગે એએસઆઈ વાઘેલાએ ફરીયાદ નોંધાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.