Western Times News

Latest News from Gujarat

સીનીયર IAS સનદી અધિકારીઓ માટે મસૂરીમાં તાલીમ કાર્યક્રમ યોજાયો

મસૂરી ખાતે ગુજરાત સહિત સમગ્ર દેશના વિવિધ રાજ્યોના વરિષ્ઠ સનદી IAS અધિકારીશ્રીઓના યોજાયેલા તાલીમી કાર્યક્રમમાં ઓવરઓલ પરર્ફોમન્સમાં સર્વશ્રેષ્ઠ દેખાવ સાથે પ્રથમ સ્થાન હાંસલ કરી ગુજરાત સહિત નર્મદા જિલ્લાનું ગૌરવ વધારતા જિલ્લા  કલેક્ટર ડી.એ.શાહ

મસૂરીમાં (LBSNAA) ખાતે ૧૨૨ મી ઇન્ડક્શન તાલીમના સમાપન સમારોહમાં મહારાષ્ટ્રના રાજ્યપાલશ્રી ભગતસિંહ કોશીયારીના હસ્તે નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહને પ્રશસ્તિપત્ર એનાયત કરી બહુમાન કરાયું

રાજપીપલા, કેન્દ્રીય પર્સોનેલ વિભાગ દ્વારા મસૂરીની લાલબહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમીનીસ્ટ્રેશન (LBSNAA) ખાતે ગુજરાત સહિત દેશના મિઝોરમ, તામીલનાડુ, આંધ્રપ્રદેશ, હરીયાણા, મધ્યપ્રદેશ, પંજાબ વગેરે જેવા રાજ્યોના ભારતીય વહિવટી સેવા સંવર્ગના ૭૦ જેટલા સીનીયર IAS સનદી અધિકારીશ્રીઓ માટે યોજાયેલા એક માસના સઘન તાલીમ કાર્યક્રમમાં ભાગ લેનાર નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહ (IAS) ને ઉક્ત તાલીમ દરમિયાન

વિવિધ એસાઇગ્નમેન્ટ, બુક રીવ્યુ, પ્રેઝન્ટેશન, લીડરશીપ મોડ્યુલ, ICT મોડ્યુલ, ગૃપ-મોર્નીગ, વીક એન્ડ એક્સ્ટ્રા એક્ટીવીટીઝ વિવિધ પ્રવૃત્તિઓ અને છેલ્લે ઓનલાઇન એકઝામ સહિતની તમામ બાબતોમાં સર્વશ્રેષ્ઠ દેખાવમાં પ્રથમ સ્થાન હાંસલ કરવા બદલ મહારાષ્ટ્રના મહામહિમ રાજ્યપાલશ્રી ભગતસિંહ કોશિયારીના હસ્તે શ્રી શાહને પ્રશસ્તિપત્ર અને સ્મૃતિચિન્હ એનાયત કરી તેમનું બહુમાન કરાયું હતું.

મહારાષ્ટ્રના મહામહિમ રાજ્યપાલશ્રી કોશીયારીના મુખ્યમહેમાનપદે અને લાલબહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમીનીસ્ટ્રેશનના ડાયરેક્ટરશ્રી સંજીવ ચોપરા વગેરે મહાનુભાવોની ઉપસ્થતિમાં તાજેતરમાં મસૂરીની ઉક્ત તાલીમ સંસ્થા ખાતે ૧૨૨ મી ઇન્ડક્શન તાલીમના યોજાયેલા સમાપન સમારોહમાં ગુજરાતના ૨૦૧૦ ની બેચના વરિષ્ઠ સનદી અધિકારીશ્રી અને નર્મદા જિલ્લાના જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહે તેમના ઉક્ત એક માસના સઘન તાલીમ કાર્યક્રમમાં આવરી લેવાયેલી સમગ્રતયા તમામ બાબતોમાં સર્વશ્રેષ્ઠ દેખાવ સાથે પ્રથમ ક્રમ હાંસલ કરતાં, શ્રી ડી.એ.શાહે સમગ્ર ગુજરાત સહિત નર્મદા જિલ્લાનું પણ ગૌરવ વધાર્યું છે.

મહારાષ્ટ્રના મહામહીમ રાજ્યપાલશ્રી ભગતસિંહ કોશીયારીના હસ્તે આ બહુમાનના યશભાગી બનેલા શ્રી ડી.એ.શાહને તેમના સાથી સનદી અધિકારીશ્રીઓએ અભિનંદનની વર્ષા વરસાવવાની સાથે “ટીમ નર્મદા” એ પણ અભિનંદનનો ધોધ વરસાવી જિલ્લામાં સબળ નેતૃત્વ પુરૂં પાડી રહેલા પોતાના ટીમ લીડરના નેતૃત્વને બિરદાવી આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરી છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, ગત માર્ચ-૨૦૨૦ માં એક માસના યોજાયેલા ઉક્ત ઇન્ડક્શન તાલીમ કાર્યક્રમ અંતર્ગત તા. ૯ મીથી તા. ૧૯ મી માર્ચ સુધીની તાલીમ બાદ કોરોનાની વૈશ્વિક મહામારીને અનુલક્ષીને આ તાલીમ સ્થગિત કરાઇ હતી, જે પુન: શરૂ કરીને તા.૧ લી થી તા. ૧૫ મી ફેબ્રઆરી, ૨૦૨૦ દરમિયાન બાકીની તાલીમ પૂર્ણ કરવામાં આવી છે.

અત્રે એ નોંધવુ જરૂરી છે કે, એક માસના આ સઘન તાલીમ કાર્યક્રમમાં ભાગ લેનાર સીનીયર IAS અધિકારીશ્રીઓ દ્વારા કરાતી વિવિધ પ્રવૃતિઓનું સર્વગ્રાહી મુલ્યાંકન કરવામાં આવે છે. અને તેમા સમગ્રતયા ઓવરઓલ પરર્ફોમન્સમાં શ્રેષ્ઠ દેખાવ કરનારને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમથી નવાજવામાં આવે છે, જેમાં નર્મદા જિલ્લાના જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહે પ્રથમ સ્થાન હાંસલ કરી આ સન્માનના યશભાગી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers