Western Times News

Latest News from Gujarat

બાપુનગરમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે તીવ્ર રસાકસી: પ૦-પ૦ની શક્યતા

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈલેકશન વોર્ડ નં.ર૬ બાપુનગરમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તીવ્ર રસાકસી જાેવા મળે તેવી શક્યતા છે. ર૦૧પની ચૂંટણીમાં બાપુનગર વોર્ડમાં કોંગ્રેસને પાટીદાર આંદોલનનો ફાયદો થયો હતો તથા તેના ફાળે ચાર પૈકી ત્રણ બેઠકો આવી હતી

જયારે ભાજપના અશ્વિનભાઈ પેથાણી ચૂંટણી જંગ જીત્યા હતા પરંતુ ર૦ર૧માં ઉલફટેર થાય તેવી શક્યતા જાેવા મળે છે. કોંગ્રેસ દ્વારા ત્રણ પૈકી એક માત્ર જે.ડી. પટેલને રીપીટ કરવામાં આવ્યા છે જયારે બે મહીલા ઉમેદવારોની બાદબાકી થઈ છે. કોંગ્રેસે સ્થાનિક ધારાસભ્ય હિંમતસિંહ પટેલની “રાજહઠ” આગળ નમતુ જાેખ્યુ છે તથા તેમની પસંદગીના ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યા છે જેમાં સુરેશ તોમર અને જશુમતીબેનની પસંદગી સામે કાર્યકરોમાં વિરોધ જાેવા મળી રહયો છે.

કોંગ્રેસના ધારાસભ્ય સામે નારાજગી:
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ર૦૧પમાં યોજાયેલી ચુંટણીમાં બાપુનગર વિધાનસભામાં આવતા સરસપુર-રખિયાલ અને બાપુનગર વોર્ડમાં કોંગ્રેસના ફાળે ૩-૩ બેઠકો આવી હતી.

સરસપુર વોર્ડમાં શાંતાબેન પંચાલ, ગીતાબેન ઠાકોર અને તૌફીકખાન પઠાણ ચુંટણી જીત્યા હતા જયારે બાપુનગરમાં જે.ડી. પટેલ, મધુકાંતાબેન અને નીલાબેનનો વિજય થયો હતો. ર૦૧૭ની વિધાનસભા ચુંટણી સમયે આ તમામ ૬ કોર્પોરેટરો હિંમતસિંહ પટેલને ટિકિટ મળે તે માટે હાઈકમાન્ડ સમક્ષ રજુઆત કરી હતી

તથા તેમને ટિકિટ મળ્યા બાદ ચુંટણી જીતાડવા માટે પણ તમામ પ્રયાસ કર્યાં હતા જેના કારણે હિંમતસિંહ પટેલ બાપુનગર વિધાનસભાનો જંગ જીત્યા હતાં

પરંતુ મ્યુનિ.કોર્પો.ની ર૦ર૧ની ચુંટણીમાં કોઈપણ કારણ વિના સરસપુરના ત્રણ સીટીંગ કોર્પોરેટરોની બાદબાકી કરવામાં આવી છે જયારે બાપુનગરમાંથી એક માત્ર જે.ડી. પટેલને જ ટિકિટ આપવામાં આવી છે જેના માટે સ્થાનિક નેતાઓ અને કાર્યકરો ધારાસભ્ય હિંમતસિંહને દોષિત માની રહયા છે. હિંમતસિંહ પટેલે તેમના માનીતાઓને ટિકિટ અપાવવા માટે નકકર કારણો વિના જ પાંચ સીંટીગ કોર્પોરેટરોની બાદબાકી કરી હોવાની ચર્ચા ચાલી રહી છે.

મહીલા ઉમેદવાર જશુમતીબેન પરમારને કાર્યકરો “સ્કાય લેબ” ગણાવી રહયા છે અન્ય મહીલા ઉમેદવાર હેતલબેન પંચાલ શિક્ષિત અને યુવાન ચહેરો છે તેમનો પરિવાર સામાજિક અને ધાર્મિક સંસ્થા સાથે જાેડાયેલો છે જે.ડી. પટેલના નેતૃત્વમાં કોંગ્રેસે દસ વર્ષ બાદ ભાજપની પેનલ તોડી હતી તથા ત્રણ બેઠકો મળી હતી તેઓ ત્રણ દાયકાથી કોંગ્રેસ સાથે જાેડાયેલા છે. બાપુનગરમાં જે.ડી. પટેલને કોંગ્રેસનો મજબુત ચહેરો માનવામાં આવી રહયો છે.

બાપુનગરમાં ભાજપ દ્વારા અશ્વિન પેથાણીને રીપીટ કરવામાં આવ્યા છે. ર૦૧પમાં પાટીદાર આંદોલન સમયે પણ તેઓ ચૂંટણી જંગ જીત્યા હતા ભાજપના બીજા ઉમેદવાર પ્રકાશ ગુર્જર શિક્ષિત અને અનુભવી ચહેરો છે. ર૦૧રની વિધાનસભા ચૂંટણી સમયે તેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં જાેડાયા હતા.

કોંગ્રેસ સંગઠન સાથે તેઓ વર્ષોથી જાેડાયેલા હતા તથા યુવક કોંગ્રેસ પ્રદેશની ચૂંટણી જીતી શકે તેમ હતા ર૦૧રાં તેઓ ભાજપમાં જાેડાયા બાદ કોંગ્રેસે બેઠક ગુમાવી હતી તથા માત્ર ૩પ૦૦ મતથી ભાજપના ઉમેદવાર ચુંટણી જીત્યા હતા ભાજપના મહીલા ઉમેદવાર સરોજબેન સોલંકીના પતિ ભાજપમાં ત્રણ દાયકાથી સંગઠન સાથે સંકળાયેલા છે જયારે ચોથા ઉમેદવાર તરીકે જયશ્રીબેનની પસંદગી કરવામાં આવી છે.

સમસ્યા | બાપુનગર વોર્ડની મુખ્ય અને વર્ષો જુની સમસ્યા મલેકસબાન સ્ટેડીયમ છે. મ્યુનિ. કોર્પોરેશને છેલ્લા દાયકામાં સ્ટેડીયમ પાછળ રૂા.પ૦ કરોડ કરતા વધુ રકમ ખર્ચ કરી છે. તેમ છતાં સ્ટેડીયમની સ્થિતિમાં કોઈ જ ફરક પડયો નથી બાપુનગરના આનંદ ફલેટ, ઉમંગ ફલેટ, ૧૩૭ બસ સ્ટેન્ડ સહીતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા છે

આ વોર્ડમાં મોટાપાયે ગેરકાયદેસર બાંધકામો થયા હોવાથી ટ્રાફિક ભારણ વધી રહયુ છે તેમજ પાર્કીંગ અને ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. બાપુનગર વોર્ડમાં હાઉસીંગ બોર્ડના ૬ હજાર જેટલા મકાન છે જેમાં પ૦ વર્ષ જુની ડ્રેનેજ લાઈનો છે જેને બદલવા માટે માંગણી થઈ રહી છે. હાઉસીંગ બોર્ડના કોમન પ્લોેટોમાં પણ ગેરકાયદે બાંધકામ અને દબાણ થઈ ગયા હોવાની ફરીયાદ સ્થાનિક રહીશો કરી રહયા છે.

બાપુનગરમાં રાજકીય નિષ્ણાતોના મંતવ્ય મુજબ આ ચૂંટણીમાં કોંગ્રેસ ત્રણ બેઠકો જાળવી શકે તેવી શક્યતા નહીવત્‌ છે. કોંગ્રેસે ઉમેદવારોની પસંદગીમાં ભુલ કરી હોય તેમ લાગી રહયુ છે તેથી ધારાસભ્ય હિંમતસિંહ પટેલ ડોર ટુ ડોર પ્રચાર માટે ફરી રહયા છે. નિષ્ણાતોનું માનીએ તો બાપુનગરમાં પરિણામ પ૦-પ૦ રહી શકે છે.

આંકડાકીય સમીકરણ: મ્યુનિસિપલ ઈલેકશન વોર્ડ નંબર-ર૬ બાપુનગરનું ક્ષેત્રફળ માત્ર ર.પ૦ ચોરસ કીલોમીટર છે જયારે કુલ મતદારોની સંખ્યા ૯૧૦૧ર છે. જેમાં ૪૮૮૪૦ પુરુષ અને ૪ર૧૭૧ સ્ત્રી મતદારો છે. એક અન્ય મતદાર છે. ર૦૧પની ચૂંટણીમાં કોંગ્રેસના જે.ડી. પટેલને ૧૭૩૯૯, મધુકાન્તાબેન લેઉઆને ૧૭ર૩૩, નીલાબેન બારોટને ૧૬૮૧૬ મત મળ્યા હતા.

જયારે ભાજપના અશ્વિન પેથાણીને ૧૮૪૧૩ મત મળ્યા હતા. અશ્વિન પેથાણી સૌથી વધુ ર૩૦૦ મતની સરસાઈથી કોંગી ઉમેદવાર મોહનભાઈ રાજપુત સામે જીત્યા હતા જયારે કોંગ્રેસના જે.ડી. પટેલ ૧૭૦૦ મત, મધુકાન્તાબેન રપ૦૦ મત તથા નીલાબેન બારોટ ૩૬૦ મતથી ચૂંટણી જીત્યા હતા. ર૦૧પમાં ૯૧ર૧૬ મતદાર હતા

જયારે ર૦ર૧માં ૯૧૦૧ર મતદાર છે આમ નવા સીમાંકન બાદ ર૦૪ મતદારો ઘટયા છે. જ્ઞાતિ સમીકરણ મુજબ મતદારોની પ્રાપ્ત સંખ્યા પર દૃષ્ટિપાત કરીએ તો લઘુમતી સમાજના ૧૧પ૦૦, પટેલ સમાજના ૯પ૦૦, દલિત સમાજના ર૦,૦૦૦ તથા હિન્દી ભાષી મતદારોની સંખ્યા ૧૪ હજાર છે. જયારે ઓબીસી સમાજના ૩૦ હજાર મત છે. હાર-જીત માટે ઓબીસી સમાજના મતો નિર્ણાયક સાબિત થશે તેમ માનવામાં આવી રહયું છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers