૪ શિક્ષકે ઘરે-ઘરે જઈને ધો.૧-ર ના ર૧૦ વિદ્યાર્થીને અભ્યાસ કરાવ્યો
 
        प्रतिकात्मक
લીંબડીના રાણાગઢમાં ૧૬ શિક્ષકે ૩૦૬ છાત્રને ફળી શિક્ષણ આપ્યું
લીંબડી, રાણાગઢમાં ખેતી, માછીમારી, છુટક મજુરી પર જીવનનું ગાડું ચલાવતા અનેક લોકો પાસે તો સ્માર્ટફોન નહીંવત પ્રમાણમાં જાેવા મળે છે. ઓનલાઈન અભ્યાસમાં વિદ્યાર્થીને યોગ્ય શિક્ષણ નહી મળતું હોવાની વાલીઓની પીડા સમજી રાણાગઢ પ્રા.શાળા નં-૧ ના આચાર્ય ભરતભાઈ ડી. ધરજિયાના માર્ગદર્શન હેઠળ ર૦ શિક્ષકે ફળી શિક્ષણ આપવાનું નકકી કર્યું
લીંબડી તાલુકાના નળકાંઠા વિસ્તારના અંતરિયાળ રાણાગઢ ગામની પ્રાથમિક શાળા નંબર-૧માં ધો.૧-ર માં ર૦૦ અને ધો.૩ થી ૮ માં પ૧૦ વિદ્યાર્થી અભ્યાસ કરે છે. કોરોના મહામારીના ભયે શાળાઓ બંધ કરી મોબાઈલ ફોન પરઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ અનેક અંતરિયાળ ગામોમાં ઓનલાઈન શિક્ષણને જાેઈને તેટલી સફળતા મળી શકી નહી.
શિક્ષણ આપવા માટે ગામના ૬ સ્થળ પસંદ કરવામાં આવ્યા હતા પ્રા.શાળાના ૪ શિક્ષકે ધો.૧-ર ના ર૦૦ વિદ્યાર્થીને હોમ-ટુ-હોમ જયારે ૧૬ શિક્ષકે પ૧૦ છાત્રોમાંથી ૬૦ ટકા એટલે કે ૩૦૬ છાત્રને ફળી શિક્ષણ આપવાનું ભગીરથ કાર્ય શરૂ કર્યું છે.
આ અંગે પ્રા.શાળાના આચાર્ય ભરતભાઈ ધરજિયાએ જણાવ્યું હતું કે દોઢેક માસ પહેલા અમે ફળી શિક્ષણનો પ્રયોગ શરૂ કર્યો હતો. શરૂઆતમાં થોડી મુશ્કેલી પડી પરંતુ હવે બધું બરોબર ગોઠવાઈ ગયું છે. બાળકો ફરી એકવાર અભ્યાસમાં રુચિ દેખાડી રહ્યા છે. અમારા પ્રયોગ બાદ અન્ય શાળાઓએ પણ ફળી શિક્ષણ શરૂ કર્યું છે. જયા સુધી બધું રાબેતા મુજબ ન થાય ત્યાં સુધી અન્ય શાળા પણ ફળી શિક્ષણ શરૂ કરી વિદ્યાર્થીઓ સુધી જ્ઞાન પહોંચાડી શકે છે.

 
                 
                 
                