Western Times News

Gujarati News

નાણાંભીડ દૂર કરવા રાજ્યોને મદદ કરવા કોંગ્રેસની અપીલ

નવી દિલ્હી: ૨૦૧૪માં દિલ્હીની સત્તા પરથી દૂર થયેલી કોંગ્રેસ હાલ કપરા દિવસોમાંથી પસાર થઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પક્ષ હાલ ગંભીર નાણાંકીય ભીંસનો સામનો કરી રહ્યો છે. જેમાંથી બહાર આવવા માટે ટોચના નેતાઓએ જે રાજ્યોમાં કોંગ્રેસની સરકાર છે તેમને મદદ કરવા માટે કહ્યું છે.
હાલમાં જ કોંગ્રેસની કેટલાક રાજ્યોના પક્ષના વડા સાથે મિટિંગ થઈ હતી,

જેમાં પક્ષમાં ચાલી રહેલી નાણાંકીય કટોકટીનો મુદ્દો મુખ્ય બની રહ્યો હતો. જે રાજ્યોમાં હાલ કોંગ્રેસ સત્તામાં છે કે પછી સત્તામાં ભાગીદાર છે તેના નેતાઓ સાથે પક્ષના ટોચના નેતાઓએ ગયા મહિને મુલાકાત કરી હતી. જેમાં મહારાષ્ટ્ર, ઝારખંડ અને પંજાબનો સમાવેશ થાય છે. આ રાજ્યોના મંત્રીઓ તેમજ સંગઠનના હોદ્દેદારો સાથે આ અંગે ચર્ચા કરાઈ હતી.

એક તરફ એવા દાવા કરાઈ રહ્યા છે કે આ મિટિંગ રાજ્યોના પ્રમુખ તરીકે કોની નિમણૂંક કરવી તે સહિતના પક્ષના કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરવા કરાઈ હોવાના દાવા કરાઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ એવું જાણવા મળી રહ્યું છે કે આ મિટિંગમાં મોટાભાગે તો પક્ષની નાણાંકીય સ્થિતિ કઈ રીતે સુધારવામાં આવે તેના પર જ ચર્ચા કરાઈ હતી.

મિટિંગમાં ભાગ લેનારા લોકોને હાલની સ્થિતિથી માહિતગાર કરાયા હતા, અને તેમને ફંડ લાવવાની જવાબદારી લેવા પણ જણાવાયું હતું. સાથે જ પક્ષને લગતા કેટલાક મુદ્દાઓ પર પણ તેમાં ચર્ચા થઈ હતી.

કોંગ્રેસના એક નેતાએ નામ ના આપવાની શરતે જણાવ્યું હતું કે પક્ષની હાલની મિટિંગ્સમાં ફાઈનાન્સ જ મુખ્ય મુદ્દો રહ્યો હતો. થોડા જ સમયમાં કેરળ, અસમ, બંગાળ, તમિલનાડુ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીઓ આવી રહી છે. પક્ષના એક નેતાના જણાવ્યા અનુસાર, આ ચૂંટણી પક્ષની મેનેજમેન્ટની ક્ષમતાની પરીક્ષા લેશે, જેને ધ્યાનમાં રાખીને જ હાલ ફંડ ઉભું કરવા માટે કવાયત કરાઈ રહી છે.

કોંગ્રેસે ૨૦૧૪માં સત્તા ગુમાવી ત્યારથી તેને મળી રહેલા ફંડમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યોમાં ભાજપની સરકારો બની રહી છે ત્યારે કોંગ્રેસ હાલ પંજાબ, રાજસ્થાન અને છત્તીસગઢ પૂરતી મર્યાદિત રહી ગઈ છે, પુડુચેરીમાં તેની સરકાર ઘરભેગી થવાની તૈયારીમાં છે. તે મહારાષ્ટ્ર અને ઝારખંડ જેવા રાજ્યોમાં સત્તામાં ભાગીદાર છે,

પરંતુ આ રાજ્યોમાં શિવસેના, એનસીપી તેમજ ઝારખંડ મુક્તિ મોરચા જેવા પક્ષો લીડ રોલમાં છે. કોઈપણ રાજકીય પક્ષને ખાનગી સંસ્થા કે વ્યક્તિ પાસેથી મળતું ડોનેશન તેની કેટલી સત્તા અને ક્ષમતા છે તેના પર આધારિત છે. કોંગ્રેસની સત્તા સતત સંકોચાઈ રહી છે ત્યારે હવે પક્ષ પોતાના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિને ફાળો આપવા માટે કહે તેવી પણ શક્યતા છે.

૨૦૧૨-૧૩થી ૨૦૧૮-૧૯ના ગાળામાં રાજકીય પક્ષોને મળેલા કોર્પોરેટ ડોનેશનમાં ભાજપને સૌથી વધુ ૨૩૧૯.૪૯ કરોડ રુપિયા પ્રાપ્ત થયા હતા, જ્યારે કોંગ્રેસને મળેલા કોર્પોરેટ ડોનેશનનો આંકડો ૩૭૬.૦૨ કરોડ થાય છે. એનસીપીને આ જ ગાળામાં ૬૯.૮૧ કરોડ, એઆઈટીસીને ૪૫.૦૨ કરોડ અને સીપીએમને ૭.૫૦ કરોડ રુપિયા પ્રાપ્ત થયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.