Western Times News

Gujarati News

સરકારી નોકરી અપાવવાના બહાને મહિલા વકીલ સાથે ઠગાઈ

અમદાવાદ, સારી નોકરી મેળવવાની ઈચ્છા દરેક વ્યક્તિ રાખે છે. જાે કે, ક્યારેક આ જ ઈચ્છા નુકસાન તરફ દોરી જાય છે. અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં મહિલા વકીલ સાથે પણ કંઈક આવું જ બન્યું છે. સચિવાલયમાં નોકરી અપાવાના બહાને ઠગ ટોળકીએ મહિલા વકીલ પાસેથી ૩ લાખ રૂપિયા પડાવી લીધા હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

અમારી પાસે રાજકીય વગ અને સારી ઓળખાણ છે તેમ કહીને મહિલા વકીલને વિશ્વાસમાં લઈને કોલ લેટર આવી ગયો છે તેમ કહી છેતરપિંડી કરી હતી.

સમગ્ર ઘટનાની વિગતે વાત કરીએ તો, ડભોઈમાં રહેતી યોગેશ્વરી ગાંગુરડેરિયાએ અશ્વિન શાહ, કિશન યાદવ, રવિ પટેલ વિરુદ્ધ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર યોગેશ્વરી હાલ વડોદરા ખાતે વકીલાતની પ્રેક્ટિસ કરે છે.

બે વર્ષ પહેલા યુવતી મોડાસામાં કોર્ટમાં વકીલાત કરતી હતી ત્યારે કોર્ટની બાજુમાં ૧૮૧ અભયમની ઓફિસમાં કામ રહેતું હતું. જેથી તે અવારનવાર ત્યાં જતી હતી. એ સમયે નવા નરોડામાં રહેતા રવિ પટેલ સાથે યોગેશ્વરીની ઓળખાણ થઈ હતી.

આ દરમિયાન યોગેશ્વરીને ચેરિટી કમિશનરની પરીક્ષા આપવાની હતી, જેની તૈયારી એ કરતી હતી. આ વાતની જાણ રવિને થતાં તેણે યોગેશ્વરીને કહ્યું કે, મારો એક મિત્ર કિશન યાદવ છે, જે સારી રાજકીય વગ ધરાવે છે અને સચિવાલયમાં ઓળખાણ છે. તેથી અમે તને નોકરીનું સેટિંગ કરી આપીશું.

ત્યારબાદ રવિએ કિશન સાથે તેની ઓફિસમાં યોગેશ્વરીની મુલાકાત કરાવી હતી કિશન યાદવે યોગેશ્વરી પાસે તેના તમામ દસ્તાવેજ માગ્યા હતા અને કહ્યું હતું કે ૮ લાખ રૂપિયાનો ખર્ચ થશે. કિશને આમ કહેતાં તે આપવા માટે તૈયાર થઈ હતી. નક્કી કર્યા મુજબ યોગેશ્વરીએ ૧ લાખ રૂપિયા એડવાન્સ આપ્યા હતા.

થોડા દિવસ બાદ કિશને યુવતીને કહ્યું કે, તમારો કોલ લેટર આવી ગયો છે. જેથી બાકીના રૂપિયા લેતા આવો. કિશને આમ કહેતા યોગેશ્વરીએ કહ્યું કે, હાલ મારી પાસે આટલા બધા રૂપિયા નથી. જાે કે, બાદમાં યોગેશ્વરીએ બીજા બે લાખ રૂપિયા કિશનને આપ્યા હતા. કિશને યોગેશ્વરીને કહ્યું કે, ગાંધીનગરમાં મહેસૂલ અઘિકારી મુકેશ પટેલને મળવાનું જણાવ્યું. ત્યાંથી ઓર્ડર મળી જશે તેમ કહી વિશ્વાસ અપાવ્યો હતો.

યોગેશ્વરીને સચિવાલય લઈ ગયા બાદ કિશને ત્યાં બેસાડી રાખી હતી. થોડીવાર બાદ મુકેશભાઈ મીટિંગમાં છે અને ઘરે કોલ લેટર મોકલી આપીશ તેમ કિશને જણાવ્યું હતું. ત્યારબાદ યોગેશ્વરીએ અવારનવાર ફોન કરીને કિશનને કોલ લેટર વિશે પૂછ્યું હતું પરંતુ કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહોતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.