Western Times News

Gujarati News

નવસારી નજીક ઉનાઈમાં સૌથી ગરમ રહેતા પાણીનો ઝરો શોધાયો

પ્રતિકાત્મક

આ ઝરો ધોલેરામાં છે તેના કરતાં ગરમ છે, આ પ્રકારની જીયોથર્મલ સંપત્તિ વિદ્યુત ઉત્પાદનમાં ઉપયોગી થઈ શકે

અમદાવાદ, પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીના સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર જીયોથર્મલ એનર્જી (સીઈજીઈ)ના રિસર્ચરોની ટીમનો દાવો છે તેમણે ઉનાઈમાં સૌથી વધુ ગરમ રહેતા પાણીનો ઝરો શોધ્યો છે. ઉનાઈ નવસારીથી ૫૬ કિલોમીટરના અંતરે આવેલું છે.

ઉનાઈના આ ઝરાનું સરેરાશ કુદરતી તાપમાન ૭૦ ડિગ્રી સેલ્સિઅસ છે અને જીઓથર્મલ એનર્જી ઉત્પાદિત કરવાની ક્ષમતાસભર સાઈટ બની શકે છે, તેમ ટીમનું કહેવું છે. સીઈજીઈના હેડ અનિરબિદ સિરકારેના કહેવા અનુસાર સેન્ટર વધુ તપાસ માટે આ સ્થળે ૫૦૦ મીટરની ઊંડાઈનો કૂવો ખોદવાની તૈયારી કરી રહ્યું છે. આ જે ઝરો અમને મળ્યો છે તે ધોલેરામાં જે છે તેના કરતાં પણ ગરમ છે.

આ પરિણામ ખૂબ જ ઉપયોગી છે કારણકે આ પ્રકારની જીયોથર્મલ સંપત્તિ વિદ્યુત ઉત્પાદનમાં ઉપયોગી થઈ શકે છે. ખાસ કરીને ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારો કે જ્યાં નેશનલ ઈલેક્ટ્રિસિટી ગ્રીડનું કનેક્શન નથી પહોંચી શકતું ત્યાં વીજળી પહોંચાડવામાં મદદ મળી શકે છે. સીઈજીઈ ઓર્ગેનિક રેનકાઈન સાઈકલ પણ તૈયાર કરી રહ્યું છે જેથી વીજળી ઉત્પન્ન કરી શકાય”, તેમ તેમણે ઉમેર્યું.

આ પ્રોજેક્ટ પર કામ કરી રહેલા અન્ય રિસર્ચર છે કીર્તિ યાદવ અને નમ્રતા બિષ્ટ. ડૉ. કીર્તિ યાદવે કહ્યું, ઉનાઈ ખાતે ફૂડ ડ્રાઈંગ કરી શકાય તેવી કોઈ સંભાવના છે કે નહીં તેની પણ અમે ચકાસણી કરી રહ્યા છીએ. સીઝનલ ધાન્ય, શાક અથવા ફળના ૩૦ કિલોના જથ્થાને સૂકવીને લાંબો સમય સુધી સાચવી શકાય છે. આનાથી ખેડૂતોને પણ ફાયદો થશે.

પાકની લણણી કર્યાના લાંબા સમય પછી પણ તેઓ ઉત્પાદન વેચી શકે છે. સિરકારના કહેવા અનુસાર, સીઈજીઈ ગુજરાતના જીયોથર્મલ એટલાસ પર કામ કરી રહ્યું છે. રાજ્યમાં અત્યારે ઓળખ પામેલા લગભગ ૧૭ ગરમ પાણીના ઝરા છે. જેમાં લસુન્દ્રા, તુવા, કાવી, તુલસીશ્યામ, લાલપુર વગેરેનો સમાવેશ થાય છે.

આ સ્થળોએ અલગ-અલગ ગુણવત્તા અને તાપમાનના ગરમ પાણીના ઝરા છે. સીઈજીઈના એટલાસમાં દરેક ગરમ પાણીના ઝરાના મુખ્ય લક્ષણો, જેવા કે સપાટીનું તાપમાન, જળાશયનું તાપમાન, થર્મલ ગ્રેડિએન્ટ (તેની માત્રા) અને પાણીની જીયોકેમેસ્ટ્રી દર્શાવાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.