Western Times News

Gujarati News

સાઉદી અરેબિયામાં મહિલાઓ હવે સેના સામેલ થઈ શકશે

પ્રતિકાત્મક

સરકારે મહિલાઓ સેનાના ત્રણેય પાંખ એટલે કે, આર્મી, એરફોર્સ, નેવીમાં સામેલ થઈ શકશે તેવી જાહેરાત કરી

રિયાધ, સાઉદી અરેબિયાની મહિલાઓ હવે સેનામાં પણ સામેલ થઈ શકશે. પોતાની કટ્ટરવાદી છબિ બદલવાના પ્રયત્નમાં લાગેલી સરકારે મહિલાઓ સેનાના ત્રણેય અંગ એટલે કે, આર્મી, એરફોર્સ અને નેવીમાં સામેલ થઈ શકશે તેવી જાહેરાત કરી હતી.

સંરક્ષણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન પ્રમાણે મહિલાઓ હવે સેનાનો હિસ્સો બનવા આઝાદ છે અને તેઓ વિભિન્ન પદો માટે અરજી કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડા સમયમાં સાઉદી સરકારે પોતાની કટ્ટર છબિ બદલવા અનેક પગલા ભર્યા છે.

સાઉદી અરેબિયાના સંરક્ષણ મંત્રાલયના અહેવાલ પ્રમાણે મહિલાઓ સૈનિક, લાન્સ નાયક, નાયક, સાર્જન્ટ અને સ્ટાફ સાર્જન્ટના પદ માટે અરજી કરી શકે છે. સાઉદી અરેબિયાએ આ પગલું ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના વિઝન ૨૦૩૦ અંતર્ગત ઉઠાવ્યું હોવાનું માનવામાં આવે છે. ક્રાઉન પ્રિન્સ મહિલાઓને વિભિન્ન ક્ષેત્રોમાં આગળ વધારવા સુધારાઓને અંજામ આપી રહ્યા છે.

આરબ ન્યૂઝના અહેવાલ પ્રમાણે મહિલાઓએ સેનામાં સામેલ થવા માટે ઉંમર અને લંબાઈ સંબંધી માપદંડો પૂરા કરવા પડશે. જે મહિલાઓએ શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું હોય તેઓ જ અરજી કરી શકશે. વિદેશી પુરૂષો સાથે લગ્ન કરનારી મહિલાઓને સેનામાં સામેલ નહીં કરવામાં આવે. મહિલાઓએ એડમિશન પ્રક્રિયા પાસ કરવી પડશે અને તેઓ કોઈ ગુનાહિત રેકોર્ડ ધરાવતી હશે તો અરજી રદ્દ થઈ જશે.

સાઉદી સરકારે સૌથી પહેલા ૨૦૧૯માં મહિલાઓને સેનામાં ભરતી કરવાની આ યોજનાની જાહેરાત કરી હતી. તેના એક વર્ષ પહેલા ૨૦૧૮માં સરકારે મહિલાઓને ડ્રાઈવિંગનો અધિકાર આપ્યો હતો. જાે કે એ વાત અલગ છે કે, આ અધિકાર માટે અવાજ ઉઠાવનારી એક્ટિવિસ્ટ લુજૈન અલ-હથલૌલને ૬ વર્ષની સજા ફટકારાઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.