Western Times News

Gujarati News

શબનમની ફાંસી ટળી, કોર્ટે ડેથ વોરન્ટ જારી કરવાનો કરી દીધો ઈન્કાર

મથુરા: મથુરા જેલમાં શબનમને ફાંસી આપવા માટે તમામ તૈયારીઓ પૂરી થઈ છે પરંતુ શબનમનું ડેથ વોરન્ટ જારી ન થવાને કારણે તેની ફાંસી ટળી છે.

સરકારી વકીલે મથુરા જિલ્લા જજ કોર્ટમાં શબનમના ડેથ વોરન્ટની માગ કરી હતી પરંતુ કોર્ટે રાજ્યપાલ પાસે દયા અરજી પેન્ડીંગ હોવાનું કારણ જણાવીને ડેથ વોરન્ટ જારી કરવાનો ઈન્કાર કરી દીધો હતો.

બુલંદશહેરમાં પોતાના દત્તક માતાપિતા સાથે રહેતા શબનમના ૧૩ વર્ષીય પુત્ર તાજે એવી ઈચ્છા વ્યક્ત કરી કે રાષ્ટ્રપતિ તેની માતાની ફાંસીની સજા માફ કરી દે. શબનમના પુત્રે કહ્યું કે મારી રાષ્ટ્રપતિ અંકલને અપીલ છે કે મારી માતાને માફ કરો, હું તેને ખૂબ પ્રેમ કરુ છું. તાજને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેને લાગે છે કે રાષ્ટ્રપતિ ફાંસીની સજા માફ કરશે, ત્યારે તેણે અત્યંત ભોળાભાવે જવાબ આપ્યો કે બાળકોની વાત મોટા માની લેતા હોય છે, રાષ્ટ્રપતિ અંકલ મારુ કહ્યું માનશે.

પ્રેમી સાથે મળીને પોતાના જ પરિવારના સાત સભ્યોની દર્દનાક હત્યા કરનારી શબનમ આઝાદ ભારતની પહેલી મહિલા બનશે કે જેને ફાંસી આપવામાં આવશે. બુલંદ શહેરના એક દંપતિએ માણસાઇ બતાવતા શબનમના તે દિકરાને અપનાવ્યો જેને કોઇ દત્તક લેવા પણ નહોતુ ઇચ્છતું. જેલમાં પેદા થયેલા શબનમના દિકરાને આ દંપતિ ઉછેરી રહ્યું છે. શબનમનો દિકરો છઠ્ઠા ધોરણમાં ભણે છે અને આ દંપતિને બાળક છોટી મમ્મી-પપ્પા કહે છે.

૧૩ ડિસેમ્બર ૨૦૦૮ના રોજ શબનમે મુરાદાબાદની એક જેલમાં દિકરાને જન્મ આપ્યો જેને બુલંદશહેરમા દંપતિએ ખોળે લીધો છે. સુત્રો અનુસાર રામપુર જેલમાં બંધ શબનમને મળાવવા લઇ ગયા ત્યારે શબનમે દિકરાને જાેયો અને તેને ગળે લગાડીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી હતી. શબનમ તેના દિકરાને વારે ઘડીયે એક જ વાત કહી રહી હતી કે ભણીગણીને મોટો માણસ બનજે. હું એક ખરાબ માતા છુ મને ક્યારેય યાદ ન કરતો.

દંપતિના કહ્યા અનુસાર, તેને પોતાની મોતનો અહેસાસ થઇ ગયો હતો. જેલથી પરત ફરતી વખતે દંપતિને બાળક સતત પૂછી રહ્યો હતો કે મોટી મમ્મી કેમ રડી રહી હતી. મને કેમ વારે ઘડીયે ચૂમી રહી હતી. એવુ કેમ કહી રહી હતી કે ભણીગણીને મોટો માણસ બનજે. દંપતિએ કહ્યું કે ફાંસીની તારીખ નક્કી થઇ જશે બાદમાં બાળકને તેની માતાને મળવા છેલ્લી વાર લઇ જવામાં આવશે.

શબનમનો દિકરો ૬ વર્ષ ૭ મહિના અને ૨૧ દિવસ સુધી તેની સાથે જેલમાં રહ્યો હતો. બાળ કલ્યાણ સમિતિએ બાળકને સારા સંસ્કાર અને શિક્ષણ મળે તે માટે ૩૦ જુલાઇ ૨૦૧૫ના રોજ તેને બુલંદશહેરના એક દંપતિને આપી દીધો હતો. ત્યારથી આ બાળક તે પરિવારનો હિસ્સો છે. શબનમ યુપીના અમરોહા જિલ્લાની રહેવાસી છે. તેણે પોતાના પ્રેમી સલીમ સાથે મળીને માતા-પિતા સહિત સાત લોકોને કુહાડીથી કાપી નાંખ્યા હતા અને તેમની હત્યા કરી દીધી હતી. આ ઘટનાને ૧૪ અને ૧૫ એપ્રિલ ૨૦૦૮ની રાત્રે અંજામ આપવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.