Western Times News

Latest News from Gujarat

અસ્પૃશ્યતાનો ડંખ….ગામમાં આવેલ જાન પર પથ્થરમારો કરી હલકી માનસિકતાનું પ્રદર્શન

અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં છેલ્લા ઘણા સમય થી જાતિગત ભેદભાવની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે અનુ.જાતિના લગ્નપ્રસંગે નીકળતા વરઘોડામાં બબાલો થઈ રહી છે કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં તો અસામાજિક તત્વોના ડર થી અનુ.જાતિના લોકો પોલીસ બંદોબસ્ત વચ્ચે ભય ના ઓથાર નીચે થરથરતા વરઘોડા નીકળી રહ્યા છે .

અનુ.જાતિ સમાજના યુવક-યુવતીઓના વરઘોડા અટકાવી તેમના પર હુમલો કરતા અસામાજીક તત્વો બેખોફ બન્યા છે સમરસતાના બણગા ફૂંકતી ભાજપ સરકારમાં વરઘોડા પર સતત થઇ રહેલા હુમલાના પગલે સમગ્ર દેશમાં જીલ્લા સહીત રાજ્યની છબી ખરડાઈ રહી છે.

હજુ તો નાંદીસણ ગામે યુવતીના લગ્નમાં તેના ભાઈએ રજવાડી સાફો બંધાતા વરઘોડો અટકાવતા યુવતીએ ચાલતા ઘરે પરત ફરવું પડ્યું હોવાની ઘટનાની શાહી સુકાઈ નથી ત્યારે વધુ એક ઘટના બહાર આવતા ચકચાર મચી છે

બાયડ તાલુકાના લીંબ ગામે કપડવંજથી આવેલ અનુ.જાતિ સમાજના યુવકની જાનમાં કેટલાક યુવકોએ માથે સાફો બાંધ્યો હોવાથી અને ડીજે વાગતા ગામમાં રહેતા અને જાતીગત માનસીકતાથી પીડાતા કેટલાક અસામાજીક તત્વોએ જાન પર પથ્થરમારો કરતા ભારે નાસભાગ મચી હતી.

એકાએક થયેલ પથ્થરમારાની ઘટનાના પગલે જાનૈયાઓ જીવ બચવવા દોડાદોડી કરી મૂકી હતી યુવતીના પરિવારજનો અનુ.જાતિ સમાજના અગ્રણીઓ અસામાજીક તત્વોને કહેવા જતા તેમની સાથે પણ મારઝૂડ કરી તમારે હવે થી માથે ફેંટો બાંધવો નહીં અને ડીજે વગાડવું નહીં.

કહીં જાતિ પ્રત્યે અપમાનજનક શબ્દ પ્રયોગ કરતા ભારે ચકચાર મચી હતી લીંબ ગામે જાન પર પથ્થર મારો થયો હોવાની જાણ આંબલીયારા પોલીસને થતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી સ્થિતી પર કાબુ મેળવ્યો હતો

ઘટનાની ગંભીરતાના પગલે જીલ્લા પોલીસવડા સંજય ખરાતને જાણ કરતા તાબડતોડ ડીવાયએસપી ભરત બસીયા અને એસ.સી-એસટી સેલના ડીવાયએસપી વિશાલ રબારી સહીત મોટી સંખ્યામાં પોલીસ કાફલો લીંબ ગામે ખડકી દીધો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં લગ્નપ્રસંગ પૂર્ણ કરી જાનને પોલીસ રક્ષણ પુરુ પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

જો કે થોડા દિવસો અગાઉ પણ અનુ.જાતિ સમાજના યુવકના વરઘોડામાં અસામાજીક તત્ત્વોએ હુમલો કર્યો હતો અને મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ અસામાજીક તત્ત્વોના ડરના પગલે સમાધાન કરી લેતા બેખોફ બનેલા અસામાજીક તત્ત્વોએ લીંબ ગામે દલીત યુવતીને પરણવા આવેલ જાન પર હુમલો કરી દીધો હતો આંબલીયારા પોલીસે યુવતીના ભાઈની ફરિયાદના આધારે ૯ શખ્સો અને ટોળા સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી પોલીસ તૈનાત કરી દીધી છે

લીંબ ગામે મણીલાલ બાલાભાઈ પરમારની દીકરીના લગ્ન હોવાથી મંગળવારે કપડવંજના તેલનાર ગામેથી યુવક જાન લઈ ભારે ઉલ્લાસ પૂર્વક લીંબ ગામે પહોંચ્યો હતો ગામના બસ સ્ટેન્ડ નજીક રાસ ગરબા ચાલતા હતા ત્યારે અચાનક તેમના પર પથ્થરમારો શરૂ થતા ભારે નાસભાગ મચી હતી.

યુવતીના પરિવારજનોને જાન પર ગામના કેટલાક અસામાજીક તત્વોએ પથ્થર મારો કર્યો હોવાની જાણ થતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચ્યા હતા પથ્થારમારો કરી રહેલા લોકોને પથ્થરમારો ન કરવાનું કહેતા સંજયસિંહ બેચરસિંહ ચૌહાણ,શૈલેશસિંહ દેવુસિંહ ચૌહાણ,હિતેશ સિંહ બકુસિંહ ચૌહાણ, પ્રવિણસિંહ ધુળસિંહ ચૌહાણ, સંજયસિંહ ઝિંદુસિંહ ચૌહાણ,યુવરાજસિંહ પ્રતાપસિંહ ચૌહાણ,ઈંદ્રરાજસિંહ બહેચરસિંહ ચૌહાણ, વિજયસીંહ  ભારતસિંહ ચૌહાણ,માનસિંહ અદેસિંહ ચૌહાણ અને ટોળામાં રહેલા શખ્સોએ યુવતીના પરિવારજનો સાથે મારઝૂડ કરી જાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો બોલી હવે કોઈ પણ માથે ફેંટો બાંધશો કે પછી ડીજે કે બેન્ડ વગાડશો.

તો જાનથી મારી નાખવાની ખુલ્લેઆમ ચીમકી આપતા અનુ.જાતિ સમાજના લોકો ફફડી ઉઠ્યા હતા લીંબ ગામે જાનૈયાઓ પર હુમલો થતા તાબડતોડ પોલીસ પહોંચી સ્થીતી પર કાબુ મેળવ્યો હતો મંગળવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યુવતીના લગ્ન પ્રસંગમાં ખડેપગે પોલીસ ઉભી રહી હતી લગ્નપ્રસંગ પૂર્ણ થતા જાન પરત મોકલ્યા પછી મંગળવારે સાંજે ફરિયાદ નોંધવા તજવીજ હાથધરી રાત્રે ફરિયાદ નોંધી હતી.

આંબલરીયા પોલીસે લીંબ ગામના હર્ષવર્ધન લવજીભાઈ પરમારની ફરિયાદના આધારે સંજયસિંહ બેચરસિંહ ચૌહાણ,શૈલેશસિંહ દેવુસિંહ ચૌહાણ,હિતેશ સિંહ બકુસિંહ ચૌહાણ,પ્રવિણસિંહ ધુળસિંહ ચૌહાણ,સંજયસિંહ ઝિંદુસિંહ ચૌહાણ,યુવરાજસિંહ પ્રતાપસિંહ ચૌહાણ, ઈંદ્રરાજસિંહ બહેચરસિંહ ચૌહાણ, વિજયસીંહ ભારતસિંહ ચૌહાણ, માનસિંહ અદેસિંહ ચૌહાણ અને ટોળા વિરુદ્ધ એટ્રોસીટીનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી લીંબ ગામે જાન પર થયેલ હુમલાની તપાસ એસસી એસટી સેલના ડીવાયએસપી વિશાલ રબારીને સોંપતા જાન પર હુમલો કરનાર શખ્સોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers