Western Times News

Gujarati News

કારમાંથી મળેલા પત્રમાં વિસ્ફોટક મૂકવાને ટ્રેલર ગણાવ્યું

Files Photo

મુંબઈ: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સીઈઓ મુકેશ અંબાણીના ઘરની પાસેથી વિસ્ફોટકોથી ભરેલી જે અજ્ઞાત કાર મળી હતી, તે ચોરીની હતી. કારની અંદરથી એક બેગ મળી, જેના પર ‘મુંબઈ ઈન્ડિયન્સ’ લખેલું હતું. એક ચિઠ્ઠી પણ મળી છે, જેમાં અંબાણીને ધમકી આપવામાં આવી હતી. તૂટેલા-ફૂટેલા અંગ્રેજીમાં લખેલા આ પત્રમાં મુકેશ અને નીતા અંબાણીનો ઉલ્લેખ કરાયેલો છે.

ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ, મુકેશ અંબાણીના ઘરની બહારથી મળી આવેલી અજ્ઞાત કારમાંથી વિસ્ફોટકો મળી આવ્યા હતા. આ વિસ્ફોટકોની સાથે જ અંગ્રેજીમાં ધમકી સાથેનો એક પત્ર હતો, જેમાં મુકેશ અને નીતા અંબાણીના નામનો ઉલ્લેખ છે. આ પત્રમાં વિસ્ફોટકોને પ્લાન્ટ કરવાની વાતને ‘ટ્રેલર’ તરીકે દર્શાવાયું છે અને બાદમાં સમગ્ર પરિવારની હત્યા માટે વધારે તૈયારીઓ સાથે પાછા ફરશે તેવી ધમકી આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે દેશના સૌથી ધનિક બિઝનેસમેનના ઘરની બહાર વિસ્ફોટકો મળી આવતા મુંબઈ પોલીસ દોડતી થઈ ગઈ હતી. મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખ અનુસાર, મામલાની તપાસ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.

એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ ઉપરાંત ગુપ્ત એજન્સીઓ પણ આ કૃત્ય પાછળ કોણ છે તેની તપાસમાં લાગી રહી છે. મુંબઈના તમામ ચેકપોસ્ટ એલર્ટ પર છે અને અહીંથી પસાર થતી કારોની તપાસ કરવામાં આવી રહી છે. બોમ્બ સ્ક્વોડ અજ્ઞાત કારને પોતાના કબજામાં લઈ લીધી છે. મુકેશ અંબાણીના રેસિડન્સ આસપાસના વિસ્તારની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

પોલીસે આસપાસમાં લાગેલા સીસીટીવી ફુટેજની તપાસ કરી રહી છે. કાર પર જે નંબર પ્લેટ લાગેલી હતી, તેનો નંબર અંબાણીના ઘરમાં ઉપયોગ થઈ રહેલી કાર સાથે મળતો હોવાનું કહેવાઈ રહ્યું છે. અંબાણીના સુરક્ષાકર્મીઓને આ કારણે જ શંકા ગઈ, જે બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.