Western Times News

Gujarati News

દેશમાં ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૬,૪૮૮ કેસ નોંધાયા

નવીદિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૬,૪૮૮ કેસ નોંધાયા છે. બીજી તરફ ૧૨,૭૭૧ લોકો સાજા થયા છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી કુલ ૧૧૩ દર્દીનાં મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો ૧,૧૦,૭૯,૯૭૯ થયો છે. દેશમાં ૧,૦૭,૬૩,૪૫૧ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. હાલ દેશમાં ૧,૫૯,૫૯૦ સક્રિય કેસ છે. કોરોનાથી અત્યારસુધી દેશમાં કુલ ૧,૫૬,૯૩૮ લોકોનાં મોત થયા છે.ઉલ્લેખનીય છે કે હાલ દેશમાં હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટ વૉરિયર્સને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. પહેલી માર્ચ, ૨૦૨૧થી બીજાે તબક્કો પણ શરૂ થશે. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે દેશમાં અત્યારસુધી કુલ ૧,૪૨,૪૨,૫૪૭ લોકોને રસી આપવામાં આવી ચૂકી છે.

ભારતમાં સોમવારથી કોરોના વેક્સીનનો બીજાે તબક્કો શરૂ થશે. આ તબક્કામાં ૧૦ કરોડ લોકોને વેક્સીન આપવાનું લક્ષ્ય છે. ૧ માર્ચથી ૧૦,૦૦૦ સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રો અને ૧૨,૦૦૦ ખાનગી કેન્દ્ર પરથી વેક્સીનેશનની કામગીરી શરૂ થશે. આગામી બે દિવસ સુધી સ્વાસ્થ્ય કર્મચારીઓ અને બીજા સ્ટાફને વેક્સીન લગાવવાની તાલિમ આપવાનું કામ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ૧૬મી જાન્યુઆરીના રોજ પીએમ નરેન્દ્ર મોદીએ કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત કરાવી હતી.

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી મળેલી માહિતી પ્રમાણે આ શનિવાર તેમજ રવિવારે (૨૭-૨૮ ફેબ્રુઆરી) ‘કો-વિન’ ડિજિટલ પ્લેટફોર્મને ‘કો-વિન ૧.૦’થી ‘કો-વિન ૨.૦’માં બદલવામાં આવશે. આથી આ બે દિવસ રસીકરણનું આયોજન નહીં કરવામાં આવે. તમામ રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોને આ અંગે જાણકારી આપી દેવામાં આવી છે.

બીજા તબક્કામાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકો તેમજ કોઈ બીમારીથી પીડિત હોય તેવા ૪૫ વર્ષથી વધુ ઉંમરના લોકોને કોવિડ-૧૯ની રસી આપવામાં આવશે. ૪૫ વર્ષથી વધુ ઉંમરના તેમજ સંવેદનશીલ બીમારીથી પીડિત લોકોને આ તબક્કામાં રસીકરણમાં શામેલ કરાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યુ કે, તમામ રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોને બદલાવ અંગે પહેલાથી જ સૂચના આપી દેવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.