Western Times News

Gujarati News

ઓવરસ્પીડ ટ્રક પલટતાં ૨૨ શ્રમિકો દબાયા, ૬નાં કરૂણ મોત

કાનપુર: ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં એક મોટી માર્ગ દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. આ દુર્ઘટનામાં ૬ લોકોનાં દર્દનાક મોત થયા છે. અનેક લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. બીજી તરફ આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ છે. સૂચના બાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે લાશોને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. સાથોસાથ ઘાયલોને હૉસ્પિટલમાં દાખલ કરાવ્યા છે.

મળતી માહિતી મુજબ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. મળતી માહિતી મુજબ, આ મામલો કાનપુર ગ્રામ્યના ભોગનીપુર પોલીસ સ્ટેશનની હદનો છે. કહેવામાં આવી રહ્યું છે કે હાઇવે પર એક ઓવરસ્પીડ ટ્રક અનિયંત્રિત થઈને પલટી ગઈ. જેના કારણે ટ્રકમાં સવાર ૨૨ લોકો નીચે દબાઈ ગયા. આ દુર્ઘટનામાં ૬ લોકોનાં કરૂણ મોત થયા છે. બીજી તરફ અન્ય ૧૬ શ્રમિકોને ખૂબ જ મહેનત બાદ બહાર કાઢવામાં આવ્યા છે.

તેમાંથી ૮ શ્રમિકોને ગંભીર ઈજાઓ થઈ છે, જે પૈકી એકની હાલત નાજુક હોવાનું કહેવાય છે. અન્ય ૮ શ્રમિકોને સામાન્ય ઈજાઓ થઈ છે, જેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ પરિજનોની પાસે લઈ જવામાં આવ્યા છે. ટ્રકમાં સવાર મહિલા શ્રમિક શ્યામા દેવીએ જણાવ્યું કે આ તમામ શ્રમિક હમીરપુર જિલ્લાના રહેવાસી છે જે ઈટાવા તરફ જઈ રહ્યા હતા. આ તમામે ઈટાવામાં કોલસાને લગતું કામ મળ્યું હતું જેના માટે તેઓ હમીરપુરથી રવાના થયા હતા. એક મહિલાના જણાવ્યા અનુસાર, ટ્રક ચાલક મોટા અવાજે ગીતો વગાડી રહ્યો હતો અને વાહન ખૂબ જ ખરાબ રીતે ચલાવી રહ્યો હતો. તેને કારણે ટ્રોલી પલટી ગઈ. આ દુર્ઘટનામાં મરનાર લોકોમાં માસૂમ બાળકો પણ સામેલ છે.

બીજી તરફ, દુર્ઘટના સર્જાતાં જ ઘટનાસ્થળે લોકોએ બચાવવા માટે બૂમો પાડવા લાગી. હાઇવે પરથી પસાર થઈ રહેલા વાહન ચાલકોએ તાત્કાલિક પોતાના વાહનો રોકીને ફસાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયાસ શરૂ કર્યો.

સાથોસાથ મામલાની સૂચના ભોગનીપુર પોલીસ સ્ટેશનને આપી. ઘટના અંગે સૂચના મળતાં જ ભોગનીપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો અને ઉચ્ચ અધિકારીઓને પણ ઘટના અંગે જાણ કરવામાં આવી. આ દુર્ઘટનામાં ઘાયલોને પ્રાથમિક ઉપચાર માટે પુખરાયાના કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં મોકલવામાં આવ્યા, જ્યાંથી તેમને કાનપુર ગ્રામ્યની માતી જિલ્લા હૉસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.