Western Times News

Gujarati News

ચૂંટણી બાદ માસ્કના નિયમના ઉલ્લંઘનના કેસો ૮૦% વધ્યા

File Photo

અમદાવાદ: સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થતા જ પોલીસ માસ્કના નિયમનું ઉલ્લંઘન કરનારા પર કડક બની છે. શહેર પોલીસના કહેવા મુજબ, શહેરમાં મનપાની ચૂંટણી પૂરી થયા બાદ માસ્કના નિયમના ઉલ્લંઘન મામલે કરાતા દંડોમાં ૮૦ ટકા સુધીનો વધારો થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ૪૮ વોર્ડ માટે ૨૧મી ફેબ્રુઆરીએ યોજાયેલી ચૂંટણીમાં શહેર પોલીસે માત્ર માસ્કના ઉલ્લંઘન મામલે ૪ લોકોને દંડ ફટકાર્યો હતો.

કોરોનાની મહામારી અને લોકડાઉન બાદ આ કદાચ પહેલીવાર હશે કે આટલી ઓછી સંખ્યામાં માસ્ક ઉલ્લંઘનના કેસો સામે આવ્યા છે. જાેકે ચૂંટણી પૂરી થયા બાદ પોલીસ દ્વારા માસ્કના ઉલ્લંઘનના મામલે કરાતા દંડના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ૨૩મી ફેબ્રુઆરીએ જ્યારે મહાનગર પાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થયું તે દિવસે પોલીસે ૨૨ લોકોને દંડ કર્યો હતો, આ બાદ તે સંખ્યામાં સતત વધારો થતો રહ્યો.

રવિવારે, શહેર પોલીસે ૩૨૭ લોકોના માસ્કના ઉલ્લંઘન મામલે દંડ ફટકાર્યો હતો. પોલીસ અધિકારીએ કહ્યું કે, જ્યારે ચૂંટણીની જાહેરાત થઈ ત્યારે તેમને માસ્કના ઉલ્લંઘન મામલે ઓછા કેસો નોંધવા કહેવાયું હતું. રાજ્યમાં ચૂંટણીની જાહેરાત થઈ તે બાદ સ્પષ્ટ રીતે દેખાય તેમ માસ્કના ઉલ્લંઘન માટે દંડના કેસો ઘટ્યા છે. ૨૩મી જાન્યુઆરીએ જ્યારે સ્થાનિક ચૂંટણીની જાહેરાત કરાઈ હતી, ત્યારે પોલીસે ૨૧૮૭ લોકોને દંડ કર્યો હતો, જે ૬ ફેબ્રુઆરી સુધીમાં ઘટીને ૬૦૦ થઈ ગયો અને ચૂંટણીના થોડા દિવસો પહેલા વધુ ઘટીને ૨૦૦થી પણ ઓછો આંકડો થઈ ગયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.