Western Times News

Gujarati News

મોડાસા નગરપાલિકામાં ભગવો લહેરાયો: AIMIMની ધમાકેદાર એન્ટ્રી

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જીલ્લામાં સ્થાનીક સ્વરાજ્યની જીલ્લા પંચાયત, ૬ તાલુકા પંચાયત અને મોડાસા તેમજ બાયડ નગરપાલિકાની ૨૮ ફેબ્રુઆરીએ યોજાયેલ ચૂંટણી બાદ મંગળવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મત ગણતરી યોજાઈ હતી જેમાં અરવલ્લી જિલ્લામાં ભાજપનો ભગવો લહેરાયો છે. જિલ્લા પંચાયતમાં કોંગ્રેસે સત્તા ગુમાવી છે. તો માલપુર, મોડાસા તાલુકા પંચાયત પણ ભાજપ ફાળે ગઈ છે. જયારે મોડાસા અને બાયડ નગર પાલિકામાં પણ ભગવો લહેરાયો હતો મોડાસા નગરપાલિકામાં AIMIMને ૯ બેઠકો મળી કોંગ્રેસ પાસેથી વિરોધપક્ષનું પદ પણ છીનવું લીધું છે

કોંગ્રેસે ૮ બેઠકો મેળવી રહીસહી આબરૂ બચાવી લીધી હતી મોડાસા નગરપાલિકામાં વોર્ડ.નં-૪ માં અપક્ષ ઉમેદવાર ભરત કડિયાએ ભાજપને હંફાવ્યું હતું અને ૮ મતે ભાજપના ઉમેદવાર માંડ માંડ જીતી શક્યા હતા મોડાસા અને બાયડમાં ભાજપનો ભગવો લહેરાતા ભવ્ય વિજય સરઘસ નીકળ્યું હતું મોડાસા ભાજપના વિજેતા ઉમેદવારો અને ટેકેદારો ગરબે ઘૂમી વિજયોત્સવ મનાવ્યો હતો

મોડાસા નગરપાલિકા પર ભાજપનો દબદબો યથાવત જોવા મળી રહ્યો છે.નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી સાથે ભાજપે સત્તા જાળવી રાખી છે. જો કે વોર્ડ નંબર 5માં ભાજપની પેનલ તૂટી છે. વોર્ડ નંબર 5માં કોંગ્રેસના ઉમેદવારે ખાતું ખોલાવતા ભાજપના 3 અને કોંગ્રેસના 1 ઉમેદવારે જીત મેળવી છે. વોર્ડ નંબર 1 થી 4માં ભાજપની પેનલ વિજેતા બની છે.

પાલિકામાં ભાજપને કુલ 19 બેઠકો મળી છે, બહુમતી માટેનો જાદુઈ આંકડો ભાજપે હાંસલ કરી છે. ભારતીય જનતા પાર્ટી છેલ્લા 25 વર્ષથી નગરપાલિકા પર સત્તા પર છે ત્યારે આ વર્ષે પણ ફરીથી સત્તામાં બેસશે. ભાજપને કુલ ૧૯ બેઠકો મળતા પાર્ટીમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.મોડાસા શહેરમાં ભવ્ય વિજયોત્સવ મનાવ્યો હતો અને ભવ્ય રેલી યોજાઈ હતી

બાયડમાં પણ ભાજપે કોંગ્રેસના સૂપડા સાફ કરી ભવ્ય વિજય મેળવ્યો હતો મોડાસા નગરપાલિકામાં કોંગ્રેસની નબળી નેતાગીરી અને ટીકીટ વહેંચણીમાં ઉમેદવારોની પસંદગીમાં વ્હલા-દવાલાની નીતિના લીધે વિપક્ષ પદ પણ ગુમાવવું પડ્યું હતું મોડાસા પાલિકાની ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટી AIMIMનું શાનદાર પ્રદર્શન કર્યું હતું કોંગ્રેસને આ વખતે પણ નિરાશા હાથ લાગી છે. મોડાસામાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇતેહાદ-ઉલ-મસ્લિમીન (AIMIM)એ આશ્ચર્યજનક પ્રદર્શન કરી તમામને મંત્રમુગ્ધ કરી મૂક્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.