Western Times News

Latest News from Gujarat

૮ વર્ષ બાદ વીમા કંપનીએ ૧૦ લાખ ચૂકવવા પડશે

અમદાવા: વડોદરામાં રહેતા રાજેશ અગ્રવાલને પોતાની લક્ઝરી કાર ભડકે બળ્યાના ૮ વર્ષ પછી આખરે વીમા કંપની તરફથી મોટી રકમ મળવા જઈ રહી છે. વીમા કંપની સામેના આ કેસમાં ગ્રાહક સુરક્ષા કોર્ટ દ્વારા ફરિયાદીના પક્ષે ચુકાદો આપતા વીમા કંપની બજાજ એલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિ.ને રુ. ૧૦.૧૩ લાખ રાજેશ ભાઈને ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. વડોદરામાં રહેતા રાજેશ અગ્રવાલની રુ. ૨૫ લાખની કાર ૨૦૧૧માં અચાનક ભડકે બળવા લાગી હતી.

જેના માટે વીમા કંપનીએ વળતર આપવાની ના પાડ્યા બાદ રાજેશ ગ્રાહક સુરક્ષા કોર્ટની શરણે ગયા હતા જ્યાં કોર્ટે સમગ્ર કેસ સાંભળ્યા બાદ વીમા કંપનીને કારની કંપનીના ૬૦ ટકા જેટલી રકમ વીમા તરીકે આપવા આદેશ કર્યો હતો. કારણ કે રાજેશે કારના આ અકસ્માત બાબતે વીમા કંપનીને મોડી જાણકારી આપતા કોર્ટે પૂર્ણ વીમા રકમની જગ્યાએ ૬૦ ટકા રકમ આપવા કહ્યું હતું. આ ઉપરાંત કોર્ટે વીમા કંપનીને વધારાના રુ. ૩૦૦૦૦ માનસિક સતામણી અને કાયદાકીય ખર્ચ પેટે રાજેશને આપવા માટે પણ આદેશ આપ્યો છે.

કેસની વિગત મુજબ ૨૪ મે ૨૦૧૧ના રોજ રાજેશ અગ્રવાલની પાર્ક કરેલી કારમાં અંદરથી અચાનક જ આગ લાગી અને ભડકે બળવા લાગી. આ ઘટનામાં કાર પૂરી રીતે બળી ગઈ હતી. જે બાદ લગભગ ૧૦ દિવસથી પણ વધુ સમય પછી ૫ જૂન ૨૦૧૧ના રોજ રાજેશે વીમા કંપનીને આ બાબતે જાણકારી આપી હતી. આ સાથે જ તેમણે કારને કંપનીના વર્કશોપ પહોંચાડી હતી જ્યાંથી તેમને રુ.૧૭.૩૫ લાખનું એસ્ટિમેન્ટ આપવામા આવ્યું હતું કારણ કે આઈડીવી ૨૧.૧૨ લાખનું હતું.

જાેકે વીમા કંપનીએ આ રકમ ચૂકવવાની ના પાડી દેતા દાવો કર્યો હતો કે અગ્રવાલે આ કાર એજન્ટ મારફત અન્ય વ્યક્તિને વેચી દીધી છે અને તેના માટે એડવાન્સ રકમ પણ લઈ લીધી છે. જેથી આગ લાગવાની આ ઘટનામાં તેમને વીમાની આ રકમ મળી શકે નહીં. વધુમાં તેઓ આ દુર્ઘટના અંગે વીમા કંપનીને મોડી જાણ કરી હતી. વીમા કંપનીના જવાબ બાદ અગ્રવાલ ગુજરાત રાજ્ય કન્ઝ્‌યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશન પહોંચ્યા હતા. જ્યાં તેમણે અરજી કરી ગ્રાહક સુરક્ષા કોર્ટને જણાવ્યું હતું કે આગની ઘટના બાદ તેમણે કાર વેચવાની ડીલ નકારી દીધી છે. તેમજ કાર જેમને વેચવાની હતી તે મનિષ પંચાલ પાસેથી લીધેલા રુ. ૧૦ લાખની એડવાન્સ રકમ પણ તેમને પરત કરી દીધી હતી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers