Western Times News

Gujarati News

દાહોદ જિલ્લામાં કોવીડ વેક્સિનેશનના ત્રીજા તબક્કાનો પ્રારંભ

ત્રીજા તબક્કામાં ૬૦ વર્ષથી વધુ વયના વ્યક્તિઓને વેક્સિન અપાશે

૪૫ વર્ષથી વધુ વયના કોમોરબીડ વ્યક્તિઓને પણ કોવીડ વેક્સિન અપાશે

કલેક્ટર શ્રી વિજય ખરાડી અને પોલીસ વડા શ્રી હિતેશ જોયસરે કોવીડ વેક્સિનનો બીજો ડોઝ લીધો

દાહોદ જિલ્લાની ૧૧ ખાનગી હોસ્પીટલોમાં પણ કોરોનાની રસી ચાર્જ ચૂકવીને લઇ શકાશે

દાહોદ: કલેક્ટર શ્રી વિજય ખરાડી અને પોલીસ વડા શ્રી હિતેશ જોયસરે આજે ઝાયડસ મેડીકલ કોલેજ અને હોસ્પીટલ ખાતે કોવીડ વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો. કલેક્ટર શ્રી વિજય ખરાડીએ આ તકે જિલ્લામાં ત્રીજા તબક્કાના કોવીડ વેક્સિનેશન કાર્યક્રમની પણ જાહેરાત કરી હતી. રસીકરણના ત્રીજા તબક્કામાં ૬૦ વયથી ઉપરના વ્યક્તિઓ તેમજ ૪૫ થી વધુ વયના મોટી બિમારીથી ગ્રસ્ત વ્યક્તિઓને પણ કોરોના વેક્સિનેશનની શરૂઆત માર્ચ મહિનાના આરંભથી કરવાની માહિતી આપી હતી.

કલેક્ટર શ્રી વિજય ખરાડીએ જણાવ્યું કે, જે વ્યક્તિએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે તેમણે વેક્સિનનો બીજો ડોઝ લેવો અત્યંત આવશ્યક છે. બીજો ડોઝ લેવાથી જ વ્યક્તિમાં કોરોના સામે જરૂરી રોગપ્રતિકારક શક્તિનો વિકાસ થાય છે. આ બીજો ડોઝ પ્રથમ ડોઝ બાદ ૨૯ માં દિવસ થી ૪૨ માં દિવસની વચ્ચે જ લઇ લેવાનો રહેશે.

ત્રીજા તબક્કાના રસીકરણ વિશે તેમણે જણાવ્યું કે, ગત ૧ માર્ચથી ૬૦ વયથી ઉપરના વ્યક્તિઓ તેમજ ૪૫ થી વધુ વયના મોટી બિમારીથી
ગ્રસ્ત વ્યક્તિઓને પણ કોરોના વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં ૧૦ હજાર થી વધુ લોકોને રસી આપવામાં આવી છે. આ રસીકરણ માટે સેલ્ફ રજીસ્ટ્રેશનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કોવીન પોર્ટલ ઉપર સેલ્ફ રજીસ્ટ્રેશન કરાવીને સમય, તારીખ અને હોસ્પીટલની પસંદગી કરીને એ મુજબ રસી લઇ શકીએ છીએ.

તેમણે જણાવ્યું કે, સરકારી ઉપરાંત જે દવાખાના પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના સાથે જોડાયેલા છે તેવા દાહોદના ૧૧ હોસ્પીટલોમાં પણ રૂ. ૨૫૦ નો ચાર્જ ચૂકવીને વેક્સિન લઇ શકાશે. જેમાં રૂ. ૧૫૦ વેક્સિન ચાર્જ અને રૂ. ૧૦૦ વહીવટી ચાર્જ તરીકે ચૂકવવાના રહેશે. સરકારી હોસ્પીટલોમાં કોવીડ વેક્સિન નિ:શુલ્ક આપવામાં આવશે. તેના માટે કોઇ પણ ચાર્જ ચૂકવવાનો રહેશે નહી. કોવીડ વેક્સિન બાબતે કોઇ પણ અફવાથી ગેરમાર્ગે દોરાવું નહી અને વેક્સિન લઇને જિલ્લાને કોરોનામુક્તિ તરફ લઇ જવું જોઇએ.

જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસરે જણાવ્યું હતું કે, જેમણે કોવીડ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે તઓ અનિવાર્યપણે બીજો ડોઝ લઇ લે, જે ૨૯ થી ૪૨ દિવસમાં લઇ લેવો જરૂરી છે. વેક્સિનનો બીજો ડોઝ લીધા બાદ જ વેક્સિનેશન સંપૂર્ણ ગણાશે અને પ્રતિકારક શક્તિ આવશે.

તેમણે જિલ્લાના હોમગાર્ડ સહિત તમામ પોલીસકર્મીઓને વેક્સિનનો બીજો ડોઝ લેવા જણાવ્યું હતું. ઉપરાંત જેમણે પ્રથમ ડોઝ લેવાનો બાકી હોય તેમણે પણ કોવીડ વેક્સિન ઝડપથી લઇ લેવા જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.