રિલાયન્સના તમામ કર્મીને ફ્રીમાં કોરોના વેક્સિન અપાશે
        મુંબઈ: દેશભરમાં કોરોના વાયરસની મહમારીના ખાતમા માટે કોવિડ વેક્સીનેશન અભિયાન ચાલી રહ્યું છે. આ દરમિયાન વેક્સીનેશનને લઈ રિલાયન્સ ફાઉન્ડેશનની ચેરપર્સન નીતા અંબાણીએ મોટી જાહેરાત કરી છે. નીતા અંબાણીએ નિવેદન જાહેર કરીને કહ્યું છે કે કંપની રિલાયન્સના તમામ કર્મચારીઓ અને તેમના પરિવારોના વેક્સીનેશનનો ખર્ચ પોતે ઉઠાવશે. રિલાયન્સ ફાઉન્ડેશનની ચેરપર્સને નિવેદન જાહેર કરીને કહ્યું છે કે તમામ લોકોના સમર્થનથી આપણે ટૂંક સમયમાં આ મહામારીનો ખાતમો કરીશું.
પરંતુ ત્યાં સધી તકેદારી રાખવી પડશે. આપણે હવે આ લડાઈના અંતિમ ચરણમાં છીએ. આપણે જીતીશું. નીતા અંબાણીએ કહ્યું કે, મુકેશ અંબાણી અને મેં ર્નિણય કર્યો છે કે અમે રિલાયન્સના તમામ કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યોને ફ્રીમાં વેક્સીન પૂરી પાડીશું. નીતા અંબાણીએ રિલાયન્સના કર્મચારીઓને ઉદ્દેશીને લખેલા પત્રમાં કહ્યું કે, રિલાયન્સ ફેમિલિ ડે ૨૦૨૦ના સંદેશમાં મુકેશ અને મેં વ્યક્તિગત રીતે બાંહેધરી લીધી હતી કે જ્યારે ભારતમાં કોવિડ-૧૯ વેક્સીનને મંજૂરી મળશે તો વહેલી તકે આપણા રિલાયન્સના કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યોનું વેક્સીનેશન થાય તે માટે પ્રયત્નશીલ રહીશું. અમે આ ઉદ્દેશ્ય માટે કટિબદ્ધ છીએ.
નીતા અંબાણીએ આ ઉપરાંત કર્મચારીઓને અપીલ કરી કે જે પણ લોકો વેક્સીન લેવા માંગે છે તેઓ વહેલામાં વહેલી તકે વેક્સીન માટે ખાસ તૈયાર કરવામાં આવેલા સરકારી પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવો, જેથી આ મહામારીનો ઝડપથી ખાતમો કરી શકાય. વેક્સીનેશનનું બીજું ચરણ પહેલી માર્ચથી શરૂ થઈ ગયું છે. નોંધનીય છે કે, દેશમાં કોવિડ વેક્સીનેશન અભિયાન ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે અને ગુરૂવાર સુધીમાં ૧.૭૭ કરોડ લોકોને ડોઝ આપવામાં આવી ચૂકયા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, ગુરૂવાર સાંજે ૭ વાગ્યા સુધી કુલ ૧,૭૭,૧૧,૨૮૭ વેક્સીનના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. તેમાં ૬૮,૩૮,૦૭૭ હેલ્થવર્કરોને પહલો અને ૩૦,૮૨,૯૪૨ હેલ્થવર્કરોને બીજાે ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. બીજી તરફ ૬૦,૨૨,૧૩૬ ફ્રન્ટલાઇન વર્કરોને પહેલો અને ૫૪,૧૭૭ ફ્રન્ટલાઇન વર્કરોને બીજાે ડોઝ આપવામાં આવી ચૂક્યો છે.
