Western Times News

Latest News from Gujarat

સરકાર OTT માટે પ્રગતીપૂર્ણ સંસ્થાગત વ્યવસ્થાતંત્ર સાથે આગળ આવશે

શ્રી પ્રકાશ જાવડેકરે OTT પ્લેટફોર્મ્સના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે એલ્ટ બાલાજી, હોટસ્ટાર, એમેઝોન પ્રાઇમ, નેટફ્લિક્સ, જીઓ, ઝી-5, વાયાકોમ-18, શેમારુ, મેક્સપ્લેયર વગેરે સહિત વિવિધ OTT પ્લેટફોર્મના પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.

આ ઉદ્યોગના પ્રતિનિધિઓને સંબોધન કરતા મંત્રીશ્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, સરકારે ભૂતકાળમાં OTT કંપનીઓ સાથે ઘણી વખત પરામર્શનું આયોજન કર્યું હતું અને સ્વ-નિયંત્રણની જરૂરિયાત પર ખાસ ભાર મૂક્યો હતો.

શ્રી જાવડેકરે જણાવ્યું હતું કે, સિનેમા અને ટીવી ઉદ્યોગ પર જ્યારે નિયમનો મૂકવામાં આવ્યા ત્યારે તેમના તરફથી તેમને ઘણા પ્રેઝન્ટેશન પ્રાપ્ત થયા હતા જ્યારે OTT ઉદ્યોગ તરફથી આવો કોઇ જ ઉત્સાહ જોવા મળ્યો નથી. આમ, એવું નક્કી કરવામાં આવ્યું હતું કે, સરકાર OTT ખેલાડીઓ માટે પ્રગતીપૂર્ણ સંસ્થાગત વ્યવસ્થાતંત્ર સાથે આગળ આવશે અને સ્વ-નિયમનના વિચાર સાથે સૌના માટે એક સમાન સ્થિતિ તૈયાર કરશે. સંખ્યાબંધ OTT પ્લેટફોર્મ દ્વારા નિયમોને આવકારવામાં આવ્યા તે બાબતની મંત્રીશ્રીએ પ્રશંસા કરી હતી.

આ ઉદ્યોગના પ્રતિનિધિઓને નિયમોની જોગવાઇઓ વિશે માહિતી આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, તેમણે ફક્ત માહિતી જાહેર કરવી જરૂરી છે અને મંત્રાલય સાથે તેમણે કોઇપણ પ્રકારની નોંધણી કરાવવાની કોઇ જ જરૂરિયાત નથી. મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આ માટેનું ફોર્મ ટૂંક સમયમાં તૈયાર થઇ જશે.

વધુમાં, આ નિયમોમાં કોઇપણ સ્વરૂપમાં સેન્સરશીપના બદલે સામગ્રીના સ્વ વર્ગીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. વધુમાં, OTT પ્લેટફોર્મ્સ પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવી છે કે, તેઓ કાર્યદક્ષ ફરિયાદ નિવારણ વ્યવસ્થાતંત્રની રચના કરશે.

અફવાઓનું ખંડન કરતા મંત્રીશ્રીએ સ્પષ્ટતા કરી હતી કે, સ્વ-નિયમનકારી સંગઠનમાં સરકાર દ્વારા કોઇપણ સભ્યની નિયુક્તિ કરવામાં આવશે નહીં.

આ નિયમો અંતર્ગત સરકારની સત્તા વિશે વાત કરતા આદરણીય મંત્રીશ્રીએ માહિતી આપી હતી કે, સ્વ-નિયામક સ્તરે જે ફરિયાદોનો નિકાલ ના આવે તેના નિવારણ માટે સરકાર આંતર વિભાગીય સમિતિનું ગઠન કરશે.

ઉદ્યોગના પ્રતિનિધિઓએ નિયમોને આવકાર્યા હતા અને તેમની મોટાભાગની ચિંતાઓને ધ્યાનમાં લેવા બદલ મંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. છેવટે, મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આ ઉદ્યોગને કોઇપણ સ્પષ્ટતાની જરૂર હોય અથવા કોઇપણ પ્રશ્નો હોય તો તેના માટે મંત્રાલય મુક્ત રીતે પ્રતિભાવ આવા હંમેશા તૈયાર છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers