Western Times News

Latest News from Gujarat

અમદાવાદના ઝાયડ્‌સ રોડ ઉપર આવેલ શાંતિ પેલેસ બંગલોમાં વૃદ્ધ દંપતીની હત્યા

અમદાવાદ: અમદાવાદમાં આજે સોલા પોલીસ સ્ટેશન વિસ્તારના ઝાયડ્‌સ રોડ ઉપર આવેલ શાંતિ પેલેસ બંગલોમાં વૃદ્ધ દંપતીની હત્યા થઈ છે. ઘરમાં એકલા રહેતા દંપતીની લૂંટ કરવાના ઈરાદે આવેલા શખ્સોએ હત્યા કરી છે. ઘરમાં દંપતી એકલા જ રહેતા હતા. સવારે પાડોશી તથા ચોકીદારને બનાવની જાણ થઇ હતી અને આ અંગે તેમણે પોલીસને જાણ કરતાં અમદાવાદ પોલીસ દોડતી થઈ હતી. ડીસીપી, એસીપી સહિતનો સ્ટાફ હત્યારાઓની શોધમાં લાગી ગયો છે.

અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતુ દંપતી અશોકભાઈ કરશનભાઈ પટેલ અને જ્યોત્સનાબેન અશોકભાઈ પટેલની કરપીણ હત્યા કરવામા આવી છે. તેમનો પુત્ર દૂબઈમાં રહે છે. અશોકભાઈ અગાઉ પ્લાયવુડનો બિઝનેસ કરતા હતા. છેલ્લા ઘણા સમયથી તેઓ રિટાયર્ડ લાઈફ જીવતા હતા. તેમનો દીકરો દૂબઈમાં રહેતો હોવાથી તેઓ દૂબઈમાં આવતા-જતા પણ હતા. લોકડાઉનમાં પણ તેઓ દૂબઈમાં જ હતા. ૬ મહિના પહેલા જ દૂબઈથી અમદાવાદ આવ્યા હતા.

વૃદ્ધ દંપતીની હત્યાની સૌથી પહેલી જાણ તેમના ચોકીદારને થઈ હતી. જેના બાદ તેમના પાડોશી મનીષાબેને ઘરમાં જઈને તપાસ કરી હતી. બન્યું એમ હતું કે, મનીષાબેને રોજ સવારની આદત મુજબ ચાલતા જતા સમયે અશોકભાઈને બૂમ પાડી હતી. આ દરમિયાન અશોકભાઈ પોતાની ગાડી સાફ કરતા કરતા ગીતો સાંભળતા હોય છે. આજે પણ પણ તેમણે અશોકભાઈને બૂમ પાડી હતી. જેના બાદ તેમણે
જ્યોત્સનાબેનને ચકરી પાડવા મામલે કહ્યું હતું.

આ વાત થઈને મનીષાબેન ન્હાવા ગયા હતા. બહાર આવ્યા બાદ અચાનક ચોકીદારે મનીષાબેનને બૂમ પાડી હતી. ચોકીદારે મને બૂમ પાડીને જણાવ્યું કે મનિષાબેન બહાર આવો કાકાના ઘરે કંઈક થયું છે, જેથી મેં બહાર આવીને જાેયું તો કાકાના ઘરના પડદા જે ક્યારેય બંધ નથી હોતા તે બંધ જાેયા. પછી મેં વિચાર્યું કે કાકા અને કાકી ઉતાવળમાં બહાર ગયા હશે. પરંતુ બંને વાહનો પણ પડ્યા હતા. જેથી મેં ચોકીદારને કહ્યું કે તમે અંદર જઈને જાેવો તો ચોકીદારે રસોડાના પાછલા બારણે જઈને જાેયું ત્યારે અંદર સામાન વેરવિખેર હતો જેથી ચોકીદારે મને બૂમ પાડીને બોલાવી જે બાદ હું ઘરમાં ગઈ અને જાેયું તો સામાન વેર વિખેર પડ્યો હતો.

અશોકભાઈ અને જ્યોત્સનાબેનની કરપીણ રીતે ગળુ કાપીને હત્યા કરવામાં આવી હતી. અશોકભાઈની લાશ બેડરૂમમાં પડી હતી. જ્યારે કે, જ્યોત્સનાબેનનો મૃતદેહ સીડી પાસેથી મળી આવ્યો હતો. ઘરમાં ચારેતરફ સામાન વિખરાયેલો પડ્યો હતો. લૂંટના ઈરાદે વૃદ્ધ દંપતીની હત્યા કરવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે સવારથી ત્રણથી ચાર લોકો તેમના ઘરમાં ઘૂસ્યા હતા અને તેમની હત્યા કરી નાખી હતી. સિનિયર સિટીઝનની આવી રીતે હત્યા કરવામાં આવે છે ત્યારે અનેક સવાર ઊઠી રહ્યા છે. બંનેની ગળું કાપીને હત્યા કરવામાં આવી છે.આ બેવડી હત્યા પાછળ લૂંટ અથવા ચોરીના ઇરાદે કરવામાં આવી હોવાની હાલ પોલીસને આશંકા છે. આ થીયરી પર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. આ કેસમાં પોલીસ હવે અલગ અલગ લોકોની પૂછપરછ શરૂ કરશે. વહેલી સવારે હત્યાનો બનાવ બન્યો હોવાથી હત્યામાં કોઈ જાણભેદુ શામેલ હોવાની શક્યતા નકારી શકાતી નથી.

અમદાવાદમાં જે પટેલ દંપતીની હત્યા થઈ તેઓ રાજ્યના પૂર્વ ગૃહરાજ્ય મંત્રી અને દિવ દમણના વહીવટદાર પ્રફુલ્લ પટેલના કાકાના સંબંધી હોવાનો ખુલાસો થયો છે. જ્યોત્સનાબેન રાજ્યાના પૂર્વ ગૃહરાજ્ય મંત્રી અને દીવ-દમણના વહીવટદાર પ્રફુલ્લ પટેલના કાકાના દીકરી હતા. તેથી આ કેસ મામલે રાજકીય દબાણ વધતા તપાસ તેજ કરાઈ છે. તથા ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપાઈ છે. આ કારણે જ ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર તાત્કાલિક દોડી આવ્યા હોવાની ચર્ચા થઈ હતી. હાલ પોલીસે ફરિયાદ નોંધીને લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી શરૂ કરી છે.

વહેલી સવારે બેવડી હત્યાનો બનાવ બનતા અનેક સવાલ ઊભા થયા છે.આ વિશે પોલીસે કહ્યું કે, સીસીટીવી અને મેન્યુઅલ ઇન્ફોર્મેશનના આધારે ગુનો શોધવા જેસીપી તેમજ ડીસીપીની આગેવાની ક્રાઈમ સહિતની તમામ ટીમો દ્વારા ખંતપૂર્વકના પ્રયત્નો સઘન ચાલુ છે. થલતેજ ડબલ મર્ડરની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવ્યા બાદ તપાસ તેજ થઈ છે. આ ઉપરાંત અન્ય તમામ સંભાવના અને દિશામાં તપાસ કરી રહ્યા છે. ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ પણ તપાસમાં જાેડાયા છે. હાલ ૩ ટીમો સીસીટીવી સહિતની દરેક બાબતોની તપાસ કરી રહી છે. શહેરમાં રહેતા એકલા સિનિયર સિટીઝનની સુરક્ષા માટે પોલીસ કટિબદ્ધ છે. હાલ પ્રાથમિક તપાસ ચાલુ છે, પણ આરોપીઓ સુધી વહેલી તકે પહોંચી જઈશું.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers