Western Times News

Gujarati News

પશુ તસ્કરી રોકવાના પ્રયાસમાં શહીદ થયેલા પિતાને દોઢ વર્ષના પુત્રએ મુખાગ્નિ આપી

વડોદરા, આસામના સિલિગુડી પાસે પશુ તસ્કરી રોકવાના પ્રયાસમાં ફરજ દરમ્યાન શહીદ થયેલા બીએસએફ જવાન સંજય સાધુને દોઢ વર્ષના પુત્ર ઓમ સાધુએ મુખાગ્નિ આપી હતી. શહીદ બીએસએફ જવાનોના ગાર્ડ ઓફ ઓનર સાથે પંચમહાભૂતમાં વિલિન થયો હતો, જ્યારે શહીદની પત્નીએ સોળ શણગાર સજી પતિને ધ્રુસકે ધ્રુસકે રડીને વિદાય આપી હતી. અંતિમવિધિ સમયે શહીદ જવાનનો પુત્ર ઓમ પણ રડી રહ્યો હતો.

આ સમયે અંતિમવિધિમાં ઉમટેલી હજારો આંખો ભીની થઈ ગઇ હતી. શહીદની પત્ની અંજના સાધુ ચોધાર આંસુએ રડતાં જણાવ્યું હતુ ંકે, તેના પતિની શહીદી પર ગૌરવ છે, પણ બાળકોના ભવિષ્યની ચિંતા છે. દેશ માટે મારા પતિ શહીદ થયા તેનું હું ખુબ જ ગૌરવ અનુભવુ છું. પણ મારા બાળકોનું હવે શું થશે તેની ચિંતા મને કોરી ખાય છે. સરકાર મારા બાળકો માટે કંઇક કરે તેવી માંગણી ઉચ્ચારી હતી.

શહીદ સંજય સાધુનો પાર્થિવ દેહ મોડીરાત્રે વડોદરા એરપોર્ટ પર લવાયો હતો. એરપોર્ટ પર શહીદને શ્રદ્ધાંજલિ અર્પવા મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. ગોરવા સ્થિત ઘરે હાલ પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યો હતો. જ્યાં વીર શહીદ જવાનની પત્ની અંજના સાધુએ સોળે શણગાર સજીને પતિને અંતિમ વિદાય આપી હતી.

સવારે ૧૦-૩૦ વાગ્યે સ્મશાન યાત્રા ગોરવા સ્થિત ભગવતીકૃપા સોસાયટીના નિવાસસ્થાનેથી નીકળી હતી અને પંચવટી, સહયોગ, આઇટીઆઇ ગોરવા થઇને ગોરવા સ્મશાન ગૃહ ખાતે બપોરે ૧૨-૦૦ વાગ્યે અંતિમ યાત્રા પહોંચી હતી. શહીદીને અનુરૂપ અંતિમવિધિ માટે જિલ્લા, પોલીસ તંત્ર અને બીએસએફ દ્વારા તૈયારીઓ કરવામાં આવી હતી. શહીદ સંજય સાધુ તુમ અમર રહોના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્‌યું હતું. બીએસએફ દ્વારા શહીદવીરને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

એરપોર્ટ ખાતે શહીદના પાર્થિવદેહને રાજ્ય સરકાર વતી રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલે શ્રદ્ધાંજિલ અર્પી હતી. તેમજ સાંસદ, મેયર, પાલિકાના વિરોધપક્ષના નેતા, શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત વિવિધ રાજકીય આગેવાનો, કલેક્ટર અને પોલીસ કમિશનરે શ્રદ્ધાંજલિ આપી હતી.

ભારે સન્માન સાથે શહીદના પાર્થિવદેહને ફૂલોથી સજાવેલા સૈન્યના વાહનમાં સયાજી હોસ્પિટલ ખાસે લઇ જવાયો હતો. વીર શહીદ જવાનના અંતિમ દર્શન માટે પહોંચેલા વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે જણાવ્યું હતું કે, ભગવાન વીર શહીદ જવાનની આત્માને શાર્તિ આપે તેવી પ્રાર્થના કરૂ છું. દેશની સુરક્ષા માટે પોતાના પુત્રને મોકલનાર માને હું સલામ કરૂ છું. પોતાના પતિને સુરક્ષા માટે મોકલનાર પત્નીને પણ હું સલામ કરૂ છું.

ગઇકાલે કલેકટર શાલિની અગ્રવાલ અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે સંજય સાધુના વડોદરા સ્થિત નિવાસસ્થાને જઇને પરિવારજનોને સાંત્વના આપી હતી. સિલીગુડીથી ૬ કિમી દૂર પશુ તસ્કરી કરતા ગિરોહને પકડકારવા જતાં નજીક પાણીના નાળામાં પડી ગયા બાદ તેઓ ખેંચાઇ ગયા હતા. શહીદ સંજય સાધુના મિત્રોએ વાતચીતમાં જણાવ્યું કે, તેમને લશ્કરમાં જવાની મહેચ્છા હતી. તેઓ ૪૦૦ મીટર ગ્રાઉન્ડના એક સાથે ૧૦ ચક્કર લગાવતા હતા. તે મિલનસાર સ્વભાવના હતા અને તમામને મદદ કરતા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.