Western Times News

Gujarati News

દાહોદ જિલ્લામાં ૪૦ હજારથી વધુ નાગરિકોએ રસી મુકાવતા દાહોદ જિલ્લો ગુજરાતમાં મોખરે

દાહોદ જિલ્લામાં કોરોનાના રસીકરણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્રીજા તબક્કામાં સીનીયર સીટીઝન તેમજ ૫૦ વર્ષથી ઉપરના વિવિધ બીમારીઓથી પીડાતા દર્દીઓને કોરોના ની રસી અપાઇ રહી છે. ત્યારે કોરોના કાળમાં દાહોદ જિલ્લાએ એક વધુ કીર્તિમાન સ્થાપિત કર્યું છે. જેમાં ૪૦,૦૦૦ થી વધુ સામાન્ય નાગરિકોને રસીકરણ કરી સમગ્ર ગુજરાત રાજ્યમાં દાહોદ જિલ્લો પ્રથમ હરોળમાં પહોંચી ચૂક્યો છે. તેમાં એક દિવસમાં ૧૦,૦૦૦ નાગરિકોને રસી આપવામાં આવી છે દાહોદ જિલ્લામાં સરકારી આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં ૨,૮૩૫ દર્દીઓ નોંધાઈ ચુક્યા છે તેમાંથી ૨૭૨૧ દર્દી સ્વસ્થ થયા છે. જ્યારે ૯૩ દર્દીઓ કોરોના અને કોરોના સહિતની વિવિધ બીમારીઓના કારણે મોતને ભેટયા છે.

હાલમાં એક્ટિવ કેસ (૧૫)પંદર જ છે. જિલ્લામાં છેલ્લા દોઢ માસથી રોજ રોજ એકાદ બે કેસ નોંધાઈ રહ્યા છે. તેથી કેટલાય દિવસો પછી ગતરોજ ૬ઠ્ઠી માર્ચે ત્રણ કેસો નોંધાયા છે. બીજી તરફ જિલ્લામાં રસીકરણની કામગીરી પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. દાહોદ જિલ્લામાં રસીકરણની કામગીરીનો આરંભ ૧૬મી જાન્યુઆરીથી કરવામાં આવ્યો હતો. જેમાં સૌપ્રથમ કોરોનાની રસી આરોગ્ય કર્મીઓની અપાઇ હતી.

ત્યારબાદ વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્રના કર્મચારીઓ અધિકારીઓને અપાઇ હતી. તેમાંના ઘણા બધાએ રસીનો બીજો ડોઝ લઈ લીધો છે કારણ કે ૨૮ દિવસમાં તે લઈ લેવાનું હોય છે. જેથી હાલ કલેકટર તથા એસ.પીએ પણ બીજો ડોઝ લઇ લીધો હતો. આમ જિલ્લામાં અત્યાર સુધીમાં ૨૮,૦૦૦ કરતાં વધુ કોરોના વોરિયર્સને રસી મુકી દેવામાં આવી છે. દાહોદ જિલ્લામાં રસીકરણનો ત્રીજો તબક્કો શરૂ થઈ ચૂક્યો છે. જેમાં ૬૦ વર્ષથી ઉપરના વયોવૃદ્ધ નાગરિકો અને ૫૦ વર્ષથી વધુ ઉંમરના ડાયાબિટીસ કે બ્લડપ્રેશરની બીમારીથી પીડાતા હોય તેવા દર્દીઓને રસી આપવામાં આવી રહી છે.

ત્યારે ૫મી માર્ચે આ કામગીરીમાં સાગમટે ૧૦,૦૦૦ જેટલા વ્યક્તિઓનું રસીકરણ કરી દેવામાં આવ્યું હતું. તારીખ ૬ માર્ચના રોજ પણ બપોર સુધીમાં ૪,૦૦૦ જેટલા નાગરિકોને રસી આપવામાં આવી હતી. તાલુકાવાર જોઈએ તો પાંચમી માર્ચના રોજ દાહોદ ૨,૬૩૧, ગરબાડા ૯૦૭, ધાનપુર ૭૧૩, દેવગઢબારીયા ૭૩૦ ફતેપુરા ૧,૧૪૬, લીમખેડા ૭૪૦, ઝાલોદ ૧,૪૦૩ સંજેલી ૫૬૪ તથા સીંગવડ ૭૪૨ તેમજ ખાનગી દવાખાનામાં ૧૧૪ મળી જિલ્લામાં કુલ ૯,૬૯૦ અને ભારતભરમાં ૫મી માર્ચે કુલ દસ લાખ લોકોને રસી અપાયાના અહેવાલ છે. જિલ્લામાં અત્યાર સુધીમાં ૪૦,૧૦૩ લોકોને રસી આપીને જિલ્લાએ ગુજરાતમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.