Western Times News

Latest News from Gujarat

ભારત-ચીન મિત્ર છે, પ્રતિસ્પર્ધી નહીં : ચીની વિદેશ મંત્રી વાંગ યી

બેઈજિંગ: ભારત અને ચીનની સેનાઓ વચ્ચે હાલમાં જ પૂર્વ લદાખમાં ડિસએન્ગેજમેન્ટને લઈને સહમતિ બની હતી. હવે ભારત વિશે ચીનના સ્ટેન્ડમાં ફેરફાર જાેવા મળી રહ્યો છે. ચીની વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું કે ચીન અને ભારતે સરહદ મુદ્દાના ઉકેલ માટે એક બીજાને નુકસાન પહોંચાડવાનું અને પરસ્પર શંકા કરવાનું છોડી દેવું જાેઈએ અને દ્વિપક્ષીય સહયોગનો વિસ્તાર કરીને અનુકૂળ માહોલ બનાવવો જાેઈએ. ચીની વિદેશ મંત્રી વાંગ યીએ ચીન અને ભાત વચ્ચે સંબંધ માટે સરહદ વિવાદને સંપૂર્ણ રીતે જવાબદાર ન હોવાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે બંને દેશ મિત્ર અને ભાગીદાર છે

પરંતુ તેમણે એકબીજા પર શંકા કરવાનું છોડી દેવું જાેઈએ. તેમણે ગત વર્ષ મે મહિનામાં પૂર્વ લદાખમાં સરહદ ગતિરોધ થયા બાદથી ભારત-ચીન સંબંધોની હાલની સ્થિતિ પર પોતાના વાર્ષિક પત્રકાર સંમેલનમાં એક સવાલના જવાબમાં કહ્યું કે જરૂરી છે કે બંને દેશ પોતાના વિવાદને પતાવે અને દ્વિપક્ષીય સહયોગનો વિસ્તાર કરે. સરહદ વિવાદ, ઈતિહાસની દેણ છે, તે ચીન અને ભારત સંબંધ માટે સંપૂર્ણ રીતે જવાબદાર નથી.

વાંગ યીએ ચીનની સંસદ નેશનલ પીપલ્સ કોંગ્રેસના વાર્ષિક સત્રથી અલગ પત્રકાર સંમેલનમાં કહ્યું કે એ જરૂરી છે કે બંને પક્ષ વિવાદોને યોગ્ય રીતે પતાવટ કરે અને આ સાથે જ સહયોગ વધારે. જેથી કરીને મુદ્દાના ઉકેલ માટે અનુકૂળ સ્થિતિ બની શકે. જાે કે તેમણે બંને દેશો વચ્ચે ૧૦ રાઉન્ડની સૈન્ય સ્તરની વાતચીત બાદ પૂર્વ લદાખમાં પેન્ગોંગ લેકના ઉત્તરી અને દક્ષિણી તટોથી સૈનિકોને હાલમાં જ પીછે હટના વિષય પર કશું કહ્યું નહીં.

અત્રે જણાવવાનું કે ભારતીય વિદેશમંત્રી એસ જયશંકરની સાથે ચીની વિદેશમંત્રી વાંગ યીની ટેલિફોન પર ૭૫ મિનિટ સુધી વાતચીત થઈ હતી. ત્યારબાદ ચીની વિદેશ મંત્રીનું આ નિવેદન આવ્યું છે. આ ઉપરાંત શુંક્રવારે ભારતીય રાજદૂત વિક્રમ મિસ્ત્રીએ ચીનના ઉપવિદેશ મંત્રી લુઓ ઝાઓહુઈ સાથે મુલાકાત કરી હતી અને પૂર્વ લદાખના તમામ વિસ્તારોથી સૈનિકોની વાપસીની પ્રક્રિયા પૂરી કરવાની અપીલ કરી હતી.

વાંગએ પોતાની ટિપ્પણીમાં કહ્યું હતું કે વિશ્વ એ આશા રાખે છે કે ચીન અને ભારત બંને દેશ વિકાસશીલ દેશોના જાેઈન્ટ હિતોની રક્ષા કરે અને વિશ્વમાં બહુધ્રુવીય વ્યવસ્થાને મજબૂત કરે. ચીની વિદેશ મંત્રી વાંગે કહ્યું કે અનેક મહત્વના મુદ્દાઓ પર અમારા વલણ સમાન છે કે નીકટ છે. આથી ચીન અને ભારત એક બીજાના મિત્ર અને ભાગીદાર છે, જાેખમ કે પ્રતિદ્વંદ્વી નહીં. બંને દેશોના સફળ થવા માટે એક બીજાને નુકસાન પહોંચાડવાની જગ્યાએ એકબીજાની મદદ કરવી જાેઈએ. આપણે એક બીજા પર શંકા કરવાની જગ્યાએ સહયોગ વધારવો જાેઈએ.

વાંગે પૂર્વ લદ્દાખનો ઉલ્લેખ કર્યા વગર કહ્યું કે સરહદી વિસ્તારમાં ગત વર્ષે જે કઈ સાચું કે ખોટું થયું તે સ્પષ્ટ છે. અમે સરહદ વિવાદ વાર્તા તથા પરામર્શ દ્વારા ઉકેલવા માટે પ્રતિબદ્ધ છીએ. આ સાથે જ અમે અમારા સાર્વભૌમત્વના અધિકારોની રક્ષા કરવાનો પણ સંકલ્પ લઈએ છીએ.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers