Western Times News

Gujarati News

ગુજરાતને મળશે રાષ્ટ્રીય વન્યજીવ રોગ નિદાન સંશોધન અને રેફરલ કેન્દ્ર

પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્યમંત્રીનો રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીને પ્રત્યુત્તર

ભારત સરકાર ગુજરાતમાં રાષ્ટ્રીય વન્યજીવ રોગ નિદાન સંશોધન અને રેફરલ કેન્દ્રની સ્થાપના કરશે. આ દરખાસ્ત ભારત સરકાર દ્વારા ગુજરાત સરકાર અને વાઇલ્ડલાઇફ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયાના પરામર્શમાં તૈયાર કરવામાં આવેલા પ્રોજેક્ટ લાયનના દસ્તાવેજનો ભાગ છે. કેન્દ્રિય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્યમંત્રી શ્રી બાબુલ સુપ્રિયોએ આ માહિતી માર્ચ 8, 2021ના રોજ રાજ્યસભામાં સાંસદ શ્રી પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં ઉપલબ્ધ બનાવી હતી.

મંત્રીશ્રીના નિવેદન અનુસાર, પ્રોજેક્ટ લાયનની પરિકલ્પનાનો ઉદ્દેશ્ય એશિયાટીક લાયનના નિર્મૂલનના જોખમને દૂર કરવા અને એશિયાટીક લાયનની આગામી પેઢીઓનું વૈજ્ઞાનિક પધ્ધતિથી સંવર્ધન થાય તેવા પગલાં લેવાનો છે. આ પ્રોજેક્ટનો હેતુ એવું પણ સુનિશ્ચિત કરવાનો છે કે સ્થાનિક સમુદાયો તેના મુખ્ય હિતધારકો બની રહે અને તેમને સિંહ સંવર્ધનથી લાભ થાય.

શ્રી નથવાણી સૂચિત પ્રોજેક્ટ લાયનના અમલીકરણની યોજના સરકાર દ્વારા તૈયાર કરવામાં આવી છે કે કેમ, બિમાર અને ઇજાગ્રસ્ત સિંહના ઇલાજ માટે ગીરમાં ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓની માહિતી, કેનાઇન ડિસ્ટેમ્પર જેવી આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે ગીરમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રીસર્ચ-ઇન્ડિયન વેટરીનરી રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ (આઇ.સી.એ.આર.-આઇ.વી.આર.આઇ.)નું પેટા કેન્દ્ર શરૂ કરવામાં સહીતની વિગતો આ યોજનામાં સામેલ છે કે નહીં તે જાણવા માંગતા હતા.

મંત્રીશ્રીના નિવેદન અનુસાર, ગુજરાત સરકારે ઉપલબ્ધ બનાવેલી માહિતી અનુસાર, બિમારી અને ઇજાગ્રસ્ત સિંહોના ઇલાજ માટે ગીરમાં બે હોસ્પિટલ અને સાત રેસ્ક્યુ સેન્ટર જેવી આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.