કોરોનાથી દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૭૭ દર્દીઓના મૃત્યું
નવીદિલ્હી: ભારતમાં એક કોરોનાનું રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે અને બીજી તરફ કોવિડના કારણે મૃત્યુઆંક ઘટવાના કારણે આંશિક રાહતના સમાચાર મળી રહ્યા છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૭૭ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. આ આંકડો ૧૦ મહિનામાં સૌથી ઓછો છે. ૨ મે, ૨૦૨૦ બાદથી આજે સૌથી ઓછો મૃત્યુદર નોંધાયો છે. આ ઉપરાંત ૧૩ દિવસ સતત સંક્રમણના આંકડા વધ્યા બાદ આજે સંક્રમિત લોકોનો આંક ૧૬ હજારની નીચે નોંધાયો છે.
મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૫,૩૮૮ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૭૭ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૧૨,૪૪,૭૮૬ થઈ ગઈ છે.વિશેષમાં, કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૧ કરોડ ૮ લાખ ૯૯ હજાર ૩૯૪ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૧૬, ૫૯૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૧,૮૭,૪૬૨ એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૧,૫૭,૯૩૦ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
બીજી તરફ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે મંગળવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૮ માર્ચ સુધીમાં ભારતમાં કુલ ૨૨,૨૭,૧૬,૭૯૬ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, સોમવારના ૨૪ કલાકમાં ૭,૪૮,૫૨૫ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં ધીરે ધીરે એક્ટિવ કેસની સંખ્યા પણ વધી રહી છે. રાજ્યમાં કુલ ૩૨૧૨ એક્ટિવ કેસ સરકારી ચોપડે નોંધાયેલા છે. જ્યારે કુલ ૪૧ દર્દીઓ વેન્ટિલેટર પર છે. આજે કુલ ૩૧૭૧ દર્દીઓ સ્ટેબલ છે જ્યારે કુલ ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા ૨,૬૬,૩૧૩ નોંધાઈ છે. રાજ્યમાં કુલ મૃત્યુની સંખ્યા ૪૪૧૬ થઈ છે જેમાં આજે કુલ ૧ મૃત્યુનો ઉમેરો થયો છે. આમ મૃત્યુ અમદાવાદ કોર્પોરેશનનું છે.નોંધનીય છે કે, બનાસકાંઠા, બોટાદ, પોરબંદર અને સુરેન્દ્રનગર એમ ૫ જિલ્લામાં કોરોના વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી. જ્યારે રાજ્યમાં અત્યારસુધીમાં કુલ ૨.૬૬ લાખ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જેના કારણે રાજ્યનો રિકવરી રેટ ૯૭.૨૨ ટકાએ પહોંચ્યો છે.