Western Times News

Gujarati News

નાગપુરમાં ૧૫થી ૨૧ માર્ચ સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર

નાગપુર, મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં સતત થઈ રહેલા વધારા વચ્ચે નાગપુર સિટીમાં ૧૫ માર્ચથી ૨૧ માર્ચ સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર સરકારના મંત્રી નીતિન રાઉતના જણાવ્યા અનુસાર, સાત દિવસના લોકડાઉનમાં જીવનજરુરી સેવાઓ ચાલુ રહેશે.

સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર, સાત દિવસના લોકડાઉનમાં શાકભાજી, ફ્રુટ, દૂધ તેમજ દવાની દુકાનો ખૂલ્લી રહેશે. સીએમ ઉદ્ધવ ઠાકરેએ એ વાતના સંકેત આપ્યા છે કે છેલ્લા એક મહિનાથી રાજ્યમાં કેસો સતત વધી રહ્યા છે ત્યારે બીજા પણ કેટલાક વિસ્તારોમાં લોકડાઉન આવી શકે છે.

આજે કોરોનાની વેક્સિનનો પહેલો ડોઝ લીધા બાદ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં બીજા પણ કેટલાક સ્થળો પર લોકડાઉન જાહેર કરવું પડે તેવી સ્થિતિ છે. તે અંગેનો ર્નિણય આગામી દિવસોમાં લેવામાં આવશે. નાગપુરમાં શહેર પોલીસ કમિશનર કચેરીના તાબા હેઠળ આવતા તમામ વિસ્તારોમાં લાગુ પડશે.

મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં સોમવારથી રાત્રે આઠથી સવારે આઠ સુધી જનતા કરફ્યુ લાગુ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ નાગપુરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૩,૬૫૯ કેસ નોંધાયા છે જે દેશના ૬૦ ટકા જેટલા થવા જાય છે.

રાજ્ય સરકારે નાઈટ કરફ્યુથી લઈને આંશિક લોકડાઉન જાહેર કરવાનો ર્નિણય જે-તે જિલ્લા તેમજ શહેરના સ્થાનિક તંત્ર પર છોડ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાને કાબૂમાં લેવા માટે સાત મુદ્દાનો કાર્યક્રમ બનાવ્યો છે. જેમાં દર્દીના નજીકના સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટિંગ, ઝડપી કોન્ટેક્ટ ટ્રેસિંગ, માસ ટેસ્ટિંગ અને હોટ સ્પોટ્‌સ તેમજ કોરોનાથી થતા મોતના ઓડિટનો સમાવેશ થાય છે.

તમામ જિલ્લાને આ કાર્યક્રમ પર કામ કરવા માટે જણાવાયું છે. છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્ર ઉપરાંત કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુમાં કેસો સતત વધી રહ્યા છે. આ છ રાજ્યોમાં જ છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં નોંધાયેલા ૨૨,૮૫૪ કેસોના ૮૫ ટકા કેસ નોંધાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.